શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સામે જૈન સમાજમાં આક્રોશ

29 January, 2026 12:22 PM IST  |  Bhavnagar | Rohit Parikh

શત્રુંજય મહાતીર્થ અને અન્ય તીર્થોની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફીનો મુસ્લિમ કંપનીને કૉન્ટ્રૅક્ટ અપાયો એટલે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સામે જૈન સમાજમાં આક્રોશ

લખનઉની મુસ્લિમ કંપની સાથે કરવામાં આવેલા કૉન્ટ્રૅક્ટના વર્ક-ઑર્ડરની કૉપી (ડાબે); પેઢી તરફથી મંગળવારના મામલા પર કરવામાં આવેલી સ્પષ્ટતાના પરિપત્રની કૉપી (જમણે)

મંગળવારે આદિનાથ ભગવાનના ગભારામાં મુસ્લિમ ફોટોગ્રાફરોએ જૈન ધર્મના નિયમોની અવહેલના કરીને પ્રવેશ કર્યો એને પગલે ભારતભરમાં ઊહાપોહ ઃ પેઢીએ કર્યો ખુલાસો, પણ જૈન સમાજ કહે છે કે આ સ્પષ્ટતા પાયાવિહોણી છે

સૌરાષ્ટ્રના ભાવનગર પાસે આવેલા જૈન મહાતીર્થ પાલિતાણાના શત્રુંજય પર્વત પર મંગળવારે ૨૭ જાન્યુઆરીએ અમુક મુસ્લિમ ફોટોગ્રાફરોએ આદિનાથદાદાના ગભારામાં જઈને વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી હતી. જૈનોના નિયમો પ્રમાણે સામાન્ય જૈન પણ પૂજાનાં કપડાં પહેર્યા વગર ગભારામાં પ્રવેશ કરી શકતા નથી. આમ છતાં આ મુ​​સ્લિમ ફોટોગ્રાફરો અશુદ્ધ કપડામાં દાદાના દરબારમાં તો ગયા એટલું જ નહીં, તેમણે દાદાની મૂર્તિને સ્પર્શ પણ કર્યો હતો. આ સમાચાર દેશભરમાં પ્રસરતાં જ સમગ્ર જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો હતો.

સૌથી નવાઈની વાત એ છે કે આ કૃત્ય કરવા માટે દેશભરનાં જૈન તીર્થોના સંચાલક અને જેમના પર આ તીર્થોની જવાબદારી છે એ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ ફક્ત શત્રુંજય તીર્થ નહીં પણ ગિરનાર તીર્થ, શંખેશ્વર તીર્થ અને રાણકપુર તીર્થ માટે ૪૫ લાખ રૂપિયા આપીને લખનઉની મુ​સ્લિમ કંપની સાથે કૉન્ટ્રૅક્ટ કરીને આ બાબતની પરવાનગી આપી હતી.
આ કૃત્યની દેશભરના જૈન સમાજને જાણકારી મળતાં જૈન સાધુસંતો અને શ્રાવકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

મામલો શું હતો?

