રથયાત્રાની પહિંદ વિધિની પરંપરાને કોરોનાનું ગ્રહણ

30 June, 2022 08:45 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદની રથયાત્રાની આ વિધિ વર્ષોથી માત્ર ગુજરાતના મુખ્ય પ્રધાન કરે છે, પરંતુ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત થતાં આ પરંપરા તૂટવાની શક્યતા

ભૂપેન્દ્ર પટેલ

કોરોનાને કારણે બે વર્ષ બાદ હર્ષોલ્લાસ સાથે આવતી કાલે અમદાવાદમાંથી વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા યોજાવાની છે ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત થવાથી રથયાત્રાની પહિંદ વિધિની અને રથને પ્રસ્થાન કરાવવાની વર્ષો જૂની પરંપરા તૂટી શકે છે. બીજી તરફ ગઈ કાલે ગુજરાતમાં કોરોનોના કેસનો આંકડો પાંચસોને પાર થયો હતો અને કુલ ૫૨૯ કેસ નોંધાયા હતા. 
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને કોવિડનાં હળવાં લક્ષણો જણાતાં તેમણે કોવિડની ટેસ્ટ કરાવી હતી જે ગઈ કાલે પૉઝિટિવ આવી હતી. આ રિપોર્ટ બાદ તેમણે સ્વયં આઇસોલેશનમાં પોતાના નિવાસસ્થાને જ રહેવાનો નિર્ણય કર્યો છે. તેઓ હાલ સંપૂર્ણ સ્વસ્થ છે. જોકે સીએમઓ દ્વારા આ બાબતે સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી.

ભૂપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત થવાથી પહિંદ વિધિ કોણ કરશે એ પ્રશ્ન ઊઠ્યો છે, કેમ કે અમદાવાદમાં યોજાતી રથયાત્રાનું પ્રસ્થાન અને પહિંદ વિધિ વર્ષોથી જે-તે મુખ્ય પ્રધાન કરતા આવ્યા છે. આ ઉપરાંત રથયાત્રાના આગલા દિવસે મુખ્ય પ્રધાન મંદિરમાં જઈને સાંજે આરતી ઉતારે છે ત્યારે આ વર્ષે આવતી કાલે રથયાત્રા યોજાય એ પહેલાં જ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોનાને કારણે હોમ આઇસોલેટ થવાથી પહિંદ વિધિ સહિતની રથયાત્રાની વિધિઓ તેઓ નહીં કરી શકે એમ જણાઈ રહ્યું છે. જોકે આજે વર્કઆઉટ થશે કે આ વર્ષની રથયાત્રામાં મુખ્ય પ્રધાનની જગ્યાએ પહિંદ વિધિ સહિતની વિધિઓ કોણ કરશે.

મુખ્ય પ્રધાન કોરોનાગ્રસ્ત થતાં તેમના સ્થાને કોણ રથ ખેંચશે અને પહિંદ વિધિ કરશે એમ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાને પૂછતાં તેમણે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘અમને આ સમાચાર મળ્યા છે અને કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. એ તો ઑફિશ્યલી સીએમની ઑફિસથી આવશે પછી નિર્ણય લેવાશે. આજે સાંજની આરતીમાં તેમનો ટાઇમ છે, પણ જો તેઓ કોરોના પૉઝિટિવ હશે તો કદાચ ન આવે એવું હોઈ શકે.’

એક તરફ ભૂપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત થયા છે તો બીજી તરફ ગુજરાતમાં કોરોનાની ચોથી લહેર શરૂ થઈ હોય એમ ગઈ કાલે ગુજરાતમાં કોરોનાના કુલ ૫૨૯ કેસ નોંધાયા હતા. ગુજરાતમાં ૨,૯૧૪ ઍક્ટિવ કેસ છે જેમાંથી બે દરદી વેન્ટિલેટર પર છે. ગઈ કાલે સૌથી વધુ ૨૨૦ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા હતા. સુરત શહેરમાં ૭૯ અને વડોદરા શહેરમાં ૫૩ કેસ નોંધાયા હતા.

gujarat gujarat news gujarat cm bhupendra patel coronavirus covid19 Rathyatra