નરેન્દ્ર મોદી નામ જાહેર થયા બાદ કૉલેજના દરવાજે લાગ્યાં સરદાર પટેલના નામનાં બૅનર

17 September, 2022 12:00 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ કૉલેજના નામનું બૅનર લગાવ્યું હતું અને નામ બદલવા માગણી કરી હતી.

અમદાવાદની મેડિકલ કૉલેજના દરવાજે અને દીવાલ પર સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ કૉલેજના નામ સાથે બૅનર્સ લગાવવામાં આવ્યાં હતાં.

ગુજરાતના અમદાવાદમાં એક કૉલેજનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેડિકલ કૉલેજ નામ જાહેર થયા બાદ આ કૉલેજના દરવાજે અને દીવાલ પર ગઈ કાલે કૉન્ગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ કૉલેજના નામનું બૅનર લગાવ્યું હતું અને નામ બદલવા માગણી કરી હતી.

અમદાવાદના મણિનગર વિસ્તારમાં એલ. જી. હૉસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી એ.એમ.સી.મેટ મેડિકલ કૉલેજ કે જે મણિનગર મેડિકલ કૉલેજના નામથી ઓળખાય છે, એ મેડિકલ કૉલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કૉલેજ કરવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને કર્યો હતો જેની સામે કૉન્ગ્રેસ દ્વારા આ કૉલેજને સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ કૉલેજ નામ આપવાની માગણી કરવામાં આવી હતી અને એનાં બૅનર પણ હૉસ્પિટલના દરવાજે લગાવ્યાં હતાં. આ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિપક્ષી નેતા શહઝાદખાન પઠાણે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘દેશની આઝાદીમાં યોગદાન આપનાર તેમ જ અખંડ ભારતની રચના કરનાર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ મેડિકલ કૉલેજ સાથે જોડીને તેમનું નામ રાખવામાં આવે એવી માગણી અમારી છે અને એટલે કૉન્ગ્રેસ પક્ષે આ મેડિકલ કૉલેજનું નામકરણ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ કૉલેજ નામ રાખીને બૅનર લગાવ્યાં છે. અમે કૉર્પોરેશનના સત્તાવાળાઓને રજૂઆત કરીએ છીએ કે આ કૉલેજનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ કૉલેજ રાખવામાં આવે.’

gujarat gujarat news narendra modi sardar vallabhbhai patel congress Gujarat Congress shailesh nayak