08 February, 2026 02:16 PM IST | Mumbai | Laxmi Vanita
આ ગ્રામીણ મહિલાએ બકરીના દૂધમાંથી સાબુ બનાવીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવી છે
ગ્રામીણ જીવન બહારથી શાંત અને સરળ લાગતું હોય છે પરંતુ એની અંદર સતત સંઘર્ષ છુપાયેલો હોય છે. વહેલી સવારથી લઈને સૂર્યાસ્ત સુધીની કઠોર મહેનત છતાં રોજગારની કોઈ ખાતરી નથી, આવક મોસમ પર નિર્ભર છે અને જીવનજરૂરિયાતો ઘણી વાર અધૂરી રહી જાય છે. ખેતરમાં કામ, મજૂરી, ઘરકામ અને પરિવારની જવાબદારી આ બધું એકસાથે ઉઠાવતી ગ્રામીણ મહિલાઓ માટે જીવન ખાસ કરીને વધુ મુશ્કેલ બને છે. એમાંય ક્યારેક કામ હોય અને ક્યારેક ન પણ હોય, દિવસ કેવી રીતે પૂરો થશે અને ઘર કેવી રીતે ચાલશે એની સતત ચિંતા પણ રહેતી હોય છે. અનિયમિત કામ, ઓછું વેતન અને મર્યાદિત અવસરો વચ્ચે જ્યારે કોઈની સફળતાની કહાની રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે ત્યારે લોકોનું ધ્યાન તેમના કઠિન જીવન તરફ જાય છે. એમાંય જો મહિલા ગામનું નામ રોશન કરે ત્યારે તો શહેર અને ગામની મહિલાઓને જાણે પ્રેરણાબળ મળી જાય છે. બકરીના દૂધ જેવી સામાન્ય લાગતી વસ્તુમાંથી ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના મઝીગાંવ ચૌબેની સંજુ કુશવાહાએ આત્મનિર્ભરતાનો રસ્તો શોધ્યો અને એ રસ્તો આજે અનેક ઘરો સુધી પહોંચ્યો છે. તેમણે સાહસ, તાલીમ અને સહકારના બળ પર એક અનોખો વ્યવસાય ઊભો કર્યો. ઘરેથી શરૂ થયેલું આ કાર્ય આજે ગામની બહાર સુધી ઓળખાયું છે અને મહિલાઓને સાથે લઈને આગળ વધવાનું ઉદાહરણ બની રહ્યું છે. જાણીએ તેમની શરૂઆતના સંઘર્ષથી સફળતા સુધીની કહાની.
કેવી રીતે બને છે સાબુ?
આ સાબુ બનાવવામાં મુખ્ય સામગ્રી બકરીનું દૂધ, ગ્લિસરીન અને નારિયેળનું તેલ છે. ટિનના મોટા તપેલામાં પાણી ગરમ કરીને એની અંદર સ્ટીલની તપેલીમાં ગરમ કરેલું દૂધ મૂકવામાં આવે છે. ત્યાર બાદ એમાં અન્ય સામગ્રી નાખવામાં આવે છે. ત્યાર બાદ આ મિશ્રણને સાબુના મોલ્ડમાં નાખવામાં આવે છે અને સૂકવવામાં આવે છે. સાબુને તૈયાર થતાં બેથી ત્રણ દિવસ લાગે છે. ત્યાર બાદ હાથ દ્વારા જ સાબુનું પૅકિંગ કરવામાં આવે છે.
ગામમાં પ્રસરી બકરીના દૂધના સાબુની સુગંધ
ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના રૉબર્ટ્સગંજ બ્લૉકના મઝીગાંવ ચૌબેમાં સંજુ કુશવાહા એક કૃષિ મજૂર તરીકે જીવનનિર્વાહ માટે સંઘર્ષ કરી રહ્યાં હતાં. નારીસશક્તીકરણ અને ગ્રામીણ વિકાસ માટે આજે કેટલીયે સરકારી યોજનાઓ ઉપલબ્ધ છે અને એની સાથે અનેક NGO અને સેલ્ફ-હેલ્પ ગ્રુપ એટલે કે સ્વસહાય સમૂહ કામ કરી રહ્યા છે. એમાં તિરંગા પ્રેરણા ગ્રામ સંગઠન હેઠળના બજરંગબલી સ્વસહાય સમૂહમાં સંજુ કુશવાહાનું જોડાવાનું થયું. અહીંથી તેમના અને તેમના ગામની મહિલાઓના જીવનની દિશા બદલાઈ ગઈ. સ્વસહાય સમૂહ તરફથી મળેલી તાલીમ અને માર્ગદર્શન સાથે સંજુ અને તેમના સમૂહની મહિલાઓએ અંદાજે ત્રણ વર્ષ પહેલાં બકરીના દૂધમાંથી સાબુ બનાવવાનું કાર્ય શરૂ કર્યું.
