02 May, 2023 10:20 AM IST | Mumbai | Prakash Bambhroliya
અનુજ પટેલ
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના ૩૭ વર્ષના પુત્ર અનુજને શનિવારે બપોરે બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ અમદાવાદની કે. ડી. હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. ત્યાં અનુજ પટેલની બે કલાક સુધી સર્જરી કરી હતી, પરંતુ ત્યાર બાદ પણ તબિયતમાં સુધારો ન થતાં તેમને અમદાવાદથી મુંબઈ ઍરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને માહિમની હિન્દુજા હૉસ્પિટલમાં તેમનું ઑપરેશન કરવામાં આવ્યું હતું, જે ૬ કલાક ચાલ્યું હતું. મુંબઈ લાવવાથી લઈને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા સુધી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમના કાર્યકરો સાથે હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના એકના એક પુત્ર અનુજ પટેલની અમદાવાદની કે. ડી. હૉસ્પિટલમાં સર્જરી કરવામાં આવ્યા બાદ પણ તેમની તબિયતમાં સુધારો ન દેખાતાં ડૉક્ટરોએ તેમની આગળની સારવાર માટે મુંબઈની હિન્દુજા હૉસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. એથી ભૂપેન્દ્ર પટેલે પુત્રને મુંબઈ લઈ જવા માટેનો નિર્ણય લીધો હતો અને તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ફોન કરીને મદદ માગી હોવાનું જાણવા મળ્યું હતું.
અનુજ પટેલને બ્રેઇન સંબંધી સારવારની જરૂર હોવા બાબતે ભૂપેન્દ્ર પટેલે એકનાથ શિંદેને જાણ કરતાં એકનાથ શિંદેએ તાત્કાલિક હિન્દુજા હૉસ્પિટલના સંચાલકો અને ન્યુરો સર્જ્યન ડૉ. બી. કે. મિશ્રાનો સંપર્ક કરીને તેમની સાથે આ સંબંધે ચર્ચા કરી હતી. ડૉક્ટરોએ અનુજ પટેલને મુંબઈ લાવવાનું કહેતાં એકનાથ શિંદેએ ૧ મેના મહારાષ્ટ્ર ડેના તમામ કાર્યક્રમ પડતા મૂકીને અનુજ પટેલને મુંબઈ લાવવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા. તેમણે પોલીસ-વ્યવસ્થાની સાથોસાથ આરોગ્ય વ્યવસ્થા વાયુવેગે કામે લગાડી હતી.
સવારે ૧૧.૪૫ વાગ્યે અનુજ પટેલને લઈને ઍર ઍમ્બ્યુલન્સ મુંબઈ પહોંચી હતી. ૧૧.૫૮ વાગ્યે મુંબઈ પોલીસની સ્પેશ્યલ સ્ક્વૉડ સાથે અનુજને લઈને ઍમ્બ્યુલન્સ માહિમની હિન્દુજા હૉસ્પિટલની દિશામાં રવાના થઈ હતી અને ૯ મિનિટમાં હૉસ્પિટલ પહોંચી હતી. એ સમયે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે હૉસ્પિટલ પહોંચી ગયા હતા.
ઍર ઍમ્બ્યુલન્સથી અનુજ પટેલને મુંબઈ લાવવામાં ઝોન-૮ના ડેપ્યુટી પોલીસ કમિશનર દીક્ષિત ગેડામ અને જૉઇન્ટ કમિશનર સત્યનારાયણ સહિત મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસળકરના માર્ગદર્શનમાં હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ૧ મેએ શહેરમાં શોભાયાત્રા નીકળતી હતી એની વચ્ચેથી પોલીસે ઍમ્બ્યુલન્સ માટે રસ્તો કાઢ્યો હતો.
મહારાષ્ટ્ર દિનના તમામ કાર્યક્રમ રદ કરીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અનુજ પટેલને તાત્કાલિક સારવાર મળે એ માટેની વ્યવસ્થા હૉસ્પિટલ પહોંચીને કરાવડાવી હતી. તેમણે તાત્કાલિ ઑપરેશન કરવા માટે ડૉક્ટરોને સૂચના આપી દીધી હતી. ભૂપેન્દ્ર પટેલ હિન્દુજા હૉસ્પિટલમાં પહોંચે એ પહેલાં એકનાથ શિંદે પહોંચી ગયા હતા અને જ્યારે બન્ને મળ્યા ત્યારે તેમને હિંમત રાખવાનું કહ્યું હતું.
મુંબઈમાં અનુજ પટેલની ઍર ઍમ્બ્યુલન્સ સાથે જ ભૂપેન્દ્ર પટેલ તેમના નજીકના લોકો સાથે બીજી ચાર્ટર્ડ ફ્લાઇટમાં મુંબઈ પહોંચ્યા હતા. ત્યાર બાદ વધુ એક ફ્લાઇટમાં અનુજના નજીકના સંબંધીઓ મુંબઈ પહોંચ્યા હતા.
હિન્દુજા હૉસ્પિટલમાં અનુજ પટેલની સર્જરી કરવામાં આવી હતી, જે ૬ કલાક ચાલી હોવાનું જાણવા મળ્યું હતું. હૉસ્પિટલમાં એક જ સમયે બે રાજ્યના મુખ્ય પ્રધાન અને વીઆઇપીઓ પહોંચી રહ્યા હતા એટલે સલામતીના કારણસર અહીં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અનુજને અહીં બે-ત્રણ દિવસ સારવાર હેઠળ રાખવામાં આવી શકે છે.
સર્જરી ચાલતી હતી એ દરમ્યાન અને બાદમાં દર અડધા કલાકે હિન્દુ હૉસ્પિટલ પહોંચેલા અનુજ પટેલના નજીકના સંબંધીઓને માહિતી આપવાની સૂચના એકનાથ શિંદેએ ડૉક્ટરોને આપી હતી.
ઉલ્લેખનીય છે કે શનિવારે બપોરે જમ્યા બાદ અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. ત્યાર બાદ તેમને અમદાવાદમાં સરખેજ ગાંધીનગર રોડ પર આવેલી કુસુમ ધીરજલાલ (કે. ડી.) હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. અહીં તેમની સર્જરી કરવામાં આવી હતી, જે બે કલાક ચાલી હતી. ત્યાર બાદ પણ અનુજની તબિયતમાં સુધારો ન જણાતાં તેમને ડૉક્ટરોએ મુંબઈની હિન્દુજા હૉસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી. અનુજે પણ પિતા ભૂપેન્દ્ર પટેલની જેમ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. તેઓ બાંધકામનો વ્યવસાય કરે છે.