11 August, 2024 08:30 AM IST | Mumbai | Bakulesh Trivedi
નિપુલ ગાલા
પ ગોવિંદનગરમાં રહેતા ૪૩ વર્ષના નિપુલ ગાલાએ શુક્રવારે દાદર સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૯ પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) જઈ રહેલી સ્લો ટ્રેન સામે ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું હતું એમ દાદરની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)નું કહેવું છે. આ સંદર્ભે પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરીને વધુ કાર્યવાહી કરી છે.
લાખાપરના કચ્છી વીસા ઓસવાળ સમાજના નિપુલ ગાલા તેમના પપ્પા સાથે જ ઘરના બૅગના ધંધામાં જોડાયા હતા. તેમના પરિવારના જણાવ્યા અનુસાર શુક્રવારે તે પપ્પા હરખચંદ સાથે જ સાઉથ મુંબઈમાં આવેલી તેમની ઑફિસ જવા નીકળ્યા હતા. જોકે નિપુલભાઈએ એમ કહ્યું હતું કે તેઓ દાદર ઊતરી જશે અને એ પછી સેન્ટ્રલ રેલવેની એક પાર્ટીને મળીને ઑફિસ પહોંચશે. બીજી બાજુ પપ્પા હરખચંદભાઈ પણ એક પાર્ટીને મળીને પછી ઑફિસ પહોંચવાના હતા. હરખચંદભાઈ ઑફિસ પહોંચ્યા ત્યારે નિપુલભાઈ ઑફિસ નહોતા પહોંચ્યા એટલે તેમને આશ્ચર્ય થયું હતું, કારણ કે નિપુલભાઈ પહેલાં પહોંચવાના હતા. એથી તેમણે નિપુલને ફોન કરતાં એ ફોન પોલીસ-કૉન્સ્ટેબલે ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે આ જેમનો ફોન છે તે વ્યક્તિને ચક્કર આવતાં તે પડી ગઈ છે અને તેને સાયન હૉસ્પિટલમાં લઈ જવાઈ છે એટલે તમે સાયન હૉસ્પિટલ પહોંચો. હરખચંદભાઈ સાયન હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને જાણ કરવામાં આવી હતી કે નિપુલભાઈનું મૃત્યુ થયું છે.
દાદર GRPના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અનિલ કદમે આ વિશે માહિતી આપતાં
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના સવારે ૧૦.૨૫ વાગ્યે બની હતી. મરનાર નિપુલ ગાલા એ વખતે CSMT જતી સ્લો ટ્રેનના પ્લૅટફૉર્મ-નંબર ૯ પર છેક છેલ્લે માટુંગા સાઇડ ઊભા હતા. જેવી ટ્રેન આવી એટલે તેમણે ટ્રેન સામે ઝંપલાવી દીધું હતું. ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં આ ઘટના બરાબર ઝડપાઈ નથી, પણ ટ્રેનના મોટરમૅને માહિતી આપી હતી કે તે વ્યક્તિએ ટ્રેનની સામે ઝંપલાવ્યું હતું. ટ્રેન તરત રોકી દેવાઈ હતી અને ત્યાર બાદ તેમને સાયન હૉસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. એ પછી તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરીને પરિવારને સોંપવામાં આવ્યો હતો. તેમણે આ પગલું શા માટે લીધું એ જાણી શકાયું નથી.’