સોનભદ્ર જિલ્લામાં બકરીપાલન બહુ જ સામાન્ય છે. બકરીનું દૂધ સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક હોય છે અને એક લીટર દૂધની કિંમત અંદાજે ૩૦૦થી ૪૦૦ રૂપિયા હોય છે. કોવિડ સમયે લગભગ આ કિંમત બમણી થઈ ગઈ હતી. ગામમાં બકરીનું દૂધ સરળ રીતે ઉપલબ્ધ છે. સરકારી સહાય દ્વારા આ મહિલાઓને બકરીના દૂધનો અન્ય કઈ રીતે ઉપયોગ કરી શકાય એની ટ્રેઇનિંગ આપવામાં આવી. ઘણી મહિલાઓને ટ્રેઇનિંગ આપવામાં આવી હતી પરંતુ એમાંથી અમુકે જ આ કામને આગળ વધાર્યું અને એમાં સંજુ મોખરે હતાં. શરૂઆતમાં જ્યારે બકરીના દૂધમાંથી સાબુ બનાવવાની વાત કરતાં ત્યારે લોકો સાંભળીને જ હસતા અને મજાક ઉડાવતા હતા. એ જ સાબુ જ્યારે લોકો વાપરવા લાગ્યા ત્યારે લોકોને પસંદ આવવા લાગ્યો. જે લોકો સાબુ વાપરતા તેઓ બીજાને પણ વાપરવાની ભલામણ કરતા. કોઈ પણ પ્રકારના પ્રચાર વગર માત્ર લોકો દ્વારા લોકો સુધી આ સાબુને પહોંચવામાં એક વર્ષ લાગી ગયું. સાબુનો પ્રચાર થયો એટલે કામ વધ્યું અને કામ વધ્યું એટલે ગામની વધારે મહિલાઓ એમાં જોડાઈ. તેમને ટ્રેઇનિંગ આપવાનું કામ સંજુએ કર્યું હતું.
સાબુના નામનો ઇતિહાસ
સોનભદ્ર જિલ્લામાં બનતો હોવાથી આ સાબુનું નામ Son Goat Milk Soap છે. પહેલાં આ સાબુનું નામ સોનસખી રાખવામાં આવ્યું હતું પરંતુ એ નામ લોકોમાં પ્રચલિત નહોતું થયું. લોકોને પ્રશ્ન થતો હતો કે સોનસખી કઈ બ્રૅન્ડ અને શું છે. એટલે પ્રોડક્ટ અને બ્રૅન્ડ બન્નેમાં કન્ફ્યુઝન થતું હતું. અંતે નામ અને પૅકેજિંગ બન્ને બદલી નાખ્યાં. અંગ્રેજીમાં નામ રાખ્યું એટલે લોકો આ બ્રૅન્ડથી વધારે પ્રભાવિત થઈ ગયા. એના કારણે હાલ આ સાબુનું વેચાણ પણ સારું થઈ રહ્યું છે.
સાબુની માગ જર્મની સુધી પહોંચી
ઑનલાઇન હાલ બકરીના દૂધના સાબુના ફાયદાનાં ગુણગાન ગવાઈ રહ્યાં છે. આ સાબુની માગ વધવાનું એ પણ એક કારણ હોઈ શકે છે. સંજુએ શરૂઆતમાં જ્યારે સાબુ બનાવ્યો ત્યારે એક વિસ્તાર સુધી મર્યાદિત રહ્યો પરંતુ રાષ્ટ્રીય સ્તરે દિલ્હીમાં યોજાનાર સરસ આજીવિકા મેળા જેવી ઇવેન્ટમાં આ સાબુ લોકોના ધ્યાનમાં આવ્યો. ગયા વર્ષે તેમને એકસાથે પાંચ હજાર સાબુ બનાવવાનો એટલે પહેલી વખત એકસાથે દોઢ લાખ રૂપિયાનો ઑર્ડર મળ્યો હતો. આટલો મોટો ઑર્ડર તૈયાર કરવામાં આશરે પાંચથી ૬ દિવસ લાગે છે. આ સ્વયંસહાય જૂથ સાથે એક મહિલા જોડાયેલી છે જે અહીંના માલસામાનને વિદેશમાં લઈ જાય છે જેના કારણે આ સાબુ જર્મની સુધી પહોંચી ગયો અને ત્યાંથી પણ ઑર્ડર આવવા લાગ્યા. છેલ્લાં બે વર્ષમાં સંજુએ ૨૦,૦૦૦થી વધુ સાબુનું વેચાણ કર્યું છે, જેમાંથી તેમણે અંદાજે બે લાખ રૂપિયાની આવક મેળવી છે. દર મહિને ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ રૂપિયા સુધીની આવક થવાથી તેઓ પોતાના પરિવારનું જીવનસ્તર સુધારી શક્યાં છે અને તેમનાં બાળકોને સારી ગુણવત્તાનું શિક્ષણ પણ મળી રહ્યું છે. આજે તેઓ અન્ય મહિલાઓને માર્ગદર્શન આપી રહ્યાં છે અને સહકાર તથા સ્વાવલંબનની ભાવના વિકસાવી રહ્યાં છે. એક ગ્રુપ બકરીનું દૂધ એકઠું કરે તો બીજું ગ્રુપ સાબુ બનાવે તો ત્રીજું ગ્રુપ પૅકેજિંગનું કામ કરે એમ સાથે મળીને મહિલાઓ કામ કરે છે. તાજેતરમાં સંજુ કુશવાહાને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ ગ્રામ વિકાસ મંત્રી દ્વારા પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન સન્માનિત કરવામાં આવ્યાં હતાં જે તેમની સિદ્ધિઓની રાષ્ટ્રીય સ્તરે ઓળખ છે.