08 August, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દાદરના કબૂતરખાના પર લગાવવામાં આવેલી તાડપત્રી જીવદયાપ્રેમીઓએ ફાડી નાખી હતી. તસવીરો : સૈયદ સમીર અબેદી
ગઈ કાલે દાદરના કબૂતરખાના પરની તાડપત્રી ક્રોધિત જીવદયાપ્રેમીઓએ હટાવી દીધી એ પછી તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસ તરફથી ફક્ત નિર્દેશ આપવામાં આવ્યો હતો, પણ તેમના તરફથી આ નિર્દેશને તરત અમલમાં મૂકવા માટેની કોઈ જ સૂચના મહાનગરપાલિકાના અધિકારીઓને આપી નહોતી. આથી આજે પણ મુંબઈનાં બધાં જ કબૂતરખાનાં બંધ છે. લાખો કબૂતરોના જીવ જોખમમાં છે અને હજારો કબૂતરો ગઈ કાલ સુધીમાં કમોતે મૃત્યુ પામ્યાં છે. સૌથી વધારે તો દુઃખ એ થાય છે કે ગઈ કાલની અમારી મહાસભાને છિન્નભિન્ન કરવા માટે ઉપરથી પોલીસ અધિકારીઓ પર દબાણ લાવવામાં આવ્યું હતું જેથી આયોજકોએ કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો. આમ છતાં ગઈ કાલે સવારે ૯.૩૦ વાગ્યાથી જ હિન્દુ સમાજના, જૈન અને હિન્દુ સમાજના હજારો જીવદયાપ્રેમીઓ દાદર કબૂતરખાના પાસે જમા થવા લાગ્યા હતા. સૌનો એક જ અવાજ હતો કે અમે કબૂતરો પર અત્યાચાર કોઈ પણ ભોગે થવા દઈશું નહીં. છેલ્લા એક અઠવાડિયામાં હજારો કબૂતરો ચણ ન મળતાં કાંકરા, પ્લાસ્ટિક જેવી વસ્તુઓ ખાઈને મોતને ભેટી રહ્યાં છે જે અસહ્ય છે.’
મુંબઈમાં કબૂતરખાનાંના વિરોધમાં મહાનગરપાલિકાએ ચોથી જુલાઈથી ઝુંબેશ શરૂ કરી દીધી હતી જેને કારણે આજના સમયમાં ત્રણ લાખથી વધુ નિર્દોષ અબોલ કબૂતરો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે એમ જણાવતાં દાદર કબૂતરખાનાના એક સંચાલકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ભારતીય જનતા પાર્ટીને મહાનગરપાલિકાની ચૂંટણીમાં મત નહીં આપીએ એવી મીડિયાના માધ્યમથી જાહેરાત કર્યા પછી અચાનક સરકાર સફાળી જાગી છે. દેવેન્દ્ર ફડણવીસે જે જાહેરાત ગઈ કાલે કરી એ જ જાહેરાત હજારો કબૂતરો કમોતે મરી ગયાં એ પહેલાં કરી શકતા હતા અને કબૂતરોને બચાવી શકતા હતા, પણ વિધાનપરિષદમાં એક-બે વિધાનસભ્યોએ કબૂતરો માણસોના આરોગ્ય માટે જોખમી છે એવી રજૂઆત કરી એની બીજી જ પળે મુંબઈનાં કબૂતરખાનાંઓ પર રીતસરની તબાહી કરવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ રોડ પર ઊતરી આવ્યા હતા જે ખરેખર દુઃખજનક ઘટના છે અને અક્ષમ્ય છે. નવાઈની વાત એ છે કે મહાનગરપાલિકા કબૂતરખાનાં બંધ કરાવવા માટે રાતના બાર વાગ્યે પણ સક્રિય હતી, પરંતુ દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશના કલાકો પછી પણ મુંબઈના એક પણ કબૂતરખાનાને ખોલવાની મહાનગરપાલિકાએ તસ્દી લીધી નથી. આથી જ જીવદયા પર આવેલા સંકટમાંથી બહાર આવવા માટે અમે ગઈ કાલે મહાસભાનું આયોજન કર્યું હતું. ત્યાર પછી અમે જાહેરાત પણ કરી હતી કે સભા જાહેર કરેલા સમયે અને સ્થળે યોજાશે, પરંતુ રાતના અમારા પર દબાણ આવતાં અમે મહાસભાને મુલતવી રાખી હતી. જોકે ગઈ કાલે સવારે મુંબઈભરના જીવદયાપ્રેમીઓ સ્વૈચ્છિક રીતે કબૂતરખાના પાસે જમા થવા લાગ્યા હતા અને તેમણે કબૂતરોને ન્યાય આપવા માટે કબૂતરખાનાને ખોલી નાખવાની બુલંદ માગણી કરી હતી. આ સભામાં જૈન સાધુસંતોની સાથે હિન્દુ સંતો પણ જોડાયા હતા તથા મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.’
