15 June, 2025 06:51 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
Ahmedabad Plane Crash Reason : ઍર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171ના અકસ્માતમાં 274થી વધુ લોકોના મોત નીપજ્યા. આ અકસ્માત પહેલા પાઇલટનો ઑડિયો મેસેજ સામે આવ્યો છે, જેથી પ્લેન ક્રેશના કારણ સામે આવે છે.
અમદાવાદથી લંડન જતી ઍર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171ના ભયાવહ અકસ્માતને લઈને હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ વિમાન દુર્ઘટનાના સમયે પાઇલટનો ઑડિયો મેસેજ સામે આવ્યો છે. આ મેસેજ પ્લેન ક્રૅશથી બરાબર પહેલા કૉકપિટમાંથી મોકલવામાં આવ્યો હતો, જેથી વિમાનના આ રીતે પડવાનું ખરું કારણ પણ સામે આવ્યું છે.
લંડનના ગેટવિક જઈ રહેલા બોઇંગ 787 ડ્રીમલાઇનરે ગુરુવારે બપોરે દોઢ વાગ્યાની આસપાસ ટેકઑફ કર્યું હતું. જો કે, ટેક ઑફની થોડીક જ સેકેન્ડ્સ માં વિમાન એકાએક મેઘાણીનગર વિસ્તારમાં સ્થિત એક મેડિકલ કૉલેજના હૉસ્ટેલ પર પડી ગયું. આ દુઃખદ અકસ્માતમાં 274થી વધુ લોકોના મોત થઈ ગયા, જેમાં વિમાનમાં પ્રવાસ કરતાં 229 યાત્રી, 12 ક્રૂ મેમ્બર સિવાય 33 સ્થાનિક લોકો અને મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ પણ સામેલ છે.
પાઇલટે ATCને મોકલ્યો જોખમી સંદેશ
હવે સામે આવ્યું છે કે પાઇલટે પહેલા જ પ્લેનમાં ટેક્નિકલ ખામીની શક્યતા દર્શાવી હતી. ઍર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)ને મોકલવામાં આવેલા સંદેશમાં વરિષ્ઠ પાઇલટ કૅપ્ટન સુમિત સભરવાલનો ગભરાયેલો અવાજ સાંભળી શકાય છે, જેમાં તે રહે છે, `મે ડે... મે ડે... મે ડે... નો પાવર.. નો થ્રસ્ટ... ગોઈંગ ડાઉન...`
આ મેસેજ માત્ર પાંચ સેકેન્ડ્સનો હતો, પણ તેમાં જે ભય અને ઇમરજન્સીની સ્થિતિ ઝળકે છે, તે કહેવા માટે પૂરતું છે કે પાઇલટે છેલ્લી ઘડી સુધી સ્થિતિને કાબૂમાં લેવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો.
ઉંચાઈ સુધી પહોંચી જ ન શક્યું વિમાન
જેવી વિમાને ઉંચાઈ સુધી પહોંચવાની શરૂઆત કરી, તેમાં પાવર અને થ્રસ્ટની ઉણપ આવી ગઈ, જેથી તે ઝડપથી નીચે પડવા માંડ્યું. અકસ્માતમાં સૌથી વધુ નુકસાન હૉસ્ટેલ ભવનને થયું, જ્યાં અનેક મેડિકલ વિદ્યાર્થીઓ અને સ્થાનિક નિવાસીઓએ પોતાના જીવ ગુમાવી દીધા.
આ વિમાનમાં ગુજરાતના (Gujarat) ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) પણ સવાર હતા, જેમનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ગુરુવારે રાત્રે આ વિમાનનો એક બ્લેક બોક્સ મળી આવ્યો છે, જ્યારે બીજા બ્લેક બોક્સ અને ડિજિટલ વિડિયો રેકોર્ડર (DVR) ની શોધ હજુ પણ ચાલુ છે. આ ઉપકરણો વિમાનના ટેકનિકલ પાસાઓ અને પાઇલટના છેલ્લા નિર્ણયો વિશે માહિતી આપી શકે છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ ભયાનક અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ પેનલ અકસ્માતના કારણોનું વિશ્લેષણ કરશે તેમજ હાલના માનક સંચાલન પ્રક્રિયાઓ (SOP) અને સલામતી માર્ગદર્શિકાની સમીક્ષા કરશે.