અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલના ૧૨ ડૉક્ટરો કોરોના-સંક્રમિત થયા

04 April, 2021 12:48 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

અત્યારે ૧૨૦૦ બેડની સિવિલ હૉસ્પિટલમાં ૬૭૦ દરદીઓ અને કિડની હૅસ્પિટલમાં ૧૦૦ દરદીઓ સારવાર હેઠળ છે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર જાણે કે ઘાતક બનતી જઈ રહી છે. નાગરિકોની સાથે સાથે હવે ડૉક્ટરો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલમાં ૧૨ ડૉક્ટરો કોરોનાથી સંક્રમિત થયા છે. એટલું જ નહીં પરંતુ અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને સિવિલ હૉસ્પિટલ કૅમ્પસમાં આવેલી કૅન્સર હૉસ્પિટલમાં પણ દરદીઓને દાખલ કરવાની તૈયારી સત્તાવાળાઓએ કરી છે.

અમદાવાદમાં આવેલી સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ જે. વી. મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી હૉસ્પિટલના ૧૨ ડૉક્ટરો કોરોના સંક્રમિત થયા છે તે પૈકી ૫ ડૉક્ટરો હાલમાં હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અત્યારે ૧૨૦૦ બેડની સિવિલ હૉસ્પિટલમાં ૬૭૦ દરદીઓ અને કિડની હૅસ્પિટલમાં ૧૦૦ દરદીઓ સારવાર હેઠળ છે. આમ સિવિલ હૉસ્પિટલ કૅમ્પસમાં કોરોનાના કુલ ૭૭૦ દરદીઓ દાખલ છે. જો એવું લાગશે તો કાલથી કૅન્સર હૉસ્પિટલમાં પણ કોવિડના પેશન્ટને દાખલ કરીશું.’

ઉલ્લેખનીય બાબત એ છે કે કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે. સિવિલ હૉસ્પિટલમાં ગઈ કાલે કોરોનાગ્રસ્ત ૧૧ બાળકો સારવાર લઈ રહ્યાં હતાં જેમાં એક નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે. બાળકોમાં શ્વસનતંત્ર રિલેટેડ લક્ષણ જણાયાં છે.

gujarat gujarat news coronavirus covid19 ahmedabad shailesh nayak