મરાઠા અને ગુજરાતીઓને લડાવવાનું કામ કૉન્ગ્રેસ કરતી હતી

29 November, 2022 08:55 AM IST  |  Mumbai | Shailesh Nayak

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પાલિતાણામાં ચૂંટણીસભા સંબોધતાં કૉન્ગ્રેસ પર આકરા વાક્પ્રહાર અને આક્ષેપ કર્યા અને સાથે કાર્યકરોને અપીલ કરી કે કૉન્ગ્રેસને સજા કરવાની જરૂર છે

અંજારમાં ગઈ કાલે ચૂંટણીસભાને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાલિતાણામાં ચૂંટણીસભાને સંબોધતાં કૉન્ગ્રેસ પાર્ટી પર આકરા વાક્પ્રહાર અને આક્ષેપ કરતાં કહ્યુ હતું કે ‘કૉન્ગ્રેસ પાર્ટીની આખી મૂળભૂત વિચારધારા ‘ભાગલા પાડો ને રાજ કરો’ની છે. ગમે એમ કરીને લોકોને આમનેસામને કરી રાખો, જેથી કરીને પોતાનું બધું ગાડું ચાલે. વર મરો, કન્યા મરો, પણ ગોરમહારાજનું તરભાણું ભરો, આ કૉન્ગ્રસની ચાલાકી હતી અને એના કારણે એક જમાનો હતો જ્યારે ગુજરાત અલગ નહોતું થયું ત્યારે મરાઠા અને ગુજરાતીઓને લડાવવાનું કામ કૉન્ગ્રેસ કરતી હતી. ગુજરાત બન્યું તો કાઠિયાવાડ અને ગુજરાતને લડાવવાનું, કચ્છ અને ગુજરાતને લડાવવાનું કામ કરતી હતી.’

નરેન્દ્ર મોદીએ પાલિતાણા અને અંજારમાં ચૂંટણીસભા સંબોધીને કમળ ખીલવવા અપીલ કરી હતી. તેઓએ પાલિતાણામાં સભા સંબોધતાં કૉન્ગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘એક જમાનામાં બૉમ્બ ધમાકા થતા હતા. બજારમાં બૉમ્બ ધમાકા થાય, મંદિરમાં બૉમ્બ ધમાકા થાય. ચારેતરફ અસુરક્ષાનું વાતાવરણ. આ દશામાંથી ગુજરાતને બહાર લાવવામાં ગુજરાતની જનતાએ એકતાની તાકાત પકડી અને એના કારણે આજે ગુજરાત નિરંતર વિકાસ કરી રહ્યું છે. બીજેપી આવ્યા પછી સ્થિતિઓ બદલાઈ. લોકોનો બીજેપી માટે ભરોશો વધતો ગયો અને બીજેપીનો લોકોમાં ભરોણો વધતો ગયો. ગુજરાત જ્યારે એકજૂટ થયું તો વિભાજનકારી શક્તિઓને ગુજરાતમાં પગપેંસારો કરવાની તાકાત ન મળી અને એના કારણે કૉન્ગ્રેસની વિદાય થઈ. કૉન્ગ્રેસે લાખ કોશિશ કરી કે નર્મદાનું પાણી સૌરાષ્ટ્રને ન પહોંચે. હજીએ જપતા નથી એટલા માટે કૉન્ગ્રેસને સજા કરવાની જરૂર છે.’

નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસને સલાહ આપતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે પણ ગુજરાતની જનતાનો ભરોશો લેવો હશેને તો આ ભાગલા પાડો ને રાજ કરોની વાત છોડવી પડશે. આ જાતીવાદના રંગ છોડવા પડશે, કોમવાદના રંગ છોડવા પડશે, વોટબૅન્કની રાજનીતિ છોડવી પડશે.’

પાલિતાણામાં નરેન્દ્ર મોદીએ ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે  ‘એક મારા કૃષ્ણકુમારસિંહજી મહારાજે, મારા ગોહીલવાડે દેશની એકતા માટે આ રાજપાટ મા ભારતીનાં ચરણોમાં સમર્પિત કરી દીધું હતું.’ 

કૉન્ગ્રેસ એટલે કચ્છની ઘોર દુશ્મન : મોદીએ કર્યા આકરા પ્રહાર

અંજારની ચૂંટણીસભામાં ચારે તરફ કમળ અને મોદીનાં કટઆઉટ્સ છવાયાં હતાં

કચ્છના અંજારમાં ગઈ કાલે ચૂંટણીસભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘આ કૉન્ગ્રેસ એટલે કચ્છની ઘોર દુશ્મન. આ શબ્દો હું તીખા એટલા માટે વાપરું છું, કારણ કે કચ્છને પાણી એ એની સૌથી પહેલી પ્રાથમિક્તા હતી અને કચ્છમાં પાણી ન પહોંચે એના માટે જે લોકો ખેલ કરતા હતા તેમની જોડે એમની જુગલબંધી હતી, એમની જોડે દોસ્તી હતી. એના કારણે કચ્છને પાણી ન પહોંચે એના માટે ષડ્યંત્રો થતાં હતાં, પણ નક્કી કર્યું અને ઉપવાસ પર બેઠા, સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારી અને પાણી આવ્યું કે ન આવ્યું? કામ આગળ વધી રહ્યું છે કે નહીં? વાતોનાં વડાં કરવાવાળા અમે લોકો નથી.’

કચ્છના ટૂરિઝમ વિશે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે ‘કોઈએ કલ્પના કરી હતી કે કચ્છમાં આટલું બધું પર્યટન વિકસે? માતાનો મઢ, કુળદેવી આશાપુરામા, કચ્છનું નારાયણ સરોવર, કોટેશ્વર, લખપતનો ફોર્ટ, ગુરુદ્વારા, માંડવી બીચ, કાલા ડુંગર, આયના મહેલ, જેસલ તોરલની સમાધિ, સફેદ રણ, ધોળાવીરા; શું નથી કચ્છ પાસે. આ ટૂરિઝમ માટે આખા દેશ અને દુનિયાને મારે અહીં ખેંચી લાવવી છે. કચ્છ નહીં દેખા તો કુચ્છ નહીં દેખા.’

કચ્છની સરખામણી મુંબઈની સાથે કરતાં તેઓએ કહ્યું હતું કે ‘અહીં કચ્છના કેટલાક વિસ્તારો તો એવા છે કે મુંબઈમાં ચોરસ ફુટે જે ભાવ હોય જમીનનો એના કરતાં વધારે ભાવ કચ્છના વિસ્તારોમાં છે. પ્રગતિ કેમ થાય એની તાકાત બતાવી છે.’ 

gujarat gujarat news gujarat elections gujarat election 2022 bharatiya janata party Gujarat BJP congress Gujarat Congress narendra modi shailesh nayak