17 June, 2025 10:10 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સિવિલ હૉસ્પિટલમાં વિમાન-દુર્ઘટનામાં મૃત્યુ પામેલી વ્યક્તિના સ્વજનો માટે ડોમ બનાવવામાં આવ્યો છે.
અમદાવાદ પ્લેન-ક્રૅશમાં જીવ ગુમાવનારા લોકો અને તેમના સ્વજનોનાં DNA મૅચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે જેમાં ગઈ કાલે સાંજ સુધીમાં ૭૬ મૃતદેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ આ માહિતી આપતાં મીડિયાને કહ્યું હતું કે ‘અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા ૧૧૯ લોકોનાં DNA સૅમ્પલ મૅચ થયાં છે જેમાંથી ૭૬ મૃતદેહો સ્વજનોને સોંપાઈ ગયા છે, ૨૪ પરિવારો ટૂંક સમયમાં આવીને પાર્થિવ દેહ લઈ જશે જ્યારે ૧૧ પરિવારો બીજા સ્વજનનાં DNA-મૅચ થવાની રાહમાં છે.’
અમદાવાદમાં આવેલી સિવિલ હૉસ્પિટલમાં મૃત્યુ પામેલા લોકોનાં DNA-મૅચિંગ અને વેરિફિકેશન બાદ પોસ્ટમૉર્ટમ બિલ્ડિંગમાંથી પરિવારજનોને પાર્થિવ દેહ સોંપવામાં આવી રહ્યા છે. અહીં સ્વજનોને બેસવા માટે ડોમ બનાવ્યો છે અને પીવાનું પાણી, પંખા, કૂલરની સાથે ચા, નાસ્તા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. DNA રિપોર્ટ આવ્યા બાદ પરિવારજનોનાં વેરિફિકેશન માટે સિવિલ હૉસ્પિટલમાં વેરિફિકેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે જ્યાં વેરિફિકેશન પૂરું થયા બાદ પોસ્ટમૉર્ટમ રૂમમાં જાણ કરવામાં આવે છે. મરનાર વ્યક્તિનાં સગાંઓને દસ્તાવેજો વિશે માહિતી આપવામાં આવે છે અને તેમને એસ્કોર્ટ કરીને પોસ્ટમૉર્ટમ રૂમ સુધી લઈ જવામાં આવે છે. અહીં પરિવારજનોને તેમના સ્વજનના મૃતદેહ અને ડૉક્યુમેન્ટ સોંપવામાં આવે છે જેમાં ડેથ સર્ટિફિકેટ, અકસ્માત મૃત્યુ કેસ, પોલીસ-તપાસ, પોસ્ટમૉર્ટમ નોટ, DNA-મૅચિંગ વિશેનો ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL) રિપોર્ટ તેમ જ શરીર પર મળેલાં કોઈ ઘરેણાં અથવા વસ્તુઓ હોય તો એ પણ સોંપવામાં આવે છે.
ભૂપેન્દ્ર પટેલે સ્વજનોને પાઠવી સાંત્વના
સિવિલ હૉસ્પિટલમાં ગઈ કાલે આવેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિમાન-દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોના સ્વજનોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી. ભૂપેન્દ્ર પટેલ વેરિફિકેશન રૂમમાં ગયા હતા અને સારવાર લઈ રહેલા દરદીઓના સ્વજનોને સાંત્વના પાઠવી હતી અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા.