સુરતનું સૌરાષ્ટ્ર મૉડલ ફૉલો કરો

16 May, 2021 07:55 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગામેગામ પહોંચી રહેલા કોરોનાને હરાવવો છે તો, સુરતની સેવા સંસ્થાઓએ જોયું કે તેમને ત્યાં સારવાર માટે ઘણા પેશન્ટ્સ સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાંથી આવે છે ત્યારે તેમણે ડૉક્ટરોની ટીમને ત્યાં મોકલીને દરદીઓ સુધી પહોંચવાનું સફળ અભિયાન આદર્યું

સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં જઈને દરદીઓને તપાસી રહેલા સુરતના ડૉક્ટરો.

કોરોનાની મહામારી હવે જ્યારે ગામડાંઓમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે અને ગામડાંઓમાં મૂળ તો સ્વાસ્થ્ય યંત્રણાનો અભાવ છે ત્યારે લોકોએ નજીકના શહેર ભણી સારવાર માટે દોટ મૂકવી પડે છે. આવામાં  ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને સારવાર અને સુવિધા પહોંચાડવા માટે સુરતની સંસ્થાએ શરૂ કરેલા ‘વતનની વ્હારે અભિયાન’માં સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા છએક દિવસથી સુરતના સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરો અને સેવા સંગઠનના સેવાભાવી કાર્યકરો કોરોનાગ્રસ્ત દરદીઓની સારવાર માટે ગામડાંઓ ખૂંદી રહ્યા છે. ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથના અંદાજે ૧૦૦ જેટલાં ગામડાંઓમાં ૩૫ જેટલા ડૉક્ટરોએ અંદાજે ત્રણથી ચાર હજાર દરદીઓને તપાસ્યા હશે. જેના પગલે સૌરાષ્ટ્રમાંથી સારવાર માટે સુરત જતા કંઈકેટલાય દરદીઓ સુરત સુધીનો ધક્કો ખાવામાંથી બચી ગયા છે અને ઘરઆંગણે સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોની સારવાર ઉપલબ્ધ થતાં તેમને રાહત મળી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાને લઈને જે ભય અને ડરનો માહોલ છે એ દૂર કરવાના પ્રયાસ આ ડૉક્ટરો અને સંસ્થાના આગેવાનો અને કાર્યકરો કરી રહ્યા છે અને કોરોના સામે જાગૃતિ ઊભી કરીને માનવધર્મ નિભાવી, માણસાઈનાં દર્શન કરાવી દરદીઓને સ્વસ્થ બનાવવા સેવાની અલખ જગાવી છે.

કોરોનાની બીજી લહેરમાં સુરતમાં કેસ વધતાં કોરોના સામે લડવા માટે સુરતની ૫૧ સામાજિક સંસ્થાઓએ એક છત નીચે આવીને હાથ મિલાવ્યા અને સેવા નામનું સંગઠન ઊભું કરીને સુરતમાં ૧૪ આઇસોલેશન સેન્ટર શરૂ કર્યાં છે જ્યાં જરૂરિયાતમંદ દરદીઓને સારવાર મફત આપવામાં આવી રહી હતી. આ સેન્ટરમાં ઘણા દરદીઓ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી સારવાર માટે આ‍વી રહ્યા હોવાનું ધ્યાનમાં આ‍વ્યું હતું. સુરતમાં આવતા આ દરદીઓને સુરત આવવું ન પડે અને તેમના ગામમાં કે નગરમાં સારવાર મળી રહે એ માટે સેવા સંસ્થાએ સર્વે હાથ ધરીને સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના દરદીઓ માટે માઇક્રો પ્લાનનિંગ કરીને પાંચ જિલ્લાના કૅપ્ટન બનાવીને દવા, ઑક્સિજન, ઍમ્બ્યુલન્સ સહિતની તમામ સવલત પૂરી પાડી છે અને હાલમાં સૌરાષ્ટ્રનાં ૧૦૦થી વધુ ગામડાંઓમાં સુરતથી સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરો ગ્રામ્ય વિસ્તારના દરદીઓની સારવાર કરી રહ્યા છે.

