દીપાંશીને જાણે મોતે રોકી રાખી અને તે કાળનો કોળિયો બની ગઈ

15 June, 2025 06:54 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

મમ્મી-પપ્પાની ઍનિવર્સરી ઊજવીને જવાનું નક્કી કરીને ૨૦ મેની ટિકિટ કૅન્સલ કરાવીને ૧૨ જૂનની કરાવી હતી

પપ્પા-મમ્મી સાથે દીપાંશીનો આ છેલ્લો સેલ્ફી

લંડનમાં લૉનો અભ્યાસ કરવા જનારી અમદાવાદની દીપાંશી ભદૌરિયા કદાચ આજે આપણી વચ્ચે હોત, પરંતુ જાણે મોતે તેને રોકી રાખી અને તે કાળનો કોળિયો બની ગઈ. પેરન્ટ્સની ઍનિવર્સરી માટે તેણે લંડનની ટિકિટ કૅન્સલ કરાવીને ૧૨ જૂનની ટિકિટ બુક કરાવી હતી અને તે હસતી-હસતી પેરન્ટ્સ સાથે સેલ્ફી લઈને અમદાવાદ ઍરપોર્ટ પરથી લંડન જવા રવાના થઈ હતી, પરંતુ થોડી મિનિટમાં જ પ્લેન ક્રૅશની કરુણાંતિકામાં દીપાંશીનું મોત થઈ ગયું. ફૅમિલીમાં એકની એક દીકરીનું ડેથ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને કોણ કોને છાનું રાખે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી.  

દીકરી હંમેશાં વહાલનો દરિયો જ હોય છે અને દીકરીઓ તેમના પેરન્ટ્સ માટે કંઈક ને કંઈક કરતી જ હોય છે ત્યારે દીપાંશી પણ તેના પપ્પાને બર્થ-ડે પર સરપ્રાઇઝ આપવા લંડનથી માર્ચ મહિનામાં અમદાવાદ આવી હતી અને પપ્પાને સરપ્રાઇઝ આપવાની સાથે તેણે પપ્પાને એમ કહ્યું હતું કે હવે તમારી ઍનિવર્સરી ઊજવીને જઈશ એટલે મારી ટિકિટ કૅન્સલ કરાવી દો. જોકે દીપાંશીને ક્યાં અંદાજ હતો કે તે આ ટિકિટ કૅન્સલ નથી કરાવી રહી, તેની જિંદગી કૅન્સલ કરાવી રહી હતી.

દીપાંશીના નજીકના એક રિલેટિવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીપાંશીનાં મમ્મી-પપ્પાની લગ્નતિથિ ૧૧ જૂને હતી અને તે લંડનમાં લૉનો અભ્યાસ કરવા ૨૦ મેએ લંડન પાછી જવાની હતી. ૨૭ માર્ચે દીપાંશીના પપ્પા સંદીપ સિંહનો બર્થ-ડે હતો એટલે એ દિવસે તેના પપ્પાને સરપ્રાઇઝ આપવા ખાસ લંડનથી અમદાવાદ આવી હતી અને ૨૦ મેએ પાછી જવાની હતી, પરંતુ પછી ૧૧ જૂને આવતી મમ્મી-પપ્પાની લગ્નતિથિ ઊજવીને જવાનું નક્કી કર્યું એટલે તેણે પપ્પાને કહ્યું હતું કે તમે મારી ૨૦ મેની ટિકિટ રદ કરાવી દો, હું તમારી ઍનિવર્સરી ઊજવવા માગું છું, તમે મારી ૧૨ જૂનની ટિકિટ બુક કરાવી દેજો. દીકરીની વાત માનીને પિતાએ ટિકિટ ર‍દ કરાવીને ૧૨ જૂનની કરાવી હતી. અમદાવાદથી વિદાય લેતાં પહેલાં મમ્મી-પપ્પા સાથે તેણે સેલ્ફી પણ લીધો હતો અને દીપાંશીના પપ્પા તેને ઍરપોર્ટ પર મૂકીને ઘરે પહોંચ્યા ત્યાં તેમને સમાચાર મળ્યા કે પ્લેન તૂટી પડ્યું છે ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગયાનો અહેસાસ થયો હતો. પરિવારમાં એક ભાઈ છે. બાકી આ એકની એક દીકરી હતી જેના અવસાનથી ઘરમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.’

air india plane crash ahmedabad gujarat gujarat news london