હમ હૈં સેમ ટુ સેમ!

31 March, 2023 05:01 PM IST  |  Mumbai | Varsha Chitaliya

હસબન્ડ-વાઇફ મૅચિંગ આઉટફિટ્સ પહેરે એ હવે જૂનું થઈ ગયું. આજકાલ સાસુ-વહુ, નણંદ-ભોજાઈ, દેરાણી-જેઠાણી, દાદી-પૌત્રી, કઝિન્સ અથવા આખી ફૅમિલી કલર ઍન્ડ પ્રિન્ટ કો-ઑર્ડિનેશન સ્ટાઇલ ફૉલો કરવા લાગ્યાં છે ત્યારે આ ક્રેઝીનેસ પાછળના સીક્રેટને જાણીએ

મૃગા ગાલાના ફૅમિલીનો ઍરપોર્ટ લુક

બે-ત્રણ દાયકા અગાઉ પરિવારના સભ્યો એકસરખા ડ્રેસિસ પહેરતા ત્યારે તેમના પર બૅન્ડવાજાવાળાનું લેબલ લાગી જતું. છેલ્લાં થોડાં વર્ષથી સિનારિયો ચેન્જ થયો છે. પહેલાં તો પ્રસંગોપાત્ત હસબન્ડ-વાઇફ મૅચિંગ ડ્રેસ પહેરે એવો કન્સેપ્ટ સ્ટાર્ટ થયો. સમયાંતરે એમાં પરિવર્તનનો દોર શરૂ થયો. લગ્નપ્રસંગોમાં, આઉટિંગમાં કે ઘરમાં ટ્વિન કિડ્સ, મૉમ-ડૉટર, ફાધર-સન અથવા આખી ફૅમિલી એક જ કલર અથવા પ્રિન્ટના આઉટફિટ્સ પહેરવા લાગ્યાં. આજકાલ સાસુ-વહુ, નણંદ-ભોજાઈ, દેરાણી-જેઠાણી પણ ટ્રેન્ડ ફૉલો કરે છે. ફૅશન-ડિઝાઇનરો એને કલર કો-ઑર્ડિનેશન સ્ટાઇલ કહે છે. મનોચિકિત્સકો અને રિલેશનશિપ એક્સપર્ટ્સ આ કન્સેપ્ટને ફૅમિલી બૉન્ડિંગ માટેની પૉઝિટિવ સાઇન માને છે ત્યારે એકસરખો લુક પસંદ કરવાનું સીક્રેટ જાણવા મળીએ કેટલાક મુંબઈગરાઓને.

ક્રેઝી ફૅમિલી

બોરીવલીનાં મૃગા ગાલા કહે છે, ‘હું અને વિમેશ ડેટ કરતાં હતાં ત્યારથી મૅચિંગ આઉટફિટ્સનો ક્રેઝ હતો. એ વખતે આજની જેમ સહેલાઈથી મૅચિંગ આઉટફિટ્સ મળતા નહોતા તેથી ઘણી વાર એક જ તાકામાંથી ડ્રેસ સીવડાવ્યા છે. સર્કલમાં બધા કહેતા, આ છોકરી ઘેલી થઈ ગઈ છે. મજાની વાત એ કે મારી ઠેકડી ઉડાવનારાઓ પછી મને જ ફૉલો કરવા લાગ્યા.’ 

સ્ટાઇલિંગ વિશે વાત કરતાં તેઓ કહે છે,  ‘લગ્ન પહેલાં શરૂ થયેલો સિલસિલો હજીયે અકબંધ રાખ્યો છે. ફરક એટલો કે હવે અમે બે જ નહીં, ચારેય જણ મૅચિંગ કરીને નીકળીએ છીએ. આઉટિંગ વખતે એક્સટેન્ડેડ ફૅમિલી પણ અમારી સાથે જોડાઈ જાય. વેકેશન પર જઈએ ત્યારે વેસ્ટર્ન અને પ્રસંગોમાં ટ્રેડિશનલ આઉટફિટ્સ મૅચ કરીએ. ક્રેઝી હોવાની સાથે હું ક્રીએટિવ પણ છું તેથી એક્સપરિમેન્ટ્સ કરવાનું ખૂબ ગમે. જાતે ડિઝાઇન કરવાથી મૅચિંગ ડ્રેસિસમાં પસર્નલાઇઝ્ડ ટચ દેખાય છે. થોડા સમય અગાઉ ઍરપોર્ટ લુક માટે ૧૩ જણનાં ટી-શર્ટ ઑર્ડર કરીને બ્લીચથી સ્પ્રે કરી ઍરોપ્લેનના કટઆઉટ પેઇન્ટ કર્યાં હતાં. સિંગલ કલરથી અમે લોકો બોર થઈ જઈએ છીએ તેથી જેટલા દિવસ ફરવાના હોઈએ એટલા કલરના મૅચિંગ ડ્રેસ લઈ જવાના.

