ગુરુકૃપાના A1 સમોસા હવે અંધેરીના આંગણે

13 April, 2024 02:14 PM IST  |  Mumbai | Sanjay Goradia

પચીસ રૂપિયાનું આખી હથેળી ભરાઈ જાય એવડું સમોસું, સાથે ફુદીના અને ગોળ-આમલીની ચટણી. બે સમોસા ખાઈ લો એટલે તમારા ત્રણ કલાક ટૂંકા

ગુરુકૃપાના A1 સમોસા હવે અંધેરીના આંગણે

આજે આપણે વાત કરવાની છે સમોસાની. તમને એમ થાય કે સમોસા એટલે સમોસા, એમાં શું વાત કરવાની? પણ ના મિત્રો, એવું નથી. આજે જે સમોસાની વાત કરવાની છે એ સમોસા મુંબઈની ઓળખ સમાન છે. હા, આપણે વાત કરીએ છીએ સાયનમાં આવેલી ગુરુકૃપા રેસ્ટોરાંના સમોસાની.

સાયન-માટુંગાના જ નહીં, મુંબઈભરના કેટલાય લોકો હશે જેઓ ગુરુકૃપામાં જઈ આવ્યા હશે. પચાસ વર્ષ પહેલાં ગુરુકૃપા રેસ્ટોરાં વિશિનદાસ વાધવા નામના ભાઈએ શરૂ કરી હતી. આજે તો હવે તેમના દીકરાઓ રેસ્ટોરાં ચલાવે છે પણ સ્વાદ આજે પણ એવો જ અવ્વલ દરજ્જાનો, એમાં કોઈ ચેન્જ નહીં. બીજી એક વાત, જો તમને ખબર ન હોય તો કહી દઉં કે આપણા મુંબઈનાં મોટા ભાગનાં સિનેમાઘરો, મલ્ટિપ્લેક્સિસમાં જે સમોસા મળે છે એ આ ગુરુકૃપાના જ હોય છે. ગુરુકૃપાના આ સમોસાને A1 બ્રૅન્ડના નામથી પણ ઓળખવામાં આવે છે. મને તો નાનપણથી ફિલ્મોનો શોખ. ફિલ્મ જોવા જાઉં એટલે ઇન્ટરવલમાં અચૂક સમોસા ખાઉં જ ખાઉં એટલે એવું કહું તો જરા પણ ખોટું નહીં કહેવાય કે આ સમોસા ખાઈને હું મોટો થયો છું.

મલ્ટિપ્લેક્સમાં તો આજે આ સમોસા દોઢસો અને બસો રૂપિયામાં મળે છે. હમણાં બન્યું એવું કે મારા ઘર પાસે આ A1 સમોસાની ફ્રૅન્ચાઇઝી શરૂ થઈ. તમને એક્ઝૅક્ટ લોકેશન સમજાવું તો અંધેરી લિન્ક રોડ પર લક્ષ્મી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ છે એની સામે કુબેર અને કાર્તિક નામના બે કમર્શિયલ બિલ્ડિંગ છે, ત્યાં આ A1 સમોસાની નાની રેસ્ટોરાં શરૂ થઈ છે.

ખબર પડી એટલે હું તો ગયો માંહ્યલા બકાસુરને લઈને સમોસા ખાવા. એકદમ ગરમાગરમ અને કરકરા સમોસા. થિયેટરમાં આપણને સમોસા સાથે ચટણી નથી આપતા પણ ત્યાં કેચપની પડીકી આપી દે છે, પણ અહીં તમને સમોસાની સાથે તીખી-મીઠી ચટણી પણ આપે અને થોડા વધારે પૈસા આપો તો સાથે છોલે પણ મળે.

પચીસ રૂપિયે નંગ મળતા આ સમોસા મેં બે લીધા. પહેલું સમોસું મેં ટ્રાય કર્યું ફુદીનાની અને ગોળ-આમલીની ચટણી સાથે, પણ સાચું કહું તો મને મજા ન આવી. ચટણીમાં કોઈ વાંધો નહોતો પણ મને વર્ષોથી A1નું સમોસું લુખ્ખું ખાવાની આદત પડી ગઈ છે એટલે મજા નહોતી આવી. બીજું સમોસું તો મેં બધું પડતું મૂકીને મસ્ત રીતે લુખ્ખું જ ખાધું અને સાહેબ જન્નત. સમોસાને બહુ ધ્યાન રાખીને તળવામાં આવ્યું હતું તો એમાં જે મસાલા હતા એ મસાલાઓનું કૉમ્બિનેશન પણ એટલું અદ્ભુત હતું કે શું કહું? બટાટા એકદમ મૅશ થઈ ગયા હતા અને વટાણા બફાઈ ગયા હોવા છતાં પણ એમાં થોડી ક્રન્ચીનેસ અકબંધ હતી.

એવું નથી કે A1માં માત્ર રેગ્યુલર સમોસા જ મળે છે. ના, A1માં જૈન સમોસા પણ મળે છે તો સાથે કૉર્ન સમોસા, પનીર સમોસા, ચાઇનીઝ સમોસા, પનીર ટિક્કી સમોસા અને પનીર ચિલી સમોસા પણ મળે છે. આ ઉપરાંત અહીં રગડા-પૅટીસ, છોલે-પેટીસ અને દાલ-પકવાન પણ મળે તો ગુરુકૃપાની સિગ્નેચર વરાઇટી એવાં સિંધી કઢી અને રાઇસ પણ મળે છે એટલે જો તમે ખાવાના શોખીન હો અને તમારે છેક સાયન સુધી લાંબા ન થવું હોય તો અંધેરી લિન્ક રોડ પર આ બધી વરાઇટીનો આસ્વાદ માણી શકો છો અને હા, જો બોરીવલી-કાંદિવલી સાઇડ હો તો તમને કહેવાનું કે એ લોકોએ ગોરેગામમાં પણ ફ્રૅન્ચાઇઝી શરૂ કરી છે, જેનું ઍડ્રેસ ગૂગલબાબા આપશે.

જાઓ અને જલસા કરો, કારણ કે ખાધું-પીધું જ સાથે ખભે આવતું હોય છે. 

આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે.

Sanjay Goradia street food Gujarati food mumbai food indian food life and style columnists