08 December, 2024 03:08 PM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
દસ હજાર વર્ષનો ઇતિહાસ ધરાવતું મૂળ મેક્સિકોનું આ મોંઘું ફળ આમ ભારતીયોના મેનુમાં પણ મહત્ત્વનું સ્થાન મેળવતું જાય છે. વીસમી સદીમાં શ્રીલંકાથી અવકાડોનો ભારતમાં પ્રવેશ થયો એ પછી સતત એની ખપતમાં વધારો જ થતો ગયો છે. એની ડિમાન્ડ વધતાં ભારતીય ખેડૂતો પણ અવકાડોની ખેતીમાં મંડી પડ્યા છે. આજે જાણીએ કે એવું તો શું ખાસ છે અવકાડોમાં
આખી ધરતી પર અવકાડો એકમાત્ર એવું ફળ છે જે મહિનાઓ સુધી ઝાડ પર રહી શકે અને જ્યાં સુધી તમે એને તોડો નહીં ત્યાં સુધી એ પાકે નહીં. છેલ્લાં થોડાંક વર્ષોમાં અવકાડો ખાનારાઓની માત્રા ભારતમાં વધી છે અને એનું જ પરિણામ છે કે અત્યાર સુધી માત્ર ઇમ્પોર્ટ થકી જે ફળ ખાવા મળતું હતું અને ભાવમાં અતિશય મોંઘું હતું એ હવે ભારતીય ખેડૂતો દ્વારા પણ ઉગાડવામાં આવી રહ્યું છે અને ખેડૂતો માટે એ સારું વળતર આપનારું પણ સાબિત થયું છે. આ ફળનો આવો દબદબો વધવા પાછળનું કારણ શું, એનું આપણા આહારમાં શું સ્થાન હોવું જોઈએ અને આવનારા સમયમાં અવકાડોનું ફ્યુચર કેવું છે જેવા પ્રશ્નોના જવાબ મેળવીએ.
ભારતમાં અવકાડોની એન્ટ્રી
આમ તો અવકાડો મૂળ મેક્સિકોની પેદાશ છે અને આજે પણ દુનિયામાં અવકાડોનું હાઇએસ્ટ પ્રોડક્શન મેક્સિકોમાં જ થાય છે. જોકે ભારતમાં ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડનાં અવકાડોની ખેતી કરવાના ધ્યેય સાથે લંડનમાં પોતાનો અભ્યાસ પડતો મૂકીને ઇઝરાયલમાં જઈને અવકાડોની ખેતી શીખનારો અને ભોપાલમાં ઇન્ડો-ઇઝરાયલ અવકાડો નર્સરી શરૂ કરનારો હર્ષિત ગોધા
‘મિડ-ડે’ને કહે છે, ‘હું જ્યારે લંડનમાં BBAનો અભ્યાસ કરતો હતો ત્યારે અવકાડો ખૂબ ખાતો. એના હેલ્થ બેનિફિટ્સ અને ક્રીમી ટેક્સ્ચર બન્નેને કારણે મારા ડે-ટુ-ડે ફૂડમાં એનું સ્થાન હતું. એવામાં એક વાર એના પૅકેટ પર વાંચ્યું કે સોર્સ ફ્રૉમ ઇઝરાયલ અને મારી આંખ ચમકી. ઇઝરાયલની ક્લાઇમૅટિક કન્ડિશનમાં જો અવકાડો ઊગી શકે તો ભારતમાં કેમ નહીં? બીજું, ભારતમાં જો અવકાડો ઊગે તો એ બહુ મોટી બિઝનેસ ઑપોર્ચ્યુનિટી ગણાય, કારણ કે કોઈ પણ વસ્તુ જે પશ્ચિમી દેશોમાં પૉપ્યુલર હોય એ પછી ભારતમાં પણ આવતી જ હોય છે. UK અને USમાં અવકાડોની ડિમાન્ડ જોતાં ભારતમાં હવે એ વધશે એની ખાતરી હતી.’