ટીનેજ સનને પર્ટિક્યુલર સ્ટાઇલના લૂઝ ક્લોથ્સ ગમે છે તો તેની પસંદ પ્રમાણે મૅચ કરી લઈએ. નિયૉન પિન્ક, નિયૉન ગ્રીન જેવા અતરંગી કલર્સ એક્સપ્લોર કરવાનો ક્રેઝ છે. કલર્સ અને પ્રિન્ટમાં એટલું બધું એક્સપ્લોર કર્યું છે કે અમારા સ્વિમિંગ કૉસ્ચ્યુમ બાય ડિફૉલ્ટ મૅચ થઈ ગયા છે.’

કૉપી કરવામાં અવ્વલ

ધિયા અને મિશા ચિતલિયાનો સ્ટાઇલિશ લુક

ચોથા ધોરણમાં અભ્યાસ કરતી બોરીવલીની ધિયા ચિતલિયા અને મિશા ચિતલિયા આમ તો કઝિન બહેનો છે પણ ઉંમરમાં માત્ર પંદર દિવસનો ફરક હોવાથી ટ્‍વિન ચાઇલ્ડની જેમ એકબીજાની કૉપીકેટ છે. ૧૦ વર્ષની આ નખરાળી સિસ્ટર્સે પોતાની મમ્મીને સ્ટ્રિક્ટ્લી કહી દીધું છે કે અમારા માટે સેમ ટુ સેમ ડ્રેસિસની શૉપિંગ કરવાની. સ્ટાઇલિંગમાં અમને કોઈ ન પહોંચે એવી વાત કરતાં તેઓ કહે છે, ‘ડાન્સ હોય કે બર્થ-ડે પાર્ટી, વેકેશન પર જવાનું હોય કે વીકએન્ડ મસ્તી, અમે એકસરખા આઉટિફટ્સ જ પહેરીએ. મન થાય તો ઘરમાં પણ સેમ ટુ સેમ લુકમાં ધમાચકડી કરવાની. બહુ નાનાં હતાં ત્યારથી આ ટ્રેન્ડ ફૉલો કરીએ છીએ. મૅરેજની ઇવેન્ટ્સમાં, કિટી પાર્ટીમાં અને ફ્રેન્ડ્સ સાથે આઉટિંગમાં જતી વખતે અમારી મમ્મીઓને કો-ઑર્ડિનેશન સ્ટાઇલ ફૉલો કરતાં જોઈને અમને આકર્ષણ થયું. એમાંય અમારી એજ સેમ હોવાથી મૅચિંગ કરીએ ત્યારે યુનિકનેસ લાગે છે. સ્કૂલના પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરીએ ત્યારે પણ આ વાતનું ધ્યાન રાખીએ. વનપીસ ડ્રેસ, ફ્રૉક, ટી-શર્ટ, પૅન્ટ્સ એમ બધી ટાઇપના ડ્રેસિંગમાં મૅચિંગ કર્યું છે. આઉટફિટ્સ ઉપરાંત હેર ઍક્સેસરીઝ અને શૂઝ સરખાં હોવાં જોઈએ. અમારા ફેસ જુદા છે પણ સ્ટાઇલિંગના કારણે ટ્વિન સિસ્ટર્સ હોઈએ એવું હાઇલાઇટ થાય અને કૉમ્પ્લીમેન્ટ્સ મળે છે.’

આ પણ વાંચો;  ગરમીની આ સીઝનમાં ફ્લોરલ ઇઝ ફેવરિટ

ફેસ્ટિવ વાઇબ્સ

મહત્તી મહેતા ફૅમિલી સાથે

કાંદિવલીની મહેતા ફૅમિલીને તહેવારોમાં મૅચિંગ કરવાનો જબરો ક્રેઝ છે. કલર કૉમ્બિનેશનમાં પર્ફેક્શન લાવવા તેમ જ દર વખતે નવું ઍટ્રૅક્શન ઊભું કરવાની બાબતમાં તેઓ ખાસ્સા ચીકણા છે. આ બાબત વાત કરતાં મહત્તી મહેતા કહે છે, ‘લગ્નપ્રસંગો અને અન્ય ઇવેન્ટ્સમાં આજકાલ થીમ કલ્ચર પૉપ્યુલર થઈ ગયું છે. ટ્રેન્ડ સેટ થઈ ગયો એટલે મૅચિંગ કરવામાં હું નથી માનતી. થીમમાં રહેવા ફૉલો કરીએ પણ એ હવે રૂટીન જેવું લાગે છે. લવ બૉન્ડિંગ શૅર કરવા માટે ફંક્શન્સ કરતાં ફેસ્ટિવલમાં મૅચિંગ કરવાનો અમને વધારે શોખ છે. બન્ને દીકરીઓની સાઇઝમાં એકસરખા ડ્રેસિસ મળી જતા હોવાથી અવારનવાર મૅચિંગ કરી લઈએ, પરંતુ દિવાળી જેવા તહેવારમાં આખો પરિવાર એક કલરના આઉટફિટ્સ પહેરે ત્યારે અનેરો આનંદ થાય. ફેસ્ટિવ સીઝનમાં કલર કૉમ્બિનેશનના કારણે ભીડમાં પણ અમારી ફૅમિલી અલગ તરી આવે. ઇક્વૉલિટીનો મેસેજ પાસઑન થાય અને પૉઝિટિવ વાઇબ્સ મળે. 

