ગુજરાતના પ્રધાનોના કર્મચારીઓ કોરોના સંક્રમિત

06 April, 2021 12:34 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતના મહેસુલ, કૃષિ સહિત ચાર પ્રધાનો અને સાત કર્મચારીઓ થયા છે કોરોનાગ્રસ્ત

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા સ્વર્ણિમ સંકુલમાં આવેલી પ્રધાનોની કચેરીમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. ગુજરાતના મહેસૂલ, કૃષિ તેમ જ અન્ય પાંચ વિભાગ સહિત કુલ સાત પ્રધાનોની ઑફિસમાં કામ કરતા કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા છે એટલું જ નહીં, ચાર પ્રધાનો હાલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘મારી ઑફિસમાં ૬ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. હું મારા ઘરેથી વિડિયો-કૉન્ફરન્સથી કામ કરી રહ્યો છું. અમારા પ્રધાન મંડળના પ્રધાનો દિલીપ ઠાકોર, ગણપતસિંહ વસાવા, સૌરભ પટેલ અને પ્રદીપસિંહ જાડેજા પણ કોરોના સંક્રમિત થયા છે.’

કૃષિપ્રધાન આર. સી. ફળદુએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘મારી ઑફિસમાં ૪ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. તેઓ હાલમાં ક્વૉરન્ટીન થયા છે.

મારા સૅમ્પલ લેવામાં આવ્યા હતા પરંતુ એ નેગેટિવ આવ્યા છે. હાલમાં રસીકરણની કામગીરી અંતર્ગત હું જામનગર આવ્યો છું.’

coronavirus covid19 gujarat gujarat news ahmedabad shailesh nayak