12 February, 2025 10:45 AM IST | Prayagraj | Darshini Vashi
અતુલ શાહ, રશ્મિકાન્ત સંઘવી અને પત્ની, સંજય મોદી અને પત્ની
ધક્કામુક્કી, રેકૉર્ડબ્રેક ટ્રૅફિક જૅમ અને કેટલાંય કિલોમીટરની લાંબી પદયાત્રા કરતા લોકોના અહેવાલો કુંભમેળામાંથી સતત આવી રહ્યા છે. ટેલિવિઝન અને સોશ્યલ મીડિયા પર આવતાં દિલધડક દૃશ્યો અને કંપારી છૂટી જાય એવા અહેવાલો વાંચીને કેટલાક લોકોએ સંગમસ્નાન કરવાનો વિચાર બદલ્યો છે, તો કેટલાક લોકોએ બધું બુકિંગ થઈ ચૂક્યું હોવા છતાં કુંભમાં જવાનો પ્લાન રદ કરી નાખ્યો છે. જોકે એમ છતાં મુંબઈના કેટલાક એવા ગુજરાતીઓ છે જેઓ ત્યાંની પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં પ્રયાગરાજ જવા માટે પ્રયાણ કરી રહ્યા છે.
બૉમ્બે ટુ પ્રયાગરાજ, વાયા બસ
ધાર્મિક પ્રવાસ તો ઉપરવાળાની ઇચ્છા હોય તો જ થઈ શકે છે અને એમાં પણ આવા દિવસે જઈને સ્નાન કરવાની તક મળવી એ પણ નસીબ કહેવાય અને એમાં પણ જો એ જોગાનુજોગ થઈ જાય તો ભયો ભયો. કાંદિવલીમાં રહેતા અને વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ૫૮ વર્ષના અતુલ શાહ કહે છે, ‘મને અચાનક ઇચ્છા થઈ કે મારે મહાકુંભમાં જવું છે. કોઈ પ્રી-પ્લાન હતો નહીં. રોજ કુંભ વિશે સાંભળતો અને જોતો, પણ ગિરદી જોઈને વિચાર્યું કે છેલ્લે જઈશ. જોકે બે દિવસ પહેલાં થયું કે ચલ કાલે નીકળી જાઉં. ઘરમાં બધાને ચિંતા થતી કે આવી ગિરદીમાં શું કામ છે, પણ મને અચાનક જ ઇચ્છા થઈ ગઈ અને બસની ટિકિટ પણ મળી ગઈ. આખી બસ પ્રયાગરાજની જ છે. બસ આખી ફુલ છે. હું ગોરેગામથી બસમાં સોમવારે બપોરે બેઠો હતો. બુધવારે સવારે હું બસમાંથી ઊતરીશ. આટલો લાંબો બસનો પ્રવાસ મેં ક્યારેય નથી કર્યો છતાં ઠાકોરજીનું નામ લઈને હું બેસી ગયો. હવે આગળ ભગવાન માર્ગ દેખાડશે. મને ત્યાં કોઈ હોટેલ કે બીજું કંઈ મળ્યું નથી. છેલ્લી ઘડીએ બધું બુક કર્યું હોવાથી મને કાંઈ મળ્યું નહીં. પણ મારી બહેને મને અમુક લોકલ કૉન્ટૅક્ટ શોધી આપ્યા છે તેમના ઘરે હું એક રાત રોકાઈશ. એક બાઇકવાળા ભાઈ પણ મળ્યા છે જેઓ મને લિફ્ટ આપશે. હું એકલો જ છું એટલે મને કોઈ ચિંતા નથી છતાં જે થશે એ જોવાઈ જશે. બીજું એ કે એ યાત્રા શું કામની જેમાં કોઈ કષ્ટ ન થાય. આમ મેં મારી સંગમ યાત્રાનો પ્લાન કર્યો છે.’
મરવાના ડરથી યાત્રા ન કરીએ એવું તો કેવી રીતે બની શકે?
કાંદિવલીમાં રહેતા અને બિઝનેસ સાથે સંકળાયેલા ૫૯ વર્ષના સંજય મોદી કહે છે, ‘મરવાનું લખ્યું હશે તો ગમે ત્યાં મરીશું, પણ એના ડરથી યાત્રા ન કરીએ એ કેવી રીતે બની શકે? હું અને મારી વાઇફ તથા અન્ય બે જણ સાથે અમે બુધવારે સવારે દિલ્હી સુધીની ફ્લાઇટ પકડી છે. સીધી ફ્લાઇટ મળવાનો કોઈ સવાલ જ નથી અને જે બીજી કોઈ મળે છે એના ભાવ આસમાને છે એટલે અમે દિલ્હીથી કારમાં પ્રયાગરાજ પહોંચવાના છીએ. લોકોએ નાસભાગ થઈ એમાં ટિકિટો કૅન્સલ કરાવી દીધી અને જવાનું માંડી વાળ્યું, પણ અમે ઊલટું કર્યું. અમે એ સમયગાળા દરમ્યાન મહાકુંભ જવાનો પ્લાન કરી લીધો. કેમ કે અનેક ટિકિટો અને હોટેલ-બુકિંગ એ બનાવના બીજા દિવસે સહેલાઈથી મળતાં હતાં એટલે અમને ત્યારે બધી જગ્યાએ ટિકિટ અને બુકિંગ મળી ગયાં હતાં. વાત રહી ડરની તો યા હોમ કરીને કૂદવાનું છે. અમે બધી તૈયારી સાથે જઈ રહ્યા છીએ કે ભલેને રિટર્નમાં ફ્લાઇટ ચૂકી જવાય. એક દિવસ વધુ રોકાઈ જઈશું અને વાયા-વાયા ટ્રેન પકડીને ઘરે આવી જઈશું, પણ કુંભસ્નાન માટે તો પહોંચવું જ છે.’