આ સેન્ટરમાં ફ્રી સારવાર મળતી હોવાથી સૌરાષ્ટ્રથી કોરોનાના દરદીઓ સુરત આવવા લાગ્યા હતા, જેથી સેવા સંસ્થાના આગેવાનોએ સૌરાષ્ટ્રમાં જઈને સર્વે કર્યો હતો. સુરતના આગેવાનોએ હાથ ધરેલા સર્વેમાં એવું સામે આવ્યું કે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાને લઈને ડરનો માહોલ સર્જાયો છે. આ ડર દૂર કરવા માટે સુરતના ૩૫થી વધુ સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરો સાથે મળીને સેવા સંસ્થાના આગેવાનોએ અભિયાન હાથ ધર્યું છે.

સુરતના સેવાભાવી આગેવાનો સાથે સૌરાષ્ટ્રમાં સર્વે કરનાર સેવા સંસ્થા સાથે સંકળાયેલા પી. પી. સવાણી ગ્રુપના મહેશ સવાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે જોયું કે સુરતમાં શરૂ કરેલાં આઇસોલેશન સેન્ટરમાં આવતા દરદીઓમાંથી ૩૦થી ૩૫ ટકા દરદીઓ સૌરાષ્ટ્રથી આવતા હતા. એની પાછળનું મોટું કારણ આર્થિક હતું. અમને બધાને થયું કે આ દરદીઓ સૌરાષ્ટ્રથી સારવાર માટ છેક સુરત આવે તો તેમને ખર્ચ થાય એટલે તેમના ગામમાં જ તેમને સારવાર મળે એવી સગવડ કરીએ. આ ઉપરાંત ગામના સરપંચ તેમ જ ગામના આગેવાનોને સાથે લઈને તેમના સહકારથી ગ્રામ્ય વિસ્તારમાં ૩૦થી ૪૦ કિલોમીટરના અંતરે આઇસોલેશન સેન્ટર શરૂ કરાવ્યાં. આ સેન્ટરોમાં દવા, ઑક્સિજન સહિતની જોઈતી તમામ મદદ પહોંચતી કરી. અત્યાર સુધીમાં અમે સૌરાષ્ટ્રના આ પાંચ જિલ્લાનાં ૧૦૦થી વધુ ગામમાં પહોંચ્યા છીએ અને દરદીઓને સારવાર આપી છે.’

સેવા સંસ્થા સાથે સંકળાયેલા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળાએ ‘મિડ-ડે’ને કહ્યુ હતું કે ‘સુરતમાં તો અમે બધા ભેગા મળીને સેવા કરી રહ્યા છીએ, પણ સૌરાષ્ટ્રનાં ગામોમાં વતનમાં જઈને ત્યાના દરદીઓની સેવા કરી રહ્યા છીએ. અમને ફીડબૅક મળ્યાં છે કે હવે ગામડાંઓમાં ડર ઓછો થયો છે. ગામડાંઓમાં જાગૃતિ અને સાવચેતીનો મેસેજ પહોંચાડ્યો હતો જેથી ગામ્ય વિસ્તારોમાં જાગૃતિ આવી છે.’

સુરતથી સૌરાષ્ટ્રનાં ગામમાં જઈને દરદીઓને સારવાર આપનાર ઇન્ફેક્શન ડિસીઝના સ્પેશ્યલિસ્ટ ડૉ. પ્રતીક સાવજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં કેસ બહુ હતા. ત્યાં નાગરિમોમાં ભય અને ડરનું પ્રમાણ વધુ હતું. કોરોનાનાં લક્ષણ હોય તો પણ જલદીથી દરદીઓ દાખલ થતા નહોતા. તેઓ ઘરે રહીને જ સારવાર લેવાનું પસંદ કરતા હતા એને કારણે ઘણા લોકો સિરિયસ થઈ જતા. ગ્રામ્ય વિસ્તારમાં માનસિકતા એવી હતી કે જો આપણે દાખલ થઈશું તો નહીં બચીએ. આ ઉપરાંત કોરોનાની રસી લેવાથી પણ દૂર ભાગતા હતા. તેમને એવો ભય હતો કે રસી લેવાથી રીઍક્શન આવશે. અમે આ ડરના માહોલને દૂર કરવા માટે અભિયાન ચલાવ્યું, ગામના નાગરિકોમાં જાગૃતિ ફેલાવી. તેમની સારવાર કરતાં તેમનો કૉ!ન્ફિડન્સ પણ વધ્યો. હવે એવી જાગૃતિ ઊભી થઈ છે કે આપણા ગામમાં સ્પેશ્યલ ડૉક્ટરો આવે છે એટલે તેઓ સારવાર કરાવવા અમારી પાસે આવતા થયા છે.’