હર્ષિત ગોધા
હર્ષિત ઇઝરાયલ જઈને અવકાડોની ખેતીને લગતી મહત્ત્વની વાતો શીખ્યો અને પછી ભારતમાં આવીને પોતાના ભોપાલના નિવાસસ્થાનમાં તેણે ઇઝરાયલમાંથી ઇમ્પોર્ટ કરેલા અવકાડોના છોડવાથી ખેતી શરૂ કરી. આજે તે આ સૅપ્લિંગ્સ ખેડૂતોને વેચે છે. છેલ્લાં અઢી વર્ષમાં તે લગભગ તેર હજાર છોડવાઓ ખેડૂતોને વેચી ચૂક્યો છે. હર્ષિત કહે છે, ‘૨૦૧૮માં આ બધું શરૂ થયું. એ પછી ઇમ્પોર્ટને લગતી કેટલીક ગૂંચવણોને કારણે કામ અટક્યું. એ દરમ્યાન કોવિડ આવ્યો. ફરી દોઢેક વર્ષ માટે બધું કામ અટકી ગયું. ૨૦૨૧માં અનેક ઇમ્પોર્ટને લગતી મથામણ પછી ઇઝરાયલથી અવકાડોના સૅપ્લિંગ ઇમ્પોર્ટ કરી શક્યો. આ છોડવાને બદલે જો સીડ્સ લાવું તો બહુ મોટા સ્કેલ પર ભારતમાં કામ થઈ શકે છે પણ ઇમ્પોર્ટ માટેની પરમિશન પાછળ છેલ્લા દોઢ વર્ષથી મથામણ કરું છું. ફાઇલ આગળ જ નથી વધી રહી.’
ઇન્ડો-ઇઝરાયલ અવકાડો નર્સરી
અહીં ઉલ્લેખનીય છે કે ભોપાલની જમીન પર હર્ષિતે વીસ મહિના પહેલાં ઉગાડેલા છોડમાંથી અત્યારે અવકાડોનો પહેલો પાક તૈયાર થયો છે. તે કહે છે, ‘ભારતમાં છેલ્લાં પચાસ વર્ષથી ભારતીય બનાવટનાં સાઉથ ઇન્ડિયન અવકાડો મળે છે પરંતુ અમે જે અવકાડો ઉગાડ્યાં છે એ ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડની ‘હાસ’ નામની ક્વૉલિટીનાં છે. ભારતીય ખેડૂતને હું વધુ ને વધુ તેમની સૉઇલ કન્ડિશનના આધારે અવકાડો ઉગાડવા માટે મોટિવેટ કરી રહ્યો છું. અત્યારે ભારતમાં અવકાડોનું પ્રોડક્શન નગણ્ય કહી શકાય એટલું જ છે. પૂરતો સપોર્ટ સરકાર પાસેથી નથી મળી રહ્યો. આ તો માત્ર શરૂઆત છે. ભારત અવકાડોની બહુ જ મોટી માર્કેટ છે અને ઇમ્પોર્ટનો ડેટા જોશો તો પણ સમજાશે કે આવનારા સમયમાં હજી વધારે અવકાડોની માગ ભારતીય માર્કેટમાં વધવાની છે. અત્યારે એક એકરમાં અવકાડોની ખેતી કરીને ખેડૂત જો એને મેઇન્ટેન કરે તો લગભગ દસ લાખ રૂપિયાનું ટર્નઓવર થાય. ગયા એક વર્ષમાં એક કરોડનું મારું ટર્નઓવર હતું.’
1,14,30,57,825
ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઑર્ગેનાઇઝેશનના આંકડા કહે છે કે આટલા રૂપિયાની અવકાડોની આયાત ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૪માં કરી છે. ૨૦૧૫ની તુલનાએ આ આંકડો ૨૬૪ ગણો વધ્યો છે.
