નવા પ્રધાન મંડળમાં ૩ મેટ્રિક, બે અન્ડરમેટ્રિક અને ત્રણ એસએસસી સુધી ભણેલા પ્રધાનો

17 September, 2021 06:07 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

નાયબ મુખ્ય પ્રધાન કોઈ નહીં : હર્ષ સંઘવીને ગૃહ અને પોલીસ હાઉસિંગ ખાતું સોંપાયું, જિતુ વાઘાણીને શિક્ષણ, હૃષીકેશ પટેલને આરોગ્ય, કનુ દેસાઈને નાણા વિભાગ સોંપ્યો

તસવીર સૌજન્ય મિડ-ડે

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે કોઈને રાખવામાં આવ્યા નથી. ભૂપેન્દ્ર પટેલે ગૃહ ખાતુ પોતાની પાસે રાખ્યું છે. બીજી તરફ ગુજરાતના નવા પ્રધાન મંડળમાં સ્થાન મેળવનાર સુરતના યુવાન હર્ષ સંઘવીને રાજ્ય કક્ષાના ગૃહ વિભાગની મોટી જવાબદારી સોંપીને બીજેપીએ યુવા નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે.
નવા પ્રધાન મંડળમાં બી.કૉમ., બી.એ.એલ.એલ.બી., બી.એડ., ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ, એમ.બી.એ. ઇન માર્કેટિંગ, પી.એચડી. સહિતના ઉચ્ચ શિક્ષણની સાથોસાથ ૩ પ્રધાન એવા છે જેમણે મેટ્રિક સુધીનો, બે પ્રધાને અન્ડરમેટ્રિક સુધીનો અને ૩ પ્રધાને એસ.એસ.સી. સુધી અભ્યાસ કર્યો છે.
હર્ષ સંઘવી સુરતના મજુરા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી જીત્યા હતા. ડાયમન્ડ અને જ્વેલરી મૅન્યુફૅક્ચરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા હર્ષ સંઘવીને ગૃહ અને પોલીસ હાઉસિંગ, આપત્ત‌િ વ્યવસ્થાપન, રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના પ્રધાન બનાવ્યા છે.
નાયબ મુખ્ય પ્રધાન કોઈને નથી બનાવાયા, પરંતુ સરકારમાં નંબર ટૂનું સ્થાન રાજેન્દ્ર ત્રિવેદીને મળ્યું છે. તેમને મહેસૂલ, કાયદા અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના પ્રધાનની જવાબદારી સોંપી છે. જિતુ વાઘાણીને શિક્ષણ પ્રધાન બનાવ્યા છે તો હૃષીકેશ પટેલને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ સોંપ્યો છે. કનુ દેસાઈને નાણા ખાતાના જ્યારે રાઘવજી પટેલને કૃષિ, કિરીટસિંહ રાણાને વન અને પર્યાવરણ વિભાગના પ્રધાન બનાવ્યા છે. મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ તથા નિમિષા સુથારને આદિજાતિ વિકાસ સહિતના વિભાગનાં પ્રધાન બનાવ્યાં છે.
નવા પ્રધાન મંડળમાં બિલ્ડર, વેપારી, પેટ્રોલ પમ્પ, ખેતી, વકીલાત, વૉટર સપ્લાય, ટેક્સટાઇલ મશીનરી, શિક્ષણ, ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા વિધાનસભ્યો પ્રધાન બન્યા છે.

gujarat cm gujarat politics gujarat news gujarat shailesh nayak