હૃદય બીજાનું, હામ પોતાની

18 August, 2025 01:41 PM IST  |  Mumbai | Hemal Ashar

બ્રેઇન-સ્ટ્રોક અને હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ પણ અંધેરીના ૬૪ વર્ષના ગુજરાતી અનિરુધ નૅન્સીને ડગાવી નથી શક્યાં, જર્મનીમાં થનારી વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સમાં સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેવા પહોંચી ગયા છે

અંધેરીના લોખંડવાલા કૉમ્પ્લેક્સના સ્વિમિંગપૂલમાં પ્રૅક્ટિસ કરી રહેલા અને પત્ની ફાલ્ગુની સાથે અનિરુધ નૅન્સી. તસવીરઃ સતેજ શિંદે

સામાન્ય રીતે કિડની, લિવર, હાર્ટ જેવાં અંગોનું ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયા પછી જીવન તો મળે છે; પણ લોકો એ પછી જીવનને પૂરી રીતે માણી શકાશે નહીં એ બાબતે ચિંતિત હોય છે. આવી ચિંતા કરનારાઓ માટે પ્રેરણારૂપ છે અંધેરીમાં રહેતા કસ્ટમ્સ અને એક્સાઇઝના ગુજરાતી રિટાયર્ડ અસિસ્ટન્ટ કમિશનર અનિરુધ નૅન્સી. ૬૪ વર્ષના અનિરુધ નૅન્સીને બ્રેઇન-સ્ટ્રોક આવી ગયો છે અને પાંચ વર્ષ પહેલાં તેમનું હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ પણ થયું છે. જોકે એ પછી પણ તેમની સ્પોર્ટ્‌સની સફર ધીમી નથી પડી. હાલમાં તેઓ જર્મનીના ડ્રેસ્ડનમાં વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે. આ ઇવેન્ટ એવા રમતવીરો માટે છે જેમના શરીરમાં કોઈ મહત્ત્વનું અંગ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોય.

ગઈ કાલથી જર્મનીમાં શરૂ થયેલી વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ ૨૪ ઑગસ્ટ સુધી ચાલશે. અનિરુધ નૅન્સીનું કહેવું છે કે ‘મને બ્રેઇન-સ્ટ્રોક આવી ગયો છે અને ૨૦૨૦માં હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે છતાં કોઈ પરિસ્થિતિ મને ડગાવી શકી નથી. હું લોકોને કહેવા માગું છું કે રમતગમતમાં જ નહીં, જીવનમાં પણ ક્યારેય હાર ન માનો. હું એક સ્વપ્ન જેવું જીવન જીવી રહ્યો છું; પરંતુ હું એકલો નથી, મારે ઘણા લોકોનો આભાર માનવો છે.’

અનિરુધ નૅન્સી વૉટર પોલોની તાલીમ લઈ ચૂક્યા છે. અંધેરીના લોખંડવાલાના તેમના ઘરમાં સ્પોર્ટ્સની ટ્રોફીઓથી તેમનાં કબાટ ઊભરાય છે. ૧૯૮૭માં જયપુરમાં ગોલ્ડ મેડલ જીતનારી વૉટર પોલો ટીમના તેઓ મહત્ત્વના ખેલાડી હતા. તેમણે ભારત-બંગલાદેશ-શ્રીલંકા વૉટર પોલો સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલું અને એમાં પણ ગોલ્ડ મેડલ જીતેલો. જોકે એ પછી ઉંમરને કારણે તેમના જીવનમાં કેટલીક સમસ્યાઓએ દસ્તક દીધી હતી.

ભર કોવિડમાં ગોવાથી હાર્ટ મળ્યું

ઉંમરને કારણે તેમના જીવનમાં કસોટી થાય એવા તબક્કા આવ્યા. નૅન્સીને હાર્ટને લગતી ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી નામની હૃદયની સ્થિતિ વિકસિત થઈ હતી જે પછી તેમના હૃદયનું ઇજેક્શન ફ્રૅક્શન એટલે કે લોહી પમ્પ કરવાની ક્ષમતા માત્ર ૧૨ ટકા હતી. એ માટે ૨૦૦૯માં કાર્ડિઍક રીસિન્ક્રોનાઇઝેશન થેરપી (CRT) ફિટ કરવામાં આવી હતી. CRT હૃદયની પમ્પિંગ-ક્ષમતાને સુધારવા માટે એક ખાસ પેસમેકર જેવું છે. આ સમસ્યા પણ કંઈ ઓછી નહોતી એમ જણાવતાં અનિરુધ નૅન્સી કહે છે, ‘એ ખૂબ જ મુશ્કેલ સમય હતો. CRT પહેલાં મને બ્રેઇન-સ્ટ્રોક પણ આવ્યો હતો, જેમાંથી હું માંડ સ્વસ્થ થયો હતો. ઑક્ટોબર ૨૦૧૯માં મને હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૨૦માં મેં HN રિલાયન્સ હૉસ્પિટલમાં હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી. મારા શરીરમાં અત્યારે જે હાર્ટ ધબકે છે એ ગોવાથી આવ્યું હતું. યાદ કરો કે એ કોવિડની ચરમસીમાનો સમય હતો અને ત્યારે ખૂબ જ ઓછી સર્જરીઓ થઈ રહી હતી. રિકવરી લાંબી હતી અને ખૂબ જ પડકારજનક હતી, પરંતુ ઑપરેશન સફળ રહ્યું. ભગવાન દયાળુ અને મહાન છે. હું ધીમે-ધીમે રમતમાં પાછો ફર્યો, તરવાનું અને દોડવાનું શરૂ કર્યું.’

