11 July, 2025 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશિષ શેલાર
મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઊજવાતા સાર્વજનિક ગણેશોત્સવને ‘રાજ્ય મહોત્સવ’ તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. લોકમાન્ય તિલક દ્વારા સવાસો વર્ષ પહેલાં ચાલુ કરાયેલી સાર્વજનિક ગણેશોત્સવની પરંપરાને મહારાષ્ટ્રના અધિકૃત રાજ્ય મહોત્સવ તરીકે ઊજવવાની જાહેરાત કરતાં રાજ્યના સાંસ્કૃતિક પ્રધાન આશિષ શેલારે કહ્યું હતું કે આ નિર્ણય ફક્ત પરંપરાનું ગૌરવ જ નહીં જાળવે; સામાજિક એકતા, શિસ્તબદ્ધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિના નવા અધ્યાય પણ લખશે.
વિધાનસભાના સત્ર દરમ્યાન આશિષ શેલારે ગણશોત્સવ માટે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘આ ઉત્સવનું હાર્દ સામાજિક એકતા, રાષ્ટ્રવાદ, આઝાદીનાં મૂલ્યો, સ્વાભિમાન અને પોતાની ભાષા પ્રત્યે ગર્વમાં રહેલું છે. મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં અને દેશભરમાં ગણેશોત્સવની સાંસ્કૃતિક પરંપરાને ઊજવવા ઉપરાંત એને જાળવી રાખવા અને એનો પ્રસાર કરવા માટે કટિબદ્ધ છે.’
અમુક લોકો આ વર્ષો જૂની પરંપરાને બંધ કરવા અને ઉજવણીમાં નડતરરૂપ બનવા માટે કોર્ટે ચડ્યા હતા જેમાં પોલીસ-અધિકારીઓને ગણેશોત્સવ મનાવવાની પરવાનગી ન આપવામાં આવે એવી અરજી પણ કરાઈ હતી, પરંતુ મહાયુતિ સરકારે આ બધી જ અડચણોને સફળતાપૂર્વક દૂર કરી છે એમ આશિષ શેલારે કહ્યું હતું.
આ વર્ષે ગણેશ મંડળોને દેશના સૈનિકોનું ગૌરવ વધારતી ઑપરેશન સિંદૂર થીમ ઉપરાંત દેશના વિકાસને દર્શાવતી થીમ પર ડેકોરેશન કરવાની ભલામણ આશિષ શેલારે કરી હતી.