ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત

25 March, 2019 07:56 AM IST  | 

ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત

ગુજરાતમાં વધી રહી છે ગરમી

રાજ્યભરમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચના અંતિમ દિવસોમાં ગરમીનો પારો ઊંચકાતાં શનિવારે સુરેન્દ્રનગર, અમરેલી અને ભુજ ૩૯ ડિગ્રી સાથે હૉટેસ્ટ શહેર રહ્યાં હતાં. અમદાવાદમાં ગરમીનો પારો ૩૭.૬ ડિગ્રીએ પહોંચ્યો હતો.

રાજ્યનાં ૧૦ શહેરોમાં ગરમીનો પારો ૩૩ ડિગ્રીને પાર કરતાં લોકો કાળઝાળ ગરમીમાં તોબા પોકારી ઊઠ્યા હતા. ચાલુ વર્ષે ઠંડીનું પ્રમાણ છેક હોળી-ધુળેટી સુધી જળવાયું હતું અને એ જોતાં ઉનાળો પણ આકરામાં આકરો બનશે એવી શક્યતાઓને નકારી શકાય એમ નથી. શનિવારે એકસાથે ત્રણ શહેરોમાં ગરમીનો પારો ૩૯ ડિગ્રીને પાર જતાં આવનારા દિવસો વધુ આકરા હશે એ નિશ્ચિત છે.

હોળી-ધુળેટી ગયા બાદ એકાએક હવામાનમાંથી ઠંડીનું પ્રમાણ ઘટી ગયા બાદ ગરમીનો પારો ઊંચકાયો છે. શનિવારે રાજ્યભરમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ હોય એમ લોકો પરેસેવે રેબઝેબ થયા હતા. પાટનગર ગાંધીનગરમાં પણ ગરમીનો પારો ૩૬.૮ ડિગ્રીએ પહોંચ્યો હતો.

ડીસામાં ૩૭.૪, વડોદરામાં ૩૭.૮, સુરતમાં ૩૮ ડિગ્રી, ભાવનગર ૩૬.૪, રાજકોટમાં ૩૮.૨ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આકરા ઉનાળાની શરૂઆત થતાં જ લોકો પરસેવે રેબઝેબ થવાની સાથે દિનચર્યામાં પણ બદલાવ આવી ચૂક્યો છે. પંખા અને એસી શરૂ થઈ ચૂક્યાં છે.

એપ્રિલની શરૂઆતમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને આંબી જશે તો નવાઈ જેવું લાગશે નહીં. અમદાવાદ સહિતનાં શહેરોમાં ગરમીને લઈ જનજીવનને માઠી અસર પહોંચશે એ નક્કી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં બે દિવસમાં કાળઝાળ ગરમી

શહેર            તાપમાન (ડિગ્રી
ડીસામાં           ૩૭.૪
વડોદરામાં        ૩૭.૮
સુરતમાં             ૩૮
ભાવનગર         ૩૬.૪
રાજકોટમાં           ૩૮.૨
ગાંધીનગરમાં       ૩૬.૮

gujarat news ahmedabad vadodara surat rajkot