05 September, 2026 01:27 PM IST | Mumbai | Dr. Rishita Bochia Joshi
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા
સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.
જન્માષ્ટમીના દિવસે ઘડિયાળમાં જ્યારે મધ્યરાત્રિના બારના ટકોરા પડે છે ત્યારે દરેક ગુજરાતી ઘરો અને મંદિરો આનંદભેર “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી!”ના જયઘોષોથી ગુંજી ઊઠે છે. ઘંટડીઓ વાગે છે, લાલાનાં પારણાં ઝૂલવા લાગે છે અને અગરબત્તી તથા ગુલાબની સુગંધ વચ્ચે એક નાની ચાંદીની વાટકી ફરવા લાગે છે અને એ હોય છે- પંજરીની.
આ દિવસે ઉત્તર ભારતમાં ઘઉંના લોટનો હલવો અથવા સૂકા મેવાના લાડુથી ઉજવણી થાય છે, ત્યારે ગુજરાત તો સદીઓ જૂની અને આગવી પરંપરાને વળગી રહ્યું છે. આ પરંપરા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણને અનાજમાંથી બનેલો પ્રસાદ નહીં, પરંતુ ધીમે તાપે શેકેલા ધાણાના દાણા, દેશી ગાયનું ઘી, વાટેલી મિસરી, છીણેલું સૂકું નાળિયેર અને શેકેલા મેવામાંથી બનેલો કરકરો, સુગંધિત પ્રસાદ અર્પણ (Health Funda) કરવામાં આવે છે.
મધ્યરાત્રિએ કાનાનો જન્મ થયા બાદ ધરાવાતા આ સિમ્પલ પ્રસાદ પાછળ ઉત્સવની ભક્તિ અને ઋતુને અનુરૂપ આહાર વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય રહેલો છે.
ગોકુળષ્ટમીના પરંપરાગત ગુજરાતી વ્રતમાં ઉપવાસ રખાતો હોય છે અને તેમાં ઘઉં, ચોખા અથવા જવ જેવા સામાન્ય અનાજ (અન્ન)નું સેવન કરવામાં આવતું નથી. પરંતુ સવારથી લઈને શ્રીકૃષ્ણનો મધ્યરાત્રિએ જન્મ થાય ત્યાં સુધી ઉપવાસ કરતા ભક્તોના ખાલી પેટને એક્ટિવ રાખવા માટે હળવા આહારની (Health Funda) જરૂર હોય છે. અને તેની માટે ધાણાના દાણાથી ઉત્તમ બીજું શું હોઇ શકે?
તેને બરછટ પીસીને તેમાં વાટેલા મખાણા, ચાર મગજ, બદામ અને થોડી એલચી ભેળવવામાં આવે છે, જેથી તે સાત્વિક, અનાજમુક્ત અને આધ્યાત્મિક રીતે શુદ્ધ પ્રસાદ બની જાય છે.
બીજું કે, જન્માષ્ટમી ભાદરવા માસમાં ચોમાસાની મધ્યમાં આવે છે. આયુર્વેદમાં આ ભેજવાળી ઋતુ વાત અને પિત્ત દોષને વધારી દે છે, જ્યારે અગ્નિ (પાચનશક્તિ)ને ગંભીર રીતે મંદ કરી દે છે. ભારે અને તળેલી મીઠાઈઓ ખાઈને ઉપવાસ તોડવાથી તીવ્ર એસિડિટી અને સુસ્તી થઈ શકે છે. પણ પંજરી હેલ્થ બેસ્ટ રહે છે. કેમ કે
• પંજરીમાં રહેલ ધાણા પાચનતંત્રને ઉત્તેજિત કરવામાં, વાયુને દૂર કરવામાં અને પેટ ફૂલતું અટકાવવામાં મદદ કરે છે. તે શરીરને કુદરતી રીતે ઠંડક (Health Funda) આપે છે અને એસિડિટી તથા ગરમી ઘટાડવામાં મદદ કરે છે.
• તેમાં રહેલા ઉચ્ચ ફાઇબરના કારણે તે બ્લડ સુગરને સ્થિર રાખવામાં મદદ કરે છે, જ્યારે મખાણા અને ઘી ગ્લુકોઝના શોષણમાં મદદ કરે છે અને શરીરને ધીમે ધીમે ઊર્જા પુનઃસ્થાપિત કરે છે.
• આ પંજરી પોષક તત્ત્વોથી ભરપૂર છે, કારણ કે તેમાં ઝિંક, મેગ્નેશિયમ, પોટેશિયમ અને આવશ્યક ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે.
આના પરથી કહી શકાય કે આપણા પૂર્વજોએ કેવી સરસ આહાર પરંપરાઓ ઘડી છે! જ્યારે તમે જન્માષ્ટમીની મધ્યરાત્રિએ પંજરી ખાવ છો ત્યારે તમે માત્ર માખણ ચોરનારા ભગવાનને અર્પણ કરાયેલા પવિત્ર પ્રસાદનો સ્વાદ જ નથી માણતા; પરંતુ આયુર્વેદિક ભોજનકલાના એવા ઉત્તમ જ્ઞાનનો પણ ભાગ બનો છો, જે આત્મા સાથે શરીરને પણ સ્વસ્થ (Health Funda) બનાવે છે!
(શબ્દાંકનઃ રચના જોષી)