આશ્રમમાં રહીશું પણ મહાકુંભમાં જઈશું
અંધેરીમાં રહેતા ૬૪ વર્ષના ખીમરાજ ગાલંગા કહે છે, ‘હું અમારા જેન્ટ્સ ગ્રુપ સાથે મુંબઈથી સીધો ટ્રેનમાં પ્રયાગરાજ જઈ રહ્યો છું. મને ખબર છે કે આ યાત્રા એટલી ઈઝી નથી છતાં અમે જઈ રહ્યા છીએ. ટ્રેનની ટિકિટ ઍડ્વાન્સમાં બુક કરાવી છે. ફર્સ્ટ ક્લાસની ટિકિટ પર ૨૫૦૦ રૂપિયા વધારે ચૂકવીને અમને માંડ સીટ મળી છે. ઘરેથી બધો નાસ્તો અને જમવાનું લઈ આવ્યા છીએ. ત્યાં જમવાનું ક્યાં અને કેવું મળે એની ખબર નથી એટલે ઘરેથી હોલસેલમાં થેપલાં લઈ આવ્યો છું એટલે વાંધો નહીં આવે. બાકી હોટેલો અને ધર્મશાળા તો હાઉસફુલ થઈ ગયાં છે એટલે અમે આશ્રમમાં રોકવાના છીએ. ટ્રેન ચારથી પાંચ કલાક મોડી ચાલી રહી છે, પણ વાંધો નહીં. બે દિવસ અમે આશ્રમમાં જ રોકાઈશું. આજુબાજુ આવેલાં મંદિરમાં દર્શન કરીશું અને પછી પાછા ફરીશું.’
હવે જે થાય એ, કુંભસ્નાન માટે અમે તો જવાના એટલે જવાના
બોરીવલીના સાંઈબાબાનગરમાં રહેતા ૬૯ વર્ષના રશ્મિકાન્ત સંઘવી કહે છે, ‘અમારું આઠથી દસ જણનું ગ્રુપ છે અને અમે બધા આજે બુધવારે વહેલી સવારે ફ્લાઇટમાં સંગમસ્નાન માટે જવાના છીએ. અમને ત્યાંની પરિસ્થિતિનો અંદાજ છે એટલે અમે એ રીતે પ્રિપેર્ડ થઈને જ જઈ રહ્યા છીએ. હું અને મારી વાઇફ અમે બન્ને સિનિયર સિટિઝન છીએ અને ઉંમરના હિસાબે ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર તો ખરાં જ. એમ છતાં અમે અમારા ફૅમિલી-ડૉક્ટરને મળીને દવા અને સૂચન મેળવી લીધાં છે. સાથે જરૂરી નાસ્તો અને પીવાનું પાણી પણ લીધાં છે. મારી દીકરીઓને અમારા પર વિશ્વાસ છે કે અમે ફરીને બરાબર આવીશું. જોકે આ વખતે કુંભના સમાચાર સાંભળીને તેઓ પણ ચિંતિત છે છતાં અમને જવાની ના નથી પાડી, પણ સલાહ આપી છે કે જો સ્નાન થાય તો ઠીક છે નહીંતર જ્યાંથી પાછું આવવા મળે ત્યાંથી આવી જજો. ટૂંકમાં કહીએ તો, આ બધી વાતોમાં તમારે માનસિક રીતે તૈયાર રહેવું પડે છે. જો તમે બધી રીતે તૈયાર હશો તો જ આવી ધાર્મિક યાત્રા કરી શકો. અમે અયોધ્યા સુધીની પ્લેનની ટિકિટ કઢાવી લીધી હતી. ત્યાંથી અમે પ્રયાગરાજ માટે વાહન બુક કરાવ્યું છે. જ્યાં સુધી વાહન લઈ જાય ત્યાં સુધી એમાં જઈશું, બાકી ચાલવાની માનસિક તૈયારી પણ રાખી છે. પછી જે હશે એ અમે ત્યાં જઈને જોઈ લઈશું. એ ઉપરાંત અમે એક દિવસ વધારે પકડીને જ અમારા પ્રવાસનું આયોજન કર્યું છે જેથી સ્નાન વખતે ટાઇમ જાય તો પણ અમારો આગળનો પ્રવાસ અને ફ્લાઇટ ચૂકી ન જવાય. અમે ફ્લાઇટ પણ દોઢ મહિના પહેલાં બુક કરાવી હતી.’