23 December, 2025 07:06 AM IST | Surat | Shailesh Nayak
નરેન્દ્ર મોદીને પત્ર લખનાર સુરતની સ્કૂલગર્લ ભાવિકા માહેશ્વરી.
ભારતમાં બાળકોમાં વધી રહેલા મોબાઇલના ઉપયોગને કારણે એનું ઍડિક્શન વધતું જઈ રહ્યું છે ત્યારે ડિજિટલ ડિસિપ્લિન તેમ જ ચાઇલ્ડ મેન્ટલ હેલ્થને લઈને સુરતની ૧૬ વર્ષની સ્કૂલગર્લ ભાવિકા માહેશ્વરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક લેટર લખીને મન કી બાતમાં આ મુદ્દાને આવરી લેવાની અપીલ કરી છે.
સુરતમાં અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતી ભાવિકા માહેશ્વરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તાજેતરમાં ઑસ્ટ્રેલિયાએ એના દેશમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. આપણા દેશમાં આવો બૅન ન મૂકવો જોઈએ, પણ અવેરનેસ થઈ શકે અને અવેરનેસ ફેલાવી શકીએ. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરનું મન કી બાત બહુ મોટું અને સારું પ્લૅટફૉર્મ છે. તેઓ આ પ્લૅટફૉર્મ પરથી મોબાઇલ ઍડિક્શન માટે બોલી શકે અને અવેરનેસ ફેલાવી શકે એ માટે તેમને લેટર લખીને રિક્વેસ્ટ કરી છે કે મન કી બાતમાં તેઓ ડિજિટલ ડિસિપ્લિન અને ચાઇલ્ડ મેન્ટલ હેલ્થના ટૉપિક પર વાત કરે, કેમ કે સ્કૂલોમાં અને ઘરમાં નાની ઉંમરમાં ડિજિટલ ઍડિક્શનના કિસ્સા જોવા મળી રહ્યા છે. જો મન કી બાતમાં તેઓ ડિજિટલ શિસ્ત અને જવાબદારીપૂર્વક સ્ક્રીનના ઉપયોગ વિશે વાત કરે તો દેશમાં જાગૃતિ ફેલાશે. આપણે એવી કમ્યુનિટી બિલ્ડ કરી શકીશું જ્યાં બાળકો પેરન્ટ્સ સાથે ડર્યા વગર વાત કરી શકશે અને દેશની યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્યને સુરક્ષિત કરવામાં મદદ થઈ શકશે.’
આ મારો એક નાનો પ્રયાસ છે. એમ જણાવતાં ભાવિકાએ કહ્યું હતું કે ‘જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સર મારો આ પત્ર વાંચે અને મન કી બાત કાર્યક્રમમાં તેઓ થોડું બોલશે તો બહુ સારું થશે અને અવેરનેસ ફેલાશે. બધાને એટલી ખબર નથી કે મોબાઇલના શું ડિસઍડ્વાન્ટેજ છે. મોબાઇલ ફિઝિકલી અને મેન્ટલી બન્ને રૂટ્સથી પરેશાન કરે છે. હું મોબાઇલનો યુઝ કરું છું. એનો યુઝ કરવો ખરાબ નથી, પરંતુ કલાકો સુધી રીલ્સ જોવી, ગેમ્સ રમવી એવું ન કરીએ. એન્ટરટેઇનમેન્ટ હોવું જોઈએ પણ નમક જેટલું હોવું જોઈએ, વધુ નહીં.’