ઇમ્પોર્ટ વધ્યું અધધધ
ભારતમાં અવકાડોની ખેતી જરૂરી છે કારણ કે એની ડિમાન્ડ સતત વધી રહી છે. આ વાતને સમજવા માટે થોડાક નંબર્સ પર ધ્યાન આપીએ. ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઑર્ગેનાઇઝેશનના આંકડા કહે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪માં ભારતે ૧૩.૫ મિલ્યન ડૉલર એટલે કે ૧,૧૪,૩૦,૫૭,૮૨૫ રૂપિયાનાં અવકાડોની આયાત કરી હતી. વર્ષ ૨૦૨૩ની ૬.૮ મિલ્યન ડૉલર એટલે કે ૫૭,૫૭,૬૨,૪૬૦ રૂપિયાની તુલનાએ આ આંકડામાં ૯૯ ટકાનો વધારો થયો છે. ૨૦૧૪ના પહેલા છ મહિનામાં જ ભારતીયો ચાલીસ લાખ કિલો અવકાડો ઓહિયાં કરી ગયા છે. ૨૦૧૫ની તુલનાએ અવકાડોની ઇમ્પોર્ટમાં ૨૬૪ ગણો વધારો થયો છે. આ સંદર્ભે એબેકેટ ઇન્ટરનૅશનલ કંપનીના બૅનર હેઠળ કેન્યા અને ટાન્ઝાનિયાથી અવકાડો ઇમ્પોર્ટ કરતા અને મુંબઈથી આખા ભારતમાં અવકાડોની સપ્લાય કરતા અબ્દુલ કાદિર મેમણ અને શાહીદ પટકા કહે છે, ‘માર્કેટ સાઇઝ કોઈ કલ્પના ન કરી શકે એ સ્તર પર વધી રહી છે અને સામે કિંમત ઘટી રહી છે કારણ કે હવે સરકાર દ્વારા ઘણાબધા દેશો સાથે અવકાડોના વેપારના દરવાજા ખૂલી રહ્યા છે. પહેલાં ટાન્ઝાનિયાથી બાય ઍર અવકાડો આવતાં એટલે મોંઘાં પડતાં. હવે શિપમેન્ટમાં ઇમ્પોર્ટ થઈ રહી છે એટલે રેન્જ ઘટી છે. ૨૦૨૧માં આ ફળ લગભગ બે હજાર રૂપિયે કિલો મળતું. આજે બસો રૂપિયાથી ચારસો રૂપિયાની અંદર મળી રહે છે. બીજું, ભારતમાં ટ્રેડિશનલી થોડાંક વર્ષોથી જે અવકાડોની વરાઇટી મળી રહી છે એને ફીયુર્ટા પ્રજાતિ કહેવાય જેનો સ્વાદ ઓછો ક્રીમી હોય છે, એની સ્કિન પાતળી હોવાથી ઇન્ટરનૅશનલી પૉપ્યુલર ‘હાસ’ નામની પ્રજાતિનાં અવાકાડોથી એ સ્વાદ અને દેખાવમાં જુદાં પડે છે. અમે ઑલઓવર ઇન્ડિયા હાસ વરાઇટીનાં અવકાડોની જ સપ્લાય કરીએ છીએ. અત્યારે અમે સપ્લાયની સાથે અવકાડોના હેલ્થ બેનિફિટ્સનું માર્કેટિંગ પણ કરી રહ્યા છીએ. પાંચ વર્ષ દુબઈમાં કામ કર્યા પછી સમજાયું કે આ સૌથી મહત્ત્વના સુપરફૂડમાંનુ એક છે. સૌથી વધુ પોષક તત્ત્વયુક્ત છે અને ભારતમાં એ ૩૬૫ દિવસ મળી રહે એવા પ્રયાસો થવા જોઈએ. એના જ આધારે અમે આ કંપની ચાર વર્ષ પહેલાં શરૂ કરી હતી. આજે તમે જુઓ, લગભગ દરેક મૉલમાં, ઇન્સ્ટન્ટ ડિલિવરી કરતા ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર ૭૦-૮૦ રૂપિયા પર પીસમાં અવકાડો અવેલેબલ છે. ઘણે ઠેકાણે હવે લોકલ સબ્ઝીમંડીમાં પણ અવકાડો લઈને ફેરિયાઓ બેસવા માંડ્યા છે.’