અમારું ફોકસ કલરમાં વેરિએશન ઍડ કરવા પર હોય તેથી દર વર્ષે જુદો રંગ પસંદ કરીએ. પ્રિન્ટ સેમ હોવી જોઈએ એવો આગ્રહ ઓછો રાખીએ. જોકે એમાંય મોટા ભાગે મૅચિંગ થઈ જાય છે. ગયા વર્ષે વાઇટ અને રેડ કલર્સ એક્સપ્લોર કર્યા હતા.’ 

ટ્રેન્ડ ક્યારે સ્ટાર્ટ થયો?

કોરિયન ટીવી સ્ટાર્સની પૉપ્યુલરિટીના કારણે કિયો-પિઝોલ લુક (કપલનો મૅચિંગ ડ્રેસ) સૌથી પહેલાં દક્ષિણ કોરિયામાં સ્ટાર્ટ થયો હતો. 

ત્યાર બાદ યંગ જનરેશને એને અડૅપ્ટ કર્યો. એશિયન દેશોમાં આ કન્સેપ્ટ ફૅશન ટ્રેન્ડ બની જતાં ફૅશન-ડિઝાઇનરોએ અને સેલેબ્સે પોતાના આઇડિયાઝથી એમાં ઇનોવેશન્સ ઍડ કરવાનું શરૂ 
કરી દીધું. અનેક બ્રૅન્ડે એકસરખા આઉટફિટ્સ ડિઝાઇન કરી માર્કેટમાં લૉન્ચ કરતાં કૉમન પીપલમાં પણ ટ્રેન્ડ સેટ થઈ ગયો.  

દાદીમા-નાનીમાને કૉપી કરે

વ્યોમા શાહ દાદીમા સાથે

કાંદિવલીની ૧૦ વર્ષની વ્યોમા શાહને દાદીમા જયશ્રીબહેન અને નાનીમા પુષ્પા ચિતલિયાએ જે રંગની સાડી પહેરી હોય એવા જ રંગનાં ફ્રૉક પહેરવાં હોય. આ ઉંમરે આવી સમજણ કઈ રીતે વિકસી એ સંદર્ભે વાત કરતાં વ્યોમા કહે છે, ‘દાદીમા અને નાનીમાને અપ ટુ ડેટ રહેવું બહુ ગમે. ઘરમાં પણ સરસ તૈયાર થઈને રહે. તેમના કબાટમાં સાડીઓનું સુપર કલેક્શન છે. દાદીમા મારાં ફેવરિટ છે અને હું તેમની બેસ્ટ ફ્રેન્ડ છું. એક દિવસ તેઓ બાથ લેવા ગયાં ત્યારે નાહીને કેવા રંગની સાડી પહેરવાનાં છે એ જોઈ લીધું. મારી પાસે સેમ કલરનું ફ્રૉક હતું તેથી ફન ક્રીએટ કરવા મૅચિંગ કરી લીધું. બધાએ અમને કૉમ્પ્લીમેન્ટ્સ આપ્યાં એટલે મજા પડવા લાગી. મેં તેમને કહ્યું, ચાલો આપણે મૅચિંગ-મૅચિંગવાળી ગેમ રમીએ. જોકે દરરોજ પૉસિબલ નથી. સ્કૂલ હોય ત્યારે યુનિફૉર્મ પહેરવા પડેને! ઘરે આવીને કોઈક વાર યાદ આવે તો ક્યારેક ભૂલી જવાય, પરંતુ વીકએન્ડમાં તેમને કૉપી કરું છું. નાનીમા પાસે કેવા રંગની સાડીઓ છે એ પણ જોઈ લીધું. મામાના ઘરે રહેવા જાઉં ત્યારે તેમની સાથે મૅચિંગ કરી લેવાનું. આમ કરવાથી વડીલો ન્યુ ટ્રેન્ડને અડૅપ્ટ કરતાં શીખે છે અને તેમને હૅપી રાખવાનો બચ્ચાઓનો પર્પઝ પણ સૉલ્વ થઈ જાય છે.’

columnists fashion news fashion Varsha Chitaliya