કયા-કયા રાજકારણીઓ ગુજરાતના રાજ્યપાલના પગલે ચાલવા તૈયાર થશે?

13 May, 2026 07:14 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

આચાર્ય દેવવ્રતે જાહેર કર્યું કે ગુજરાતમાં પ્રવાસ કરવા માટે હેલિકૉપ્ટર છોડીને ટ્રેન અને ST બસનો ઉપયોગ કરશે

આચાર્ય દેવવ્રત તાજેતરમાં સુરત જિલ્લાની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે સુરતથી જીણોદ ગામ સુધી ST બસમાં મુસાફરી કરી હતી, આચાર્ય દેવવ્રત ગયા વર્ષે મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો ચાર્જ લેવા અમદાવાદથી મુંબઈ ટ્રેનમાં આવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવર્તમાન પરિસ્થિતિને લઈને પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. એને સપોર્ટ જાહેર કરીને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ની બસમાં અને ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય કર્યો છે. 

આચાર્ય દેવવ્રતે ગઈ કાલે ગાંધીનગરમાં આવેલા લોકભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં આચાર્ય દેવવ્રતે નિર્ણય લીધો હતો કે જ્યાં સુધી દેશમાં પેટ્રોલિયમની સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી રાજ્યની અંદરના કોઈ પણ કાર્યક્રમ માટે તેઓ હેલિકૉપ્ટર અને હવાઈ મુસાફરીનો ઉપયોગ કરશે નહીં; એને બદલે તેઓ રાજ્યમાં પ્રવાસ માટે ટ્રેન, ST બસ અને જાહેર પરિવહનનો ઉપયોગ કરશે. આ ઉપરાંત રાજ્યપાલ તરીકે પ્રાપ્ત ઝેડ પ્લસ સુરક્ષાના કાફલાને બાજુ પર રાખીને કાફલામાં ન્યુનતમ ગાડીઓ રાખવાની સૂચના તેમણે આપી છે જેથી ઈંધણની મહત્તમ બચત થઈ શકે. રાજ્યપાલના આ સંકલ્પમાં લોકભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સહભાગી બન્યા છે. 

ગઈ કાલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે ‘આ પગલાં માત્ર આર્થિક બચત નથી પરંતુ રાષ્ટ્રની સુરક્ષા માટે અનિવાર્ય છે. આપણા દ્વારા બચાવાયેલું ઈંધણનું એક-એક ટીપું અને એક-એક રૂપિયો ભારતને આત્મનિર્ભર બનાવવામાં ફાળો આપશે. જો આપણે આજે થોડો ત્યાગ કરીશું તો આવતી કાલનું ભારત વધુ સુર​િક્ષત, સમુદ્ધ અને શક્તિશાળી બનશે.’ 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના નાગરિકોને આર્થિક આત્મરક્ષાના મહાયજ્ઞમાં જોડાવા આહ્‍વાન કરીને કહ્યું હતું કે જો આપણે આપણી વ્યક્તિગત સુખ સુવિધાઓથી ઉપર ઊઠીને રાષ્ટ્ર પ્રથમના કર્તવ્યને પસંદ કરીશું તો ભારત આર્થિક રીતે વધુ આત્મનિર્ભર બનશે. 

સાદગી માટે જાણીતા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમની સાદગી માટે જાણીતા છે. ગુજરાતમાં તેઓ ઘણી વાર ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લે છે ત્યારે પ્રોટોકૉલને બાજુ પર મૂકીને સામાન્ય નાગરિકની જેમ ST બસમાં મુસાફરી કરતા હોય છે અને લોકો સાથે આત્મીયતાથી વાતચીત પણ કરતા હોય છે. તાજેતરમાં સુરત જિલ્લાની મુલાકાતે ગયા હતા ત્યારે સુરતના અડાજણ બસ-સ્ટૅન્ડથી ઓલપાડ તાલુકાના જીણોદ ગામ સુધી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની બસમાં બેસીને મુસાફરી કરી હતી.

gujarat news gujarat ahmedabad gujarat government narendra modi indian government surat