મેક્સિકો સિવાય સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, ઑસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુ ઝીલૅન્ડ, નેધરલૅન્ડ્સ, સ્પેન, પેરુથી પણ બહુ જ મોટા પાયે અવકાડોની નિકાસ થાય છે.
પોષક તત્ત્વોથી ભરપૂર
સામાન્ય રીતે એવું મનાય છે કે સીઝનલ અને રીજનલ ખાઓ. જે ઋતુમાં પ્રકૃતિ જે ખોરાક બનાવે અને જે સ્થાનમાં જે આહાર બનતો હોય ત્યાંના સ્થાનિક લોકોએ એ જ ખાવું. એ દૃષ્ટિએ અવકાડો આપણે ત્યાં નથી બનતું અને હવે સ્ટ્રીટ ફૂડ પર પણ સૅન્ડવિચથી લઈને વડાપાંઉમાં અવકાડોને સ્થાન મળી ગયું છે ત્યારે હેલ્થ માટે એ કેટલું જરૂરી છે એનો જવાબ આપતાં જાણીતાં ન્યુટ્રિશનિસ્ટ યોગિતા ગોરડિયા કહે છે, ‘કોઈ પણ વસ્તુમાં રહેલી ન્યુટ્રિશનલ વૅલ્યુના આધારે એનો ઉપયોગ કરાય તો લાભ જ થાય. આમ તો બટાટા, મરચાં, ટમેટાં જેવી ઘણી વસ્તુ છે જે ભારતમાં નહોતી બનતી પણ બહારથી આવી છે અને હવે આપણા આહારનો હિસ્સો બની ગઈ છે અને હવે આપણે ત્યાં એની મોટા પ્રમાણમાં ખેતી થાય જ છે. અવકાડો હેલ્ધી આઇટમ છે. એમાં મૉનોઅનસૅચ્યુરેટેડ ફૅટ મબલક પ્રમાણમાં છે. ચરબીનું આ હેલ્ધી ફૉર્મ છે જે હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ માટે હિતકારી છે. કેળા કરતાં વધારે પોટૅશિયમ અવાકાડોમાં છે અને એ સિવાય પણ ઘણાં માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ અવાકાડોમાં હોય છે જે હેલ્થની દૃષ્ટિએ ઉપયોગી છે. અતિજરૂરી છે એવું નથી, પણ જો તમારું બજેટ તમને પરમિટ કરે તો અવકાડો અઠવાડિયામાં બે વાર ખાઓ તો લાભદાયી છે. બીજું, અન્ય ફ્રૂટ્સની જેમ અવકાડો એક જ જણ આખું ન ખાઈ શકે. એક અવકાડો આખા પરિવારને થઈ જાય એટલી જ ક્વૉન્ટિટીમાં એ ખાઈ શકાય. એક વ્યક્તિ જો સ્લાઇસ કરો તો બે સ્લાઇસથી વધારે ન ખાઈ શકે અને જો તમે એને મૅશ કરીને એની પેસ્ટ બનાવો તો બે ચમચીથી વધારે ન ખવાય. એને તમે ચટણી કે મિલ્કશેકમાં નાખીને ખાઈ શકો.’
40
૨૦૨૪ના પહેલા છ મહિનામાં આટલા લાખ કિલો અવકાડો ભારતીયો ઓહિયાં કરી ગયા છે.
ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં દબદબો
દાયકાઓ પહેલાં ભારતમાં પહેલવહેલી અવકાડોની પાઠશાલા શરૂ કરનારા અને કઈ રીતે એને તમે ફૂડમાં સામેલ કરી શકો એના પાઠ શીખવનારા સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર અવકાડો વિશે વાત કરતાં કહે છે, ‘અવકાડો એના ક્રીમી ટેસ્ટને કારણે મોટા ભાગના શેફનું ફેવરિટ ઇન્ગ્રીડિઅન્ટ રહ્યું છે. ક્રીમી છે પણ હેલ્ધીયે છે સાથે એ એની ખાસિયત છે. દાયકાઓ પહેલાં અવકાડોનો ઇન્ડિયન વર્ઝનની રેસિપીમાં ઉપયોગ કરીને અમે લોકોને દેખાડ્યું હતું. હવે દુનિયા નાની થઈ છે. લોકો આર્થિક રીતે વધુ સધ્ધર થતા જાય છે અને તેમણે દુનિયા એક્સપ્લોર કરીને ત્યાંના ફૂડને પોતાના રૂટીન ફૂડમાં સ્થાન આપવાનું શરૂ કર્યું છે એટલે અવકાડોનું ગ્લૅમર વધારે રહ્યું છે. જેમ ભારતીય મસાલાઓ દુનિયામાં ગયા અને દુનિયાએ એને અપનાવ્યા એમ દુનિયાના વિવિધ દેશોની ઘણી આઇટમો આપણે ત્યાં પણ આવી છે. હવે જ્યારે મધ્યમવર્ગીય ઘરોમાં પણ અવકાડોને સ્થાન મળી રહ્યું છે ત્યારે એને કટ કરવાની, એને આપણા રોજિંદા આહારમાં સામેલ કરવાની પદ્ધતિ શીખવી જરૂરી છે. અવકાડો સફરજન નથી કે બે ટુકડા કરીને સ્લાઇસ કરીને ખાઈ શકાય. સૌથી પહેલાં તો અવકાડો પાક્યું છે કે નહીં એની સમજણ હોવી જોઈએ. એને કટ કરવાની પણ સ્પેસિફિક રીત છે. બાકી એ સમજાય પછી તમે એને સ્મૂધીમાં નાખી શકો, ચટણીમાં નાખી શકો. થાઇલૅન્ડમાં અવકાડોની નાની સ્લાઇસ કરીને લીંબુ, મરચાં વગેરે નાખીને ચાટ બનાવીને ખવાય છે એમ પણ ખાઈ શકાય. મેં જે અવકાડોની રેસિપી ડેવલપ કરી હતી એમાં અવકાડોની સ્વીટ્સ બનાવી હતી. ચૉકલેટ મૂઝ અવકાડો, અવકાડોનું ફજ, રોસ્ટેડ કબાબ વિથ અવકાડો જેવી ઘણી આઇટમ પૉપ્યુલર થઈ છે. એક વાર ટેસ્ટ ડેવલપ થઈ જાય પછી તો તમે વડાપાંઉની વચ્ચે નાખીને પણ ખાતાં શીખી જશો.’
અબ્દુલ કાદિર મેમણ અને શાહીદ પટકા, ઇમ્પોર્ટર
અવકાડોમાં કયાં પોષક તત્ત્વો હોય?
અવકાડોમાં મૉનોઅનસૅચ્યુરેટેડ ફૅટ એટલે કે શરીર માટે જરૂરી એવી ચરબી ઉપરાંત પ્રોટીન પણ સારી માત્રામાં હોય છે. એ સિવાય A, C, K, E જેવાં વિટામિન્સ, પોટૅશિયમ, મૅગ્નેશિયમ, કૉપર, મૅન્ગેનિઝ જેવાં મિનરલ્સ અને ફાઇબર તથા ઍન્ટિઑક્સિડન્ટ્સથી અવકાડો ભરપૂર હોય છે જે હાર્ટ હેલ્થની સાથે તમારાં સ્કિન, વાળ, મેટાબોલિઝમને સુધારવાથી લઈને ડૅમેજ ટિશ્યુઝને રિપેર કરવામાં પણ ઉપયોગી છે. અવકાડો પાકે પછી જ એને ખાઈ શકાય. પાકી ગયેલા અવકાડો વજનમાં ભારે લાગશે અને એનો રંગ પણ સહેજ ઘેરો થઈ ગયેલો હશે.