આ કથિત કૃત્ય સમયે ત્યાં હાજર હતા એ શ્રાવકોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે જ્યારે આ કૃત્યનો વિરોધ કર્યો ત્યારે અમને જાણવા મળ્યું હતું કે મંગળવારે અમારા સૌથી પવિત્ર શ્રી શત્રુંજય મહાતીર્થ શ્રી આદિનાથ ભગવાનના મુખ્ય જિનાલય ખાતે બનેલી દુઃખદ ઘટના જેના પર તીર્થ સુરક્ષાની જવાબદારી છે એ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા લખનઉ સ્થિત કંપની કલમેન ક્રીએટિવ કૉન્સેપ્ટ્સ સાથે કરવામાં આવેલા ઑફિશ્યલ કરારને કારણે થઈ હતી. આ કંપનીના મારૂફ ઉમરની આગેવાની હેઠળની ટીમના ૪ મુ​સ્લિમ અને એક હિન્દુ ફોટોગ્રાફરે પૂજાનાં યોગ્ય કપડાં પહેર્યા વિના ગર્ભગૃહમાં પ્રવેશીને ફોટોગ્રાફી કરી હતી. એટલું જ નહીં, તેમણે ભગવાનની મૂર્તિ પાસે બેસીને આ પવિત્ર સ્થાનની પવિત્રતાનું ઉલ્લંઘન કરીને એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાના ઉદ્દેશથી વિડિયોગ્રાફી કરી હતી. અમને વધુ ઝટકો ત્યારે લાગ્યો જ્યારે અમને જાણવા મળ્યું કે પેઢીના સંચાલકોએ શત્રુંજય તીર્થની સાથે જૂનાગઢના ગિરનાર તીર્થ, ગુજરાતના શંખેશ્વર તીર્થ અને રાજસ્થાનના રાણકપુર તીર્થ માટે પણ આવી પરવાનગી આપી છે.’

વિરોધનો વંટોળ

પેઢીએ મુ​​​સ્લિમ કંપનીને કૉન્ટ્રૅક્ટ કેમ આપવો પડ્યો? શું કામ કોઈ જૈન કે હિન્દુ કંપની સાથે આટલો મોટો ફોટોગ્રાફીનો કૉન્ટ્રૅક્ટ કરવામાં ન આવ્યો? શું પેઢીના ટ્રસ્ટીઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે કે પછી તેમના પર કોઈ મુ​સ્લિમ સમાજે વર્ચસ જમાવી દીધું છે? આવા અનેક સવાલો જૈન સમાજમાં ગઈ કાલથી ઉગ્ર રીતે ચર્ચામાં છે.

પેઢીની સ્પષ્ટતા

આની સામે સ્પષ્ટતા કરતાં પેઢીના પ્રમુખ સંવેગ લાલભાઈએ લેખિતમાં એક પરિપત્ર પ્રસિદ્ધ કરીને કહ્યું હતું કે ‘ગઈ કાલથી જે મેસેજ અને વિડિયો વાઇરલ થયા છે એ સત્યથી તદ્દન વેગળા છે. ફોટો AI જનરેટેડ છે. જે ફોટોગ્રાફર ગભારામાં ફોટો પાડવા ગયો હતો એ બ્રાહ્મણ છે. એનું નામ પુષ્પેન્દ્ર શર્મા છે એટલે કોઈએ ગેરમાર્ગે દોરવવું નહીં.’

સ્પષ્ટતા ગેરમાર્ગે દોરનારી

જોકે આખા બનાવને જેણે નજરે જોયો છે તે જૈન શ્રાવકો અને સાધુસંતોએ સોશ્યલ મીડિયા પર પેઢીની સ્પષ્ટતાને પાયાવિહોણી કહી હતી. તેમણે કહ્યું હતું કે ‘ફોટોગ્રાફી કરવા જે ટીમ આવી હતી એમાં એકાદ હિન્દુ હશે, બાકી બધા મુ​સ્લિમ જ હતા. તેમનાં આઇ-કાર્ડ અમે જોયાં છે. આમાંથી કોઈએ પૂજાનાં કપડાં પહેર્યાં નહોતાં. જો પેઢીના સંચાલકોના પેટમાં પાપ નહોતું તો તેઓ આખા મામલા પર કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર ખુલાસો કરી શકતા હતા. હવે જ્યારે સમગ્ર જૈન સમાજમાં ઊહાપોહ થયો છે ત્યારે સ્પષ્ટતા કરીને તેઓ જૈન સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યાર બાદ કૉન્ટ્રૅક્ટ રદ કર્યાની વાતો પેઢી તરફથી વહેતી કરવામાં આવી છે, પરંતુ એ બાબતે પેઢી તરફથી લેખિતમાં કોઈ રજૂઆત કરવામાં આવી નથી.’ 

jain community hinduism gujarati community news saurashtra bhavnagar gujarat gujarat news rohit parikh