સમયસર કામ પૂરું નથી કર્યું એટલે આ પ્રોજેક્ટની ડેડલાઇન એક વર્ષ પાછળ ધકેલાઈ
બીએમસીની પ્રતીકાત્મક તસવીર
ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ (GMLR) પ્રોજેક્ટના ત્રીજા તબક્કાના કામમાં વધુ વિલંબ થવાને કારણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) એ કૉન્ટ્રૅક્ટર એસ.પી. સિંગલાને ૨.૦૯ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ વિલંબને કારણે GMLRનું કામ પૂરું થવાની સમયમર્યાદા એક વર્ષ પાછી ધકેલાઈ છે.
ગોરેગામ-વેસ્ટ તરફના છ લેનના ફ્લાયઓવરનું કામ ૨૦૨૫ના જુલાઈ મહિનામાં પૂરું થવાનું હતું, હવે આ કામ ૨૦૨૬ના મે મહિનામાં પૂરું થાય એવી શક્યતા છે. મુલુંડ તરફના ફ્લાયઓવરનો એક ભાગ જ ૨૦૨૬ના મે મહિના સુધીમાં કાર્યરત થશે, બાકીના ભાગ માટે વધુ સમય લાગશે એમ BMCના એક અધિકારી જણાવ્યું હતું.
ADVERTISEMENT
જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં કામમાં થયેલા વિલંબ માટે નવેમ્બરમાં દંડ વસૂલવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ્સ વિભાગના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે કહ્યું હતું કે જો કૉન્ટ્રૅક્ટર ફરીથી સમયમર્યાદા ચૂકી જશે તો વધુ દંડાત્મક પગલાં લેવામાં આવશે.
ગોરેગામ બાજુના બ્રિજના ૩૧ થાંભલાઓમાંથી ૨૭ થાંભલાનું કામ પૂર્ણ થઈ ગયું છે, બાકીના ચાર થાંભલા હાલમાં બાંધકામ હેઠળ છે. આ ઉપરાંત બન્ને બાજુ વૉકવે, ડેક સ્લૅબ, ૨૪.૨ મીટરનો કૅરેજવે, બે ફીટ ઓવરબ્રિજ અને મુલુંડ ખાતે એક એલિવેટેડ રોટરીના કામનો સમાવેશ થાય છે.