કેવું છે માઇક્રો પ્લાનિંગ?
સુરતની ૫૧ જેટલી સંસ્થાઓએ હાથ મિલાવીને શરૂ કરેલા સેવા સંગઠને સૌરાષ્ટ્રના દરદીઓની સારવાર માટે માઇક્રો પ્લાનિંગ કરીને ત્યાં પહોંચ્યા છે. એમડી અને એમએસ કક્ષાના સુરતના સ્પેશ્યલિસ્ટ ૩૫ જેટલા ડૉક્ટરોની ટીમ તૈયાર કરી છે જે વારાફરથી સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં સારવાર માટે જઈ રહી છે. ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથ મળી પાંચ જિલ્લાના પાંચ કૅપ્ટન બનાવ્યા છે. આ કૅપ્ટનના હાથ નીચે ૨૫ બીજા કાર્યકરોની ટીમ છે. ડૉક્ટરો કયા ગ્રામ્ય વિસ્તારમાં સારવાર માટે જશે એના જિલ્લા-વાઇઝ રૂટ બનાવ્યા છે. ડૉક્ટરો સુરતથી આવે ત્યારે આ ટીમો ડૉક્ટરોને રૂટ પ્રમાણે ગામડાંઓમાં લઈ જાય છે. ગામડાંઓમાં મોકલવાની દવાઓ, ઑક્સિજન, ઍમ્બ્યુલન્સ સહિતની તમામ વ્યવસ્થા આ ટીમ સંભાળે છે. રોજેરોજનું અપડેટ રાખે છે જેથી ક્યાંય અવ્યવસ્થા ન સર્જાય. ગ્રામ્ય વિસ્તારની વિકટ પરિસ્થિતિ જોતાં સેવા સંસ્થાના આગેવાનોએ સ્થાનિક આગેવાનો તેમ જ સરપંચ સાથે મળીને ગ્રામ્ય વિસ્તારમાં દર ૩૫થી ૪૦ કિલોમીટરના અંતરે આઇસોલેશન સેન્ટર શરૂ કરાવ્યાં છે.

ક્યાં-ક્યાં પહોંચાડી ટ્રીટમેન્ટ?
આ ડૉક્ટરો અને સેવા સંસ્થાના આગેવાનો અને કાર્યકરો સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના લાઠી, શેડુભાર, લીલિયા, સાવરકુંડલા, બગસરા, કુકાવાવ, ધારી, ચલાલા, સરસિયા, ખાંભા, શેલણા, રાજુલા, વાવેરા, જેસર રોડ, વલ્લભીપુર, પાટણા, ઉમરાડા, ટિંબી, નારી, પાલિતાણા, ઘેટી, ગારિયાધાર, પાણિયાળી, માનગઢ, મેંદરડા, વિસાવદર, ભેસાણ, નાના કોટડા, બિલખા, સાખડાવદર, ગીર ગઢડાના નાના સમઢિયાળા સહિતનાં નાનાં નગરો તેમ જ એની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દરદીઓની સારવાર કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રનાં 100 ગામડાં સુધી પહોંચી છે સુરતની સંસ્થાઓ

આ ઝુંબેશમાં 35 સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરો તેમની સાથે જોડાયા છે

સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં કેસ બહુ હતા અને કોરોનાના દરદીઓ જલદીથી ઍડ્‍મિટ થતા નહોતા. અમે આ ડર દૂર કરવા માટે અભિયાન ચલાવ્યું છે. - ડૉ. પ્રતીક સાવજ

gujarat surat saurashtra coronavirus covid19 shailesh nayak