22 June, 2025 07:05 AM IST | Ahmedabad | Shailesh Nayak
સાહિલ પટણી, સંકેત વળિયા, આકાશ સાંગાણી
અમદાવાદમાં પ્લેન-ક્રૅશની ઘટના બની એમાં મેડિકલ કૉલેજની હૉસ્ટેલની મેસની દીવાલ નીચે દબાઈ ગયેલા ભાવનગરના સંકેત વળિયા અને તેના મિત્રોને બહાર કાઢવામાં મદદ કરનાર મેઘાણીનગરના સાહિલ પટણીની સામે કુદરતે જોયું છે. પોતાના જીવની પરવા કર્યા વગર પરિવારના એકના એક દીકરાને બચાવવામાં મદદ કરનાર સાહિલ પટણીને સંકેત વળિયાના પરિવારજને ગિફ્ટમાં નોકરી આપી છે.
પ્લેન-ક્રૅશની ઘટના બની એ રાતે ભાવનગરનો વળિયા પરિવાર વ્યથિત હતો, કેમ કે અમદાવાદમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલો તેમનો દીકરો સંકેત વળિયા ફોન રિસીવ નહોતો કરતો. વારંવાર ફોન કર્યા બાદ ફોન રિસીવ થયો તો સામે છેડે પોતાનો દીકરો નહીં પરંતુ કોઈ અન્ય યુવાન વાત કરતો હતો અને તેણે વળિયા ફૅમિલીને જે મેસેજ આપ્યો એનાથી વળિયા પરિવારને હાશકારો થયો. આ યુવાન હતો સાહિલ પટણી જેને સંકેતનો મોબાઇલ ઘટનાસ્થળેથી મળી આવ્યો હતો અને એને સાચવીને પોતાની પાસે રાખ્યો હતો.
નોકરી શોધી રહેલા સાહિલ પટણીને નોકરી મળતાં તે ખુશ થઈ ગયો છે. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં તેણે કહ્યું કે ‘ઘટના બની ત્યારે અમે મિત્રો ક્રિકેટ રમતા હતા અને વિમાન પડ્યું અને આગ લાગતાં અમે ત્યાં દોડી ગયા હતા. મેસમાં મેડિકલ સ્ટુડન્ટ્સ દીવાલની નીચે દબાયા હતા, તે બધાને અમે બહાર કાઢીને ઍમ્બ્યુલન્સ સુધી મોકલ્યા હતા. સ્ટુડન્ટ્સને બહાર કાઢ્યા એ સ્થળેથી મને એક મોબાઇલ મળ્યો હતો. ઘટનાના થોડા સમય બાદ આ મોબાઇલ રણક્યો એટલે મેં રિસીવ કર્યો તો સામે કોઈક રડતાં-રડતાં વાત કરતા હતા અને સંકેત માટે પૂછતા હતા એટલે મેં તેમને કહ્યું કે ચિંતા ન કરો, આ જેનો ફોન છે તેને કંઈ થયું નથી. એમ કહીને મેં તેમને મારું ઍડ્રેસ આપીને કહ્યું હતું કે આ ફોન મારા ઘરેથી લઈ જજો. જોકે આ પરિવાર ભાવનગર રહેતો હોવાથી અમદાવાદમાં રહેતા તેમના સગા મારે ઘરે આવ્યા હતા. વાતચીત દરમ્યાન તેમણે જાણ્યું હતું કે મેં બીકૉમ સુધીનો અભ્યાસ કર્યો છે અને નોકરીની શોધમાં છું એટલે તેમણે મને તેમને ત્યાં નોકરી માટે ઑફર કરી. મારે પણ નોકરીની જરૂર હોવાથી મેં તેમને હા પાડી. મને લાગે છે કે મેં માનવતાનું કાર્ય કર્યું એટલે ભગવાને મારી સામે જોયું અને મને ઘેરબેઠાં નોકરી મળી.’
સાહિલને નોકરી આપનાર સંકેત વળિયાના ફઈના દીકરા આકાશ સાંગાણીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘સાહિલે જે રેસ્ક્યુ કર્યું હતું એમાં મારા મામાનો દીકરો સંકેત પણ હતો. અનાયાસ સંકેતનો ફોન તેને મળ્યો હતો અને તેની પાસે સાચવી રાખ્યો હતો. મારા મામા ભાવનગર રહે છે અને હું અમદાવાદ રહું છું એટલે સંકેતનો ફોન લેવા હું અને મારો બીજો કઝિન રવિ સાહિલના ઘરે ગયા ત્યારે વાત-વાતમાં ખબર પડી કે સાહિલ નોકરી શોધે છે. મારી ટ્રુગ્રોથ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. એટલે મેં સાહિલને મારે ત્યાં ઑનલાઇન ઑર્ડર મૅનેજમેન્ટનું અને બિલિંગનું કામ કરવા માટે નોકરી જૉઇન કરવાની ઑફર આપી હતી અને સાહિલે પણ ખુશીથી એનો સ્વીકાર કર્યો છે. તે એક જુલાઈથી મારે ત્યાં નોકરી શરૂ કરશે. સાહિલે મારા મામાના દીકરાને બચાવ્યો છે તો આટલું તો આપણે કરી શકીએને.’
સંકેત વળિયાના પિતા કરસન વળિયાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘હાલમાં સંકેત ભાવનગર હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. વિમાન-દુર્ઘટનામાં તે ઈજાગ્રસ્ત થયો હતો અને તેને રાઇટ સાઇડની ત્રણ પાંસળીમાં અને ખભામાં ક્રૅક છે અને ડાબા પગે ફ્રૅક્ચર છે. મારા દીકરાને બચાવવામાં મદદરૂપ થનારા સાહિલને હું રૂબરૂ મળીને તેનું સન્માન કરીશ.’