નવજીવનની ઉજવણી

નવા હૃદય સાથે મળેલા નવા જીવનને ભગવાનની ભેટ ગણીને અનિરુધ નૅન્સીએ ધીમે-ધીમે ફરીથી સ્પોર્ટ્સની ટ્રેઇનિંગ લેવાનું શરૂ કર્યું અને સ્થાનિક સ્વિમ મીટ્સમાં માસ્ટર્સ ઇવેન્ટ્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેઓ નિયમિત પાંચથી સાત કિલોમીટરની રનિંગ-રેસમાં ભાગ લે છે. તેઓ જિમમાં કસરત કરે છે, ખાસ આહારનું પાલન કરે છે અને પાંચ મહિના પહેલાં ડ્રેસ્ડન માટે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને તાલીમ શરૂ કરી હતી. જર્મનીમાં થનારી વિશ્વ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સમાં અનિરુધ નૅન્સી સ્વિમિંગ ઇવેન્ટ્સમાં ભાગ લેશે. તેમની ઇવેન્ટ્સ ૨૦ ઑગસ્ટે યોજાશે જેમાં તેઓ ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર ફ્રી-સ્ટાઇલ અને ૫૦ મીટર બૅકસ્ટ્રોક સ્વિમિંગ કૅટેગરીમાં ભાગ લેશે. ૨૧ ઑગસ્ટે તેઓ ૫૦ મીટર અને ૪૦૦ મીટર ફ્રી-સ્ટાઇલમાં ભાગ લેશે. તેઓ ટ્રાન્સપ્લાન્ટ પ્રાપ્તકર્તા શ્રેણીમાં ૬૦થી ૬૯ વર્ષના વયજૂથમાં ભાગ લેશે.

શું છે વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ?

વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સમાં વિવિધ રમતોનો સમાવેશ થાય છે. જીવનની ભેટ અને અંગદાનની સકારાત્મક અસરની ઉજવણી કરવામાં આવે છે જે ટ્રાન્સપ્લાન્ટ પ્રાપ્તકર્તાઓ, જીવંત દાતાઓ, દાતા પરિવારો અને સમર્થકોને એકસાથે લાવે છે. ગેમ્સના સ્પર્ધકોને ટ્રાન્સપ્લાન્ટ મેળવનારાઓ, ઑર્ગન ડોનર્સ, ડોનર પરિવારો અને સમર્થકો જેવી વિવિધ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે. રમતો અંગદાન વિશે જાગૃતિ લાવવા માટે એક મહત્ત્વની ઇવેન્ટ છે.

અદ્યતન દવાઓની સિદ્ધિ

સર HN રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના ઍડ્વાન્સ્ડ કાર્ડિઍક સાયન્સિસ અને ટ્રાન્સપ્લાન્ટના ડિરેક્ટર ડૉ. અન્વય મૂલે કહે છે, ‘ભલે હેલ્ધી માણસ હોય, હાર્ટ-ફેલ્યરને કારણે તે નૉર્મલ લાઇફ પણ ગુમાવી ચૂકે છે. દવાઓ અને લાઇફસ્ટાઇલમાં બદલાવથી એ પાછું લાવી શકાતું નથી. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાથી માત્ર જીવન જ નથી મળતું, એ જીવન માણી શકાય એવું હોય છે. અનિરુધ એક વર્ષ સુધી હાર્ટની રાહ જોતા રહ્યા હતા. એક સમયે એક શ્વાસ માટે સંઘર્ષ કરી રહેલા અનિરુધ આજે હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટનાં પાંચ વર્ષ પછી સ્વતંત્ર, સ્વસ્થ અને ઍક્ટિવ જીવન જીવે છે. આ ઑર્ગન-ડોનેશનનો સાચો પાવર છે.’

સર HN રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ, મુંબઈના હાર્ટ ફેલ્યર પ્રોગ્રામનાં ઍડિશનલ ડિરેક્ટર અને હેડ ડૉ. તલ્હા મીરાંએ જણાવ્યું હતું કે ‘નૅન્સીની સફર એ અદ્યતન ટ્રાન્સપ્લાન્ટ દવા દ્વારા શક્ય બનેલી સિદ્ધિઓનો એક નોંધપાત્ર પુરાવો છે. ટ્રાન્સપ્લાન્ટ પછી સ્પર્ધાત્મક રમતમાં પાછા ફરી શકાય છે એનો પણ પુરાવો છે. તેમનું જીવન ચૅમ્પિયન ખેલાડીની દૃઢતા, સમર્પણ અને સ્થાયી ભાવનાનું ઉદાહરણ આપે છે. તેમની સ્ટોરી અંગદાનની ગહન અસર અને ટ્રાન્સપ્લાન્ટ પ્રાપ્તકર્તાઓ પર જ નહીં, પરંતુ તેમના પરિવારો અને સમુદાય પર પણ એની અસંખ્ય હકારાત્મક અસરો પર ભાર મૂકે છે.’

andheri heart attack health tips news mumbai news mumbai germany sports news sports organ donation gujarati community news gujaratis of mumbai