ખમણ હાઉસમાં જઈને તમે ખમણ ન ખાઓ એ કેમ ચાલે?

08 June, 2025 06:59 AM IST  |  Mumbai | Sanjay Goradia

મારે ખાવી હતી બટાટાપૂરી પણ બ્રાહ્મણ ખમણ હાઉસ નામ આવ્યું કે મેં નક્કી કરી લીધું કે બટાટાપૂરી સાથે હવે હું ખમણ પણ ખાઈશ જ.

બ્રાહ્મણ ખમણ હાઉસ

હમણાં અમારી ફૉરેનની ટૂરની સીઝન શરૂ થઈ છે. આવતા અઠવાડિયે અમારા નાટક ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’ લઈને અમે કૅનેડા જઈએ છીએ એટલે નેક્સ્ટ વીક તો આપણે કૅનેડાની ફૂડ-ડ્રાઇવની ચર્ચા કરવાના જ છીએ તો સાથોસાથ ત્યાં અત્યારે વાતાવરણ કેવું છે એના વિશે પણ જાણવાની કોશિશ કરી, પણ એની પહેલાં વાત કરીએ સુરતની ફૂડ-ડ્રાઇવની. બન્યું એમાં એવું કે કૅનેડા જતાં પહેલાં અમારે ગુજરાતના ત્રણ શોની એક નાનકડી ટૂર કરવાની હતી, જેમાં બીજો શો અમારો સુરતમાં હતો.

સુરતમાં મેં મારા સાથી કલાકાર નીલેશ પંડ્યાને કહ્યું કે નીલેશ, આપણે રેલવે- સ્ટેશનની સામે મળતી બટાટાપૂરી ખાવા જઈએ. એ બટાટાપૂરી વિશે મેં અહીં અગાઉ વાત કરી લીધી છે એટલે આ વખતે હું તમારા માટે નહીં, મારા માટે એ બટાટાપૂરી ખાવા જવાનો હતો. નીલેશ પણ તરત જ તૈયાર થઈ ગયો અને અમે લોકો જવાની તૈયારી કરવા લાગ્યા પણ ત્યાં જ અમારા નાટકના ઑર્ગેનાઇઝર વસીમ જરીવાલા મને કહે કે તમારે બટાટાપૂરી જ ખાવી હોય તો તમે બ્રાહ્મણ ખમણ હાઉસમાં જાઓ, મજા આવશે.

આ બ્રાહ્મણ ખમણ હાઉસ વરાછા વિસ્તારમાં આવેલું છે અને વરાછા કાઠિયાવાડી અને હીરાઘસુઓનું હબ કહેવાય છે. અહીં અનેક નાનીમોટી ફૂડની આઇટમ મળી રહે કારણ કે સુરતીઓ જેટલા જ ખાવાના શોખીન કાઠિયાવાડીઓ છે.

રેલવે-સ્ટેશનથી વરાછા વિસ્તાર ખાસ કંઈ દૂર નહીં એટલે અમે નક્કી કર્યું કે સ્ટેશનની સામે આવેલી નહીં પણ વરાછામાં આવેલી બટાટાપૂરી ખાવા માટે જઈએ. બ્રાહ્મણ ખમણ હાઉસ અહીં ખાસ્સું ફેમસ છે. ગૂગલ મૅપ પર પણ એ આસાનીથી મળી જાય છે એટલે તમારે જવું હોય તો ગૂગલબાબાનો લાભ લઈ શકો છો.

બ્રાહ્મણ ખમણ હાઉસમાં અમે ગયા હતા બટાટાપૂરી ખાવા પણ મેં સાથોસાથ ઑર્ડર કરી દીધાં ખમણ પણ. કારણ સમજાવું. જે દુકાનના નામમાં જ ખમણ શબ્દ આવે છે એ દુકાને જઈને તમે એ જ વરાઇટીની ટ્રાય ન કરો તો મૂર્ખ ગણાઓ. મને એમ કે બટાટાપૂરી કરતાં અહીંનાં ખમણ વધારે સ્વાદિષ્ટ હશે પણ સાહેબ, બન્ને વરાઇટી ખાધા પછી હું સાચે જ મૂંઝાઈ ગયો કે કોને સોએ સો માર્ક્સ આપવા. બટાટાપૂરીની વાત કરું તો એની સાથે કઢી ચટણી, મરચાં અને ગ્રીન ચટણી પણ આવ્યાં. બટાટાપૂરી એકદમ ક્રિસ્પી, તમને એમ ને એમ પણ ભાવે અને જો તમે કઢી ચટણી સાથે ખાઓ તો એનો સ્વાદ બદલાઈ જાય અને જો તમે ગ્રીન ચટણી સાથે ખાઓ તો એનો સ્વાદ ફરી બદલાઈ જાય. મજાની વાત એ કે દરેક વખતે સ્વાદ નવી ઊંચાઈઓ આંબે.

ખમણ પ્યૉર વાટી દાળનાં અને એકદમ સૉફ્ટ. તમને બસ, ખાધા કરવાનું જ મન થાય અને એવું જ લાગે કે બસ ખાધા જ કરીએ, ખાધા જ કરીએ. સુરતનાં ખમણ આટલાં સરસ શું કામ હોય છે એનું કારણ મને આજ સુધી સમજાયું નથી. એ પછી તો અમે ભજિયાં પણ મગાવ્યાં અને ભજિયાંમાં પણ આ બ્રાહ્મણ ખમણ હાઉસને સોમાંથી સો માર્ક્સ મળ્યા. મેથીના ગોટાની વાત કરું તો સાહેબ, તમે એ ખાઓ એટલે સહેજ અમસ્તી મેથીની કડવાશ રીતસર તમને ગળામાં સ્પર્શે. જગ્યાનું નામ નહીં આપું પણ રાજકોટમાં એક જગ્યાએ મેથીના ગોટા બહુ પૉપ્યુલર છે. ટેનિસના બૉલ જેવડી સાઇઝનો એક પીસ હોય પણ એ ગોટામાં મેથીની ભાજીને બદલે ગદબ (ઘોડાને ખવડાવે એ) નાખવામાં આવે. ગદબ શરીર માટે સારું જ છે પણ મેથીના ગોટામાં ગદબ? આ વાત મને ગળે નથી ઊતરતી.

બ્રાહ્મણ ખમણ હાઉસની વાત કરું તો ત્યાં મેથીના ગોટા ત્યાં સુધી જ મળે જ્યાં સુધી મેથીની ભાજીનો સ્ટૉક હોય, પછી એ લોકો ઑર્ડર લેવાનું બંધ કરી દે. આ જે ચીવટ છે, આ જે ક્વૉલિટી માટેનો આગ્રહ છે એ દરેકેદરેક વેપારીએ રાખવો જોઈએ એવું મને લાગે છે. જોગાનુજોગ જુઓ, આજે આ કહું છું ત્યારે ફૂડ-સેફ્ટી ડે છે. ઍનીવેઝ, સુરત જવાનું બને તો બ્રાહ્મણ ખમણ હાઉસમાં જજો અને એ પણ પેટમાં બરાબર જગ્યા કરીને, કારણ કે અહીં મળતો આ બધો નાસ્તો પણ પેટ ભરીને ખાવાનું મન થાય એવો છે.

gujarati community news gujaratis of mumbai Gujarati food gujarati mid-day gujarati inflluencer gujarat international travel food food and drink food news food fun filmstar street food mumbai food indian food