સૅટેલાઇટ ફોન્સ સામાન્ય લોકો માટે નથી

02 September, 2022 04:07 PM IST  |  Mumbai | Harsh Desai

આ ટેક્નૉલૉજીના ઉપયોગ માટે ફોન કરતાં એની કનેક્ટિવિટી માટે વધુ પૈસા ચૂકવવા પડે છે : ઇન્ડિયામાં સૅટેલાઇટ ફોન્સ પ્રતિબંધિત છે, પરંતુ ઇમર્જન્સી કૉલ્સ માટે એને પરમિશન મળે છે કે નહીં એ જોવું રહ્યું

પ્રતીકાત્મક તસવીર

ઍપલ સાત સપ્ટેમ્બરે આઇફોન 14 લૉન્ચ કરે એની રાહ જોવામાં આવી રહી છે. આ આઇફોનનાં ફીચર સૅટેલાઇટ ફોન્સની સૌથી વધુ આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. ઍપલ આ ફીચર લઈને આવવાનું છે એ ઘણા સમયથી વાત ચાલે છે, પરંતુ એ આ વર્ષે લાવે કે પછી આગામી મૉડલમાં લઈને આવે એ નક્કી નથી. આ સૅટેલાઇટ ફીચર નામ પરથી જ ખબર પડી શકે છે કે એ શું હશે. જોકે આ ફીચર આપવું જેટલું સરળ લાગે છે એટલું છે નહીં. તેમ જ આ ફીચર આપી પણ દેવામાં આવ્યું તો એનો ઉપયોગ કરવો સામાન્ય માણસ માટે મુશ્કિલ હી નહીં નામુમકિન હૈ. એનું કારણ છે એક કૉલ પાછળ લાગતા ચાર્જિસ. એક વાર આઇફોન ખરીદી લીધો એટલે આ ફીચર્સ હંમેશાં માટે ઉપયોગ કરી શકાશે એવું નથી. આ માટે અલગથી પ્લાન ખરીદવો પડે છે અને એ દુનિયાના તમામ ટેલિકૉમ ઑપરેટર નથી આપતા. એ માટે ગણ્યાગાંઠ્યા ઑપરેટર છે. તો આ સૅટેલાઇટ ફોન શું છે અને એનો ઉપયોગ કેવી રીતે કરી શકાશે જેવી માહિતી જોઈએ.

સૅટેલાઇટ્સ ફોન્સ | મોટા ભાગના મોબાઇલ્સ ટેલિકૉમ ઑપરેટરના સેલ્યુલર સિગ્નલ પર કામ કરે છે. સેલ્યુલર સિગ્નલની રીચ લિમિટેડ હોય છે. યુઝર્સને જે ક્ષેત્રમાં નેટવર્ક ન મળ્યું એ જગ્યાએ મોબાઇલથી વાતચીત થઈ શકતી નથી. જોકે આ પ્રૉબ્લેમનું સમાધાન પણ છે અને એ છે સૅટેલાઇટ્સ ફોન્સ. આ ફીચર્સની મદદથી યુઝર્સ નેટવર્ક ન હોય એ જગ્યાએથી પણ ફોન પર વાત કરી શકે છે. રિમોટ એરિયા એટલે કે જંગલોમાં અથવા તો એ પ્રકારની કોઈ પણ જગ્યા જ્યાં આધુનિકીકરણ ન થયું હોય અને નેટવર્ક ન મળતું હોય ત્યાં આ સૅટેલાઇટ ફોન કામ કરી શકે છે. સૅટેલાઇટ ફોન્સનો ઉપયોગ કરવા માટે યુઝર્સે ફક્ત પૃથ્વીના ઍટ્મોસ્ફિયરમાં હોવું જરૂરી છે. આ ફીચરનો ઉપયોગ મોટા ભાગે ઇમર્જન્સીમાં રેસ્ક્યુ માટે કરવામાં આવે છે. સોલો ટ્રિપ દરમ્યાન પડી ગયા હો અથવા તો ક્યાં ફસાઈ ગયા હો અથવા તો દરિયાની વચ્ચે કશે ખોવાઈ ગયા હો, નેવિગેશન ન ચાલતું હોય ત્યારે અથવા તો કોઈ પણ અણધારી મુસીબત જેમાં અન્યની મદદ પર નિર્ભર રહેવું પડે ત્યારે આ ફીચરનો ઉપયોગ વધુ કરવામાં આવે છે.

