15 June, 2025 06:51 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઇમ્તિયાઝ પોતાના ભાઈ અને પરિવાર સાથે
`આ કોઈ અકસ્માત કે દુર્ઘટના નહીં, પણ બેદરકારી છે. મેં મારો નાનો ભાઈ ગુમાવ્યો છે. હું જે દુઃખ અને પીડામાંથી પસાર થઈ રહ્યો છું, તે મારા સિવાય અન્ય કોઈ નહીં સમજી શકે. મારા અનેક પ્રશ્નો છે અને એ હું પૂછીને જ રહીશ.` આ શબ્દો અમદાવાદ અકસ્માતમાં માર્યા ગયેલા મુંબઈના જાવેદ અલીના મોટા ભાઈ ઇમ્તિયાઝના છે.
અમદાવાદ પ્લેન ક્રૅશ અકસ્માત થકી જ્યાં આખા દેશમાં શોકનો માહોલ છે. કઠોર માણસના કાળજાને પણ કંપાવનારી આ ઘટનાની પીડાને શબ્દોમાં વ્યક્ત કરવા માટે જાણે શબ્દભંડોળ ટૂંકું પડી રહ્યું છે. અમદાવાદથી લંડની જતી ઍર ઇન્ડિયાની ફ્લાઈટ બોઇંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન એક ભયાવહ અકસ્માતનો શિકાર બન્યું અને એક મેડિકલ હોસ્ટેલમાં જઈને અથડાયું. જેમાં ચમત્કારિક રૂપે એક પ્રવાસી બચી શક્યો અને 241 લોકો બળીને ભસ્મ થઈ ગયા. આ અકસ્માત થકી મરણાંક 274 પહોંચી ગયો છે અને મૃત્યુ પામનાર પીડિતના પરિવારજનોને માથે તો જાણે આફતના પહાડ તૂટ્યા છે. મૂળ મુંબઈના રહેવાસી જાવેદ અલીનો પરિવાર પણ આ ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહ્યો હતો.
જાવેદ અલી સૈયદ છેલ્લા 11 વર્ષથી લંડનમાં રહેતા હતા. તે પત્ની અને બન્ને બાળકો સાથે મુંબઈના મલાડમાં પોતાના પરિવાર સાથે ઇદ ઉજવવા માટે આવ્યા હતા. જાવેદ અલીના ભાઈ ઇમ્તિયાઝ અલીએ એક ન્યૂઝ પૉર્ટલ સાથે વાત કરતાં જણાવ્યું કે મારી માતાની સર્જરી થઈ હતી અને ઈદનો તહેવાર પણ આવવામાં હતો. આથી અમે આ તહેવાર આખા પરિવાર સાથે ઉજવવા માગતા. આથી મારો નાનો ભાઈ જાવેદ અલી સૈયદ પત્ની અને બાળકો સાથે લંડનથી અહીં આવ્યો હતો. અમે ચાર ભાઈ-બહેન છીએ. અમારી બધાની સાથે આનંદ માણીને અનેક સ્મૃતિઓ બનાવીને તે પાછા લંડન જઈ રહ્યા હતા.
પીડિત જાવેદના ભાઈ ઇમ્તિયાઝ અલીએ આગળ કહ્યું કે આ કોઈ દુર્ઘટના કે અકસ્માત નથી. આ એક બેદરકારી છે. જેમાં મારા ભાઈ અને પરિવારનો જીવ ગયો છે. હું આ સમયે જે દુઃખ અને પીડામાંથી પસાર થઈ રહ્યો છું, તેને કોઈ સમજી શકશે નહી. મારા મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. હું આ પ્રશ્નોને ચોક્કસ ઉઠાવીશ.
આ પ્લેન અકસ્માત મામલે આજે એટલે કે 14 જૂનના રોજ ઉડ્ડયન મંત્રી ભાવુક થતાં તેમણે કહ્યું કે `મેં પણ અકસ્માતમાં મારા પિતાને ગુમાવ્યા છે.` ૧૨ જૂનના રોજ અમદાવાદમાં ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 બોઇંગ ૭૮૭-૭ ડ્રીમલાઇનર ક્રેશ થયું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર ૨૪૧ લોકોના મોત થયા હતા, જ્યારે ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો હતો. આ દુર્ઘટનામાં જમીન પર રહેલા ૨૯ લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ અકસ્માત બાદ શુક્રવારે પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને એક મિનિટનું મૌન પાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમણે પોતે માર્ગ અકસ્માતમાં પોતાના પિતા ગુમાવ્યા છે, તેથી તેઓ પીડિતોનું દુઃખ સમજી શકે છે.