કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના પિતાનો કોરોનાએ લીધો ભોગ

09 May, 2021 12:46 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

હાર્દિક પટેલના પિતા અમદાવાદની યુ.એન.મહેતા હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા

હાર્દિક પટેલની ફાઈલ તસવીર

ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ (Hardik Patel)ના પિતા ભરત પટેલ (Bharat Patel)નું કોરોના વાયરસના સંક્રમણને લીધે નિધન થયું છે. હાર્દિકના પિતા કોરોના પૉઝિટિવ હતા અને આજે સવારે તબિયત બગડતા તેમને યુ.એન.મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં હૃદય બંધ પડી જવાના કારણે તેમનું નિધન થયું હતું.

હાર્દિક પટેલના પિતાનું નિધન થયું હોવાના સમાચાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કરીને આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે, ‘કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અમારા સાથી હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલના નિધનના સમાચાર દુઃખદ છે. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું’.

હાર્દિક પટેલ પણ કોરોનાનો ભોગ ભોગ્યા છે. બીજી મેના રોજ તેમણે ટ્વિટ કરીને કોરોનાનું સંક્રમણ લાગ્યું હોવાની જાણ કરી હતી. તેમણે લખ્યું હતું કે, ‘આજે હું કોરોના પૉજિટિવ થયો છું. ડૉક્ટરોની સલાહ અનુસાર ઘરે જ સારવાર ચાલી રહી છે. તમારા પ્રેમ અને પ્રાર્થનાથી જલદી ઠીક થઈ જઈશ’.

તમને જણાવી દઈએ કે , ગુજરાતનાં શનિવારે કોરોનાના ૧૧,૮૯૨ નવા કેસ નોંધાયા હતા અને ૧૧૯ લોકોના મૃત્યુ થયા હતા.

coronavirus covid19 gujarat gujarat news ahmedabad hardik patel Gujarat Congress congress