પતિને જન્મદિવસની સરપ્રાઇઝ આપવા માટે લંડન જતી હતી હરપ્રીત કૌર

15 June, 2025 08:22 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પહેલાં ૧૯ જૂને જવાની હતી, પણ બર્થ-ડે ૧૬ જૂને હતો એટલે પ્લાન બદલ્યો

હરપ્રીત કૌર હોરા

અમદાવાદમાં રહેતી ૩૦ વર્ષની હરપ્રીત કૌર હોરા તેના પતિ રૉબી હોરાને જન્મદિવસ પર સરપ્રાઇઝ આપવા લંડન જઈ રહી હતી. ૧૬ જૂને હરપ્રીતના પતિનો જન્મદિવસ હતો એટલે તેણે વહેલા જવાનો પ્લાન બનાવ્યો. હરપ્રીત તો ત્યાં ન જઈ શકી, પરંતુ તેનો પતિ લંડનથી ભારત હરપ્રીતની અંતિમ વિધિ માટે આવી રહ્યો છે.

હરપ્રીત ૧૯ જૂને લંડન જવાની હતી, પરંતુ પતિના જન્મદિવસ પર સાથે રહી શકે એટલે તેણે છેલ્લી ઘડીએ પ્લાન બદલ્યો અને ૧૨ જૂનની ટિકિટ બુક કરાવી હતી. તેની ફ્લાઇટ ઊપડે એ પહેલાં તેના ફૅમિલી-વૉટ્સઍપ ગ્રુપ પર ‘હૅપી જર્ની, હરપ્રીત બેટા’ એવા મેસેજ ફૅમિલી-મેમ્બર્સે મોકલ્યા હતા જે હવે શોક-સંદેશાઓમાં ફેરવાઈ ગયા છે. 

હરપ્રીત અને રૉબીનાં લગ્ન ૨૦૨૦માં થયાં હતાં. હરપ્રીત બૅન્ગલોરમાં IT કંપનીમાં જૉબ કરે છે અને રૉબી લંડનમાં જૉબ કરે છે. બન્નેને કોઈ સંતાન નથી. રૉબીનો પરિવાર ઇન્દોરમાં રહે છે અને હરપ્રીતના પેરન્ટ્સ અમદાવાદમાં રહે છે. લંડન જતાં પહેલા હરપ્રીત તેનાં પેરન્ટ્સને અમદાવાદમાં મળવા ગઈ હતી. હરપ્રીતના પપ્પાને હાર્ટની તકલીફ હોવાથી તેમની સાથે થોડો સમય વિતાવી શકાય એટલે તેણે બૅન્ગલોરથી નહીં પણ અમદાવાદથી લંડનની ટિકિટ બુક કરાવી હતી. હરપ્રીતના એક પરિવારજને જણાવ્યું હતું કે ત્રણ મહિના પહેલાં જ હરપ્રીત લંડનથી પરત આવી હતી. ત્યારે તે એક વર્ષ રૉબી સાથે લંડનમાં રહી હતી. હવે થોડા જ સમયમાં હરપ્રીત કાયમ માટે લંડન શિફ્ટ થવાનું પ્લાન કરતી હતી. હરપ્રીતના પરિવારજનોનાં DNA સૅમ્પલ્સ મેળવવામાં આવ્યાં છે.

gujarat news gujarat ahmedabad plane crash plane crash london air india