મંગલ પ્રભાત લોઢાનું શું કહેવું છે?
ગઈ કાલે દાદર કબૂતરખાના પાસેનો મામલો ગરમ થવાના સમાચાર મળતાં જ શહેરના પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢા દાદર પહોંચી ગયા હતા. તેમણે લોકોને શાંત કર્યા પછી કબૂતરખાનાની તોડફોડની ઘટના સામે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘જીવદયાપ્રેમીઓની કબૂતરો પ્રત્યેની સંવેદના સમજવા માટે ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરવામાં આવ્યા પછી એનો ઉકેલ લાવવા માટે તેઓ પણ આગળ આવ્યા છે. હું જીવદયાપ્રેમીઓને અમે યોગ્ય નિર્ણય લઈએ ત્યાં સુધી રાહ જોવા અને કાયદો હાથમાં લેવાનું ટાળવા વિનંતી કરું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય અને કબૂતરોનાં મૃત્યુ ટાળવા માટે અમે કોઈ મધ્યમ માર્ગ શોધવાનો પ્રયાસ કરીશું.’
વાતાવરણ તંગ થઈ ગયું છે એની જાણ થતાં મંગલ પ્રભાત લોઢા પહોંચી ગયા હતા.
મુંબઈ મહાનગરપાલિકા શું કહે છે?
કાલના બનાવ પછી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ હવે પછીની કાર્યવાહીની સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘કોર્ટના આદેશ મુજબ ખોરાક પર પ્રતિબંધ ચાલુ રહેશે. ચીફ મિનિસ્ટરના નિર્દેશ પછી પાલિકા કબૂતરખાનામાં પાણી ઉપલબ્ધ કરવા માટે અને કબૂતરોને ચણ મળી રહે એ માટે વૈકલ્પિક વ્યવસ્થા પર કામ કરશે. જોકે દાદર કબૂતરખાનાને આગામી સૂચના સુધી ખૂલ્લું મૂકવામાં આવશે નહીં. એના પર તાડપત્રી લગાડી દેવામાં આવશે.’
આજે કોર્ટમાં જૈનો નિશાન બનશે?
ગઈ કાલના બનાવથી મહાનગરપાલિકા માટે ભાવતું’તું અને વૈદે કીધું જેવો ઘાટ થશે એમ જણાવતાં કબૂતરખાનાંઓ માટે કોર્ટમાં લડી રહેલી જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટી સ્નેહા વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે મહાનગરપાલિકા કોર્ટમાં ગઈ કાલના મોરચાના અને તોડફોડના વિડિયો રજૂ કરશે. તેઓ કહેશે કે મુખ્ય પ્રધાને વચન આપ્યું હોવા છતાં જનતાએ ગઈ કાલે દાદરમાં કાયદો હાથમાં લીધો હતો તથા તાડપત્રી ફાડી નાખીને કબૂતરોને ચણ ખવડાવવામાં આવ્યું હતું એટલું જ નહીં, ગઈ કાલની ભીડમાં હિન્દુ અને જૈન સમાજ સાથે અન્ય જીવદયાપ્રેમીઓ હતા; તેમણે નવકારમંત્રની સાથે જય શ્રીરામના નારા પણ લગાવ્યા હતા.’
ધીરજ રાખો, કોર્ટનો અનાદર થાય એવી કોઈ કાર્યવાહી કરશો નહીં : દાદર કબૂતરખાના ટ્રસ્ટ
દાદરના કબૂતરખાનાની મૅટર મુંબઈ હાઈ કોર્ટમાં હોવાથી કબૂતરખાનાના ટ્રસ્ટીઓએ કોર્ટનો અનાદર ન થાય એ માટે મુંબઈના જીવદયાપ્રેમીઓને સોશ્યલ મીડિયા પર મેસેજ વાઇરલ કરીને એક નમ્ર વિનંતી કરી છે...
‘જય જિનેન્દ્ર જય શ્રી રામ
બધા જીવદયાપ્રેમીઓને નમ્ર વિનંતી છે કે મંગળવારે અમે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે કબૂતરખાનાંને ખુલ્લાં મૂકવાના સંદર્ભે મીટિંગ કરી હતી અને તેમણે અમારી વાતચીત અને સંવેદના સાંભળ્યા પછી આશ્વાસન આપ્યું હતું કે અમે વહેલી તકે નવી માર્ગદર્શિકા બહાર પાડીને આ મુદ્દે નિર્ણય લઈશું. આથી આપ સૌ ધીરજ રાખજો. કબૂતરખાનાની આજુબાજુ ભીડ ભેગી કરીને પ્રશાસનની કાર્યવાહીમાં કોઈ અડચણ કે રુકાવટ લાવશો નહીં. એનાથી કોર્ટના આદેશનું ઉલ્લંઘન થશે. આ મેસેજ બધાં જ ગ્રુપમાં મોકલવા નમ્ર વિનંતી.’