સૅટેલાઇટ ફોનકૉલ્સ માટે શેની જરૂર છે? | સૅટેલાઇટ ફોનકૉલ્સ માટે સૌથી પહેલાં સૅટેલાઇટ ફોનની જરૂર પડે છે. આપણા નૉર્મલ ફોનમાં એ સુવિધા નથી આવતી. આ માટે સ્પેશ્યલ ફોન આવે છે. આ ફોન લીધા બાદ સૅટેલાઇટ કનેક્ટિવિટીની જરૂર પડે છે. કોઈ ચોક્કસ કંપનીની કનેક્ટિવિટી માટે એનો જ મોબાઇલ ઉપયોગ કરી શકાય છે, દરેક સૅટેલાઇટ પર એ કામ નથી કરતા. તેમ જ આ બે વસ્તુ હોવા બાદ તમારી પાસે પૂરતું બજેટ હોવું જરૂરી છે. આ સૅટેલાઇટ ફીચર્સનો ઉપયોગ ખૂબ જ એક્સપેન્સિવ છે. દુનિયાભરમાં નામમાત્રની કંપની છે જે આ સુવિધા પૂરી પાડે છે. ઍપલે એમાંથી ગ્લોબલ સ્ટાર કંપની સાથે પાર્ટનરશિપ કરી હોવાની ચર્ચા છે. સિમ ચેન્જ કર્યું એટલે કંપની બદલાઈ ગઈ એવું આ ફોનમાં નથી હોતું, કારણ કે એ સૅટેલાઇટ પર કામ કરે છે.
સૅટેલાઇટ ફોનકૉલ્સનાં પણ લિમિટેશન | સૅટેલાઇટ ફોન નેટવર્ક વગર કામ કરે છે, પરંતુ એનું પણ એક લિમિટેશન છે. આ લિમિટેશન છે કનેક્ટિવિટી. આ સૅટેલાઇટ અવકાશમાં ભ્રમણ કરતી રહે છે. આથી યુઝર જે જગ્યાએ હોય ત્યાં સૅટેલાઇટ નેટવર્ક પકડાય, પરંતુ થોડી મિનિટો બાદ એ છૂટી શકે છે. તેમ જ થોડી મિનિટો બાદ એ આવી પણ શકે છે. તેમ જ એક કંપનીએ એની સૅટેલાઇટનું ભ્રમણ પૃથ્વીના ભ્રમણ સાથે એકદમ સિન્ક કર્યું છે. આથી એના નેટવર્ક છૂટવાના ચાન્સ ઓછા છે, પરંતુ જે જગ્યા પર નેટવર્ક ન પકડાતું હોય એ જગ્યાએ થોડા સમય બાદ પણ નેટવર્ક નહીં આવે એ નક્કી છે. આથી યુઝરે ફરી સૅટેલાઇટ નેટવર્ક માટે તેની જગ્યા બદલવી પડશે જેથી તે સૅટેલાઇટના રડારમાં આવી શકે. જોકે આ કંપનીઓ વિશે અને તેમની સૅટેલાઇટ નેટવર્ક કનેક્ટિવિટી વિશે તેમની વેબસાઇટ પરથી તમામ માહિતી મેળવી શકાય છે.

સર્વિસ પ્લાન | સૅટેલાઇટ ફોનકૉલ્સ ખૂબ જ મોંઘા છે. આ માટે મહિનાના અથવા તો વર્ષના પ્લાન લઈ શકાય છે. ઍપલે જે કંપની સાથે પાર્ટનરશિપ કરી છે એ ગ્લોબલ સ્ટારનો માસિક પ્લાન સો ડૉલરનો છે, જેમાં ૧૫૦ મિનિટ મળે છે. ત્યાર બાદ દરેક મિનિટ માટે એક ડૉલર ચૂકવવો પડે છે. એટલે કે એક મહિના માટે ૮૦૦૦ રૂપિયા અને એક મિનિટ માટે ૮૦ રૂપિયા લાગે છે. અનલિમિટેડ કૉલ માટે ૨૦૦ ડૉલર પર મહિનો છે જે અંદાજે ૧૬,૦૦૦ રૂપિયા થાય છે. ફોનકૉલ્સની સાથે ટ્રેકિંગ સર્વિસ પણ લેવી હોય તો એ માટે અલગથી પૈસા ચૂકવવા પડે છે. આથી સામાન્ય માણસ માટે આ ફોનનો ઉપયોગ કરવો સરળ નથી. ઘણા લોકો આટલા પૈસા ચૂકવવા કરતાં રેન્ટ પર લે છે, કારણ કે સૅટેલાઇટ ફોન્સની જરૂર લિમિટેડ સમય માટે હોય છે. જોકે ઍપલ દ્વારા હવે તેમના ફોનમાં જ આ સુવિધા આપવામાં આવી રહી હોવાથી ફોન અલગથી લેવો નહીં પડે, પરંતુ એવા ફોનને માર્કેટમાં વેચવો પણ સહેલું નથી.

સૅટેલાઇટ ફોનકૉલ્સ ખૂબ જ મોંઘા છે. આ માટે મહિનાના અથવા તો વર્ષના પ્લાન લઈ શકાય છે. ગ્લોબલ સ્ટારના માસિક પ્લાનમાં સો ડૉલરમાં ૧૫૦ મિનિટ મળે છે. 

columnists harsh desai technology news tech news apple iphone life and style