ગુજરાતી બહેનની મદદે આવ્યા મરાઠી ભાઉ

12 December, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અશ્ળીલ હરકતો કરતા વૉચમૅનની ફરિયાદ બાબતે ન તો પોલીસે અને ન સોસાયટીએ કોઈ ઍક્શન લીધી એટલે મહિલાએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની હેલ્પ માગી, એના કાર્યકરોએ આવીને વૉચમૅનને ફટકાર્યો અને તેને બે દિવસમાં નોકરીમાંથી કાઢી મૂકવાની ચેતવણી આપી

બુધવારે મુલુંડની સોસાયટીમાં MNSના કાર્યકરો પહોંચી ગયા હતા.

મુલુંડ-વેસ્ટના દેવીદયાલ રોડ પરની એક સોસાયટીમાં રહેતી ગુજરાતી મહિલા સાથે અશ્લીલ હરકત કરી તેને ધમકાવનાર સોસાયટીના વૉચમૅન રાકેશ યાદવને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ બુધવારે રાતે મેથીપાક ચખાડ્યો હતો. પતિથી અલગ થયા બાદ ૧૪ વર્ષના દીકરા સાથે રહેતી ગુજરાતી મહિલાને વૉચમૅન છેલ્લા એક વર્ષથી અશ્ળીલ ચેડાં કરી પરેશાન કરતો હતો. આ મુદ્દે જ્યારે મહિલાએ પોલીસ અને સોસાયટીની કમિટીને પત્ર લખીને ફરિયાદ કરી ત્યારે બન્નેએ મહિલાની ફરિયાદ પર ધ્યાન નહોતું આપ્યું. એ ઉપરાંત વૉચમૅને તેને અને તેના દીકરાને ધમકી આપી હતી. આખરે કંટાળીને મહિલાએ ઘટનાની જાણ કરતાં MNSના કાર્યકરોએ MNS-સ્ટાઇલમાં વૉચમૅન અને સોસાયટીના સભ્યોની ખબર લઈ નાખી હતી એટલું જ નહીં, જો બે દિવસમાં વૉચમૅનને નોકરી પરથી કાઢી મૂકવામાં નહીં આવે તો સોસાયટીમાં ફરી આવીશું અને ત્યારે જોવા જેવી થશે એવી ચીમકી પણ આપી હતી.

મુલુંડના MNSના શાખાપ્રમુખ સંદીપ વરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડની એક સોસાયટીના ફ્લૅટમાં એક મહિલા દીકરા સાથે રહે છે. તે એકલી હોવાથી સોસાયટીમાં કૉન્ટ્રૅક્ટ પરનો વૉચમૅન રાકેશ અવારનવાર તેની સામે અશ્ળીલ હરકત કરતો હતો. શરૂઆતમાં મહિલાએ વૉચમૅન તરફ ધ્યાન આપ્યું નહોતું, પણ ધીરે-ધીરે તેની મસ્તી વધતી ગઈ હતી. એ મહિલા જ્યારે જતી કે આવતી ત્યારે તે કમેન્ટ કરતો અને તેના દીકરાને પણ સતાવતો હતો. અંતે પરેશાની વધી ગઈ ત્યારે મહિલાએ મુલુંડ પોલીસ-સ્ટેશનને અને સોસાયટીના ચૅરપર્સનને પત્ર લખીને વૉચમૅનની ફરિયાદ કરી હતી, પણ બેમાંથી કોઈએ ઍક્શન લીધી નહોતી એટલે વૉચમૅનની હિંમત વધી ગઈ હતી. એ પછી તેણે મહિલાને વિવિધ માધ્યમથી ધમકાવવાની શરૂઆત કરી હતી. તેની કારની તોડફોડ કરવાની અને દીકરાને મારવાની આડકતરી રીતે ધમકી આપી હતી. આ મામલે મહિલાએ અમારો સંપર્ક કર્યો ત્યારે હું અને અમારા કાર્યકરો સોસાયટીમાં પહોંચી ગયા હતા. ત્યાં જઈને વૉચમૅનની પૂછપરછ કર્યા બાદ તેને ફટકાર્યો હતો અને સોસાયટીના ચૅરપર્સનનો સંપર્ક કરી વૉચમૅનને બે દિવસમાં નોકરી પરથી કાઢી મૂકવાનું કહ્યું હતું. એકલી રહેતી એ મહિલા ભલે ગુજરાતી હોય, તેની મદદ માટે અમે હંમેશાં ઊભા રહીશું. જો બે દિવસમાં વૉચમૅનને હટાવવામાં નહીં આવે તો સોસાયટીમાં અમે તાંડવ કરીશું. આ બાબતે પોલીસને પણ અમે જણાવી દીધું છે.’

mumbai news mumbai mulund gujaratis of mumbai gujarati community news maharashtra navnirman sena mumbai police maharashtra news Crime News