24 October, 2024 04:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા પર છાશવારે અઢળક બ્યુટી ટિપ્સ ટ્રેન્ડમાં રહેતા હોય છે ત્યારે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ વાઇરલ થઈ રહી છે કે ચહેરા પર લસણની કળી ઘસવાથી ખીલની સમસ્યાથી છુટકારો મળે છે. લોકો આ નવા સ્કિનકૅરના નુસખાને આંખ મીચીને ફૉલો કરી રહ્યા છે. જોકે સવાલ એ થાય કે લસણ જેવું સ્ટ્રૉન્ગ અરોમા ધરાવતું દ્રવ્ય ડાયરેક્ટ ચહેરા પર ઘસવું ફાયદાકારક છે ખરું? લસણ હૃદય માટે બહુ સારું છે અને ખોરાકમાં લસણનો ઉપયોગ ઘણા રોગને મટાડવા માટે થાય છે, જોકે ત્વચા ખૂબ સેન્સિટિવ હોય છે એટલે લસણની કળી સીધી ત્વચા પર લગાવવાથી ફાયદો નહીં, ગંભીર નુકસાન થઈ શકે છે.
ટ્રેન્ડનું ફૅક્ટ ચેક
લસણને આરોગવામાં આવે તો એમાં રહેલું એલિસિન નામનું તત્ત્વ રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ સાથે એ બૅક્ટેરિયલ અને વાઇરલ ઇન્ફેક્શન થવા દેતું નથી, પણ આ જ લસણની કળીને સંવેદનશીલ ત્વચા પર ઘસવાથી બળતરા થઈ શકે છે. જો કોઈને લસણથી ઍલર્જી હોય તો તેને ફોલ્લીઓ, સોજો, ડ્રાયનેસ, બળતરા કે ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓ થઈ શકે છે. લસણ ઘસવાથી ત્વચાને ફાયદો થાય છે એવું હજી સુધી કોઈ અભ્યાસમાં પુરવાર થયું નથી. તેથી ઇન્ટરનેટ પર આવતા બધા ટ્રેન્ડને આડેધડ ફૉલો કરવા ઠીક નથી. સેન્સિટિવ ત્વચા પર સ્ટ્રૉન્ગ સ્મેલ ધરાવતું કેમિકલ ખીલવાળા કે ખુલ્લા ઘા પર લગાવવાથી બળતરા થઈ શકે છે. ઇન ફૅક્ટ, આયુર્વેદ મુજબ લસણ એવી તામસિક ચીજ છે જે વધુ માત્રામાં ખાવાથી પણ ત્વચાની તકલીફો વધે છે.
લસણ ખાવાના ફાયદા
લસણ ત્વચા પર ઘસવા કરતાં જો એને તમારી ડાયટમાં સામેલ કરવામાં આવે તો એ ત્વચા માટે કારગર સાબિત થાય છે. એ ખીલની સાથે સ્ટ્રેચ માર્ક્સ અને ચહેરા પરની કરચલીઓને દૂર કરશે કારણ કે એમાં ઍન્ટિ-એજિંગની પણ પ્રૉપર્ટીઝ છે. એમાં રહેલા ઍન્ટિબૅક્ટેરિયલ અને ઍન્ટિફંગલ ગુણો શરીરની ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ થતી નથી. એ બૉડીને પણ ડીટૉક્સ કરવા, કબજિયાતથી છુટકારો અપાવવા તથા વેઇટ લૉસ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.