તમે પણ સ્લગિંગ કરી શકો છો

16 January, 2024 08:29 AM IST  |  Mumbai | Jigisha Jain

આ છે ટિકટૉક પરનો નવો બ્યુટી ટ્રેન્ડ, જેમાં રાતે સૂતાં પહેલાં ત્વચા પર પેટ્રોલિયમ જેલી જેવું ઑક્યુલન્ટ લગાવી રાખવાથી સવારે ઊઠો ત્યારે સ્કિન મૉઇશ્ચરથી લચીલી અને ચમકીલી બનતો હોવાનો દાવો થાય છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં આપણને ડ્રાયનેસની તકલીફ બહુ ઓછી જોવા મળે છે કેમ કે અહીં એટલી ઠંડી નથી પડતી. એવામાં આપણે ત્વચાને ઑઇલ બેઝ્ડ ક્રીમથી મૉઇશ્ચર કરવાની જરૂર નથી. વૉટર બેઝ્ડ મૉઇશ્ચરાઇઝર ત્વચાને બહારથી હાઇડ્રેશન પૂરું પાડે છે. રાતે નાઇટ ક્રીમ અને સવારે નાહીને વૉટર બેઝ્ડ મૉઇશ્ચરાઇઝર લગાવવાથી ડ્રાયનેસની તકલીફ મુંબઈગરાઓને ઝાઝી નડતી નથી. જોકે આજકાલ સ્લેગિંગ ટ્રેન્ડમાં છે. અમેરિકન બોર્ડ સર્ટિફાઇડ પ્લાસ્ટિક સર્જ્યન ડૉ. એલેક્સિસ પાસેલ્સ સ્લગિંગ ટેક્નિક વિશે કહે છે, ‘પેટ્રોલિયમ જેલી જેવા હેવી ડ્યુટી ઑક્લુઝિવનું લેયર ત્વચા પર બનાવવાથી ત્વચાને અપાયેલું પોષણ અંદર સુધી ઊતરે છે. નાઇટ રૂટીનમાં ચહેરો ફેસવૉશથી સાફ કરીને નાઇટ ક્રીમ લગાવીને એની ઉપર પેટ્રોલિયમ જેલી લગાવવાની હોય છે. એ ત્વચા પર સ્લગ એટલે કે જાડું લેયર બનાવે છે અને એટલે આ પ્રક્રિયાને સ્લગિંગ કહે છે. આજકાલ એ ટ્રેન્ડ ફરીથી ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે.’

અમેરિકાની મૅક્ગિલ યુનિવર્સિટીની ક્લિનિકલ કૉસ્મેટિક કેમિસ્ટ શાર્લટ પલર્મિનોનું કહેવું છે કે પેટ્રોલિયમ જેલીનો જો વાઇઝલી ઉપયોગ કરવામાં આવે તો એ ત્વચાને નૅચરલી હીલ થવા પ્રરે છે અને ચમકીલી અને સ્વસ્થ ત્વચા બને છે. 

હૉલીવુડ ઍક્ટ્રેસ મૅરિલિન મનરો પણ પોતાની ત્વચાને સૉફ્ટ રાખવા માટે રાતે સૂતાં પહેલાં ચહેરા અને હાથ-પગ પર સરસ રીતે સ્લગિંગ કરતી હતી. આ જ તેની ચમકીલી ત્વચાનું રહસ્ય હતું. આપણે મોટા ભાગે હોઠ માટે અથવા તો પગમાં પડેલા વાઢિયા માટે જ પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરીએ છીએ. બૉડીની બાકી ત્વચાને સૉફ્ટ રાખવા માટે આપણે ઇમોલિયન્ટ મૉઇશ્ચરાઇઝર્સ વાપરીએ છીએ. આ મૉઇશ્ચરાઇઝર્સમાં રહેલાં કેમિકલ્સ ઉપરની ત્વચાને સૉફ્ટ બનાવવાનું કામ કરે છે. જોકે પેટ્રોલિયમ જેલી એની સરખામણીમાં ખૂબ સસ્તી, ટકાઉ અને નૅચરલી ત્વચાને મૉઇશ્ચર રાખવાનું કામ કરે છે. 

સ્લગિંગમાં કેવી જેલી વપરાય? |  સ્કિન-કૅર માટે ઑક્લુઝિવ, ઇમોલિયન્ટ, હાઇડ્રો-ઇમોલિયન્ટ એમ વિવિધ પ્રકારનાં મૉઇશ્ચરાઇઝર્સ આવે છે. કેટલાંક જેલ બેઝ્ડ હોય, કેટલાંક ક્રીમ બેઝ્ડ હોય તો કેટલાંક વૉટર બેઝ્ડ. ત્વચામાં પૂરતું મૉઇશ્ચર ટકે તો જ એ સ્વસ્થ અને ગ્લોઇંગ દેખાઈ શકે છે. ત્વચા આપમેળે હીલ થાય એ માટે પણ એમાં પૂરતું હાઇડ્રેશન હોવું જરૂરી છે. પેટ્રોલિયમ જેલી ઑક્લુઝિવ મૉઇશ્ચરાઇઝર છે. આ એક પ્રકારનાં મિનરલ ઑઇલ્સનું મિશ્રણ છે જેમાં  હાઇડ્રોકાર્બન્સનું મિશ્રણ હોય છે. ઑક્લુઝિવ હોવાથી ત્વચા પર લગાવવાથી એક પરત જેવું બની જાય છે. આ પરત ત્વચાના ઉપરના આવરણને લૉક કરી દે છે. પેટ્રોલિયમ જેલીમાં ઑક્યુલન્ટ ગુણ હોવાથી ત્વચાની અંદર રહેલું મૉઇશ્ચર ઊડી જતું અટકે છે. શરીરમાં પૂરતું હાઇડ્રેશન હોય તો આપમેળે ત્વચાની અંદર હાઇડ્રેશન રહે છે અને ત્વચા આપમેળે સૉફ્ટ બને છે. બીજી તરફ બાહ્ય પૉલ્યુટન્ટ્સ અને ધૂળ ત્વચાના પોર્સમાં ઊતરતાં અટકે છે.

લૉન્ગ ટર્મ ફાયદો  |  સ્લગિંગથી ઇન્સ્ટન્ટ ફાયદો નથી થતો, પરંતુ થોડાક સમયમાં ચમકીલી ત્વચા જોવા મળે છે. ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મહિમા જૈન કહે છે, ‘ક્રીમ કે મૉઇશ્ચરાઇઝર હોય તો એ તરત જ ત્વચામાં ઍબ્સૉર્બ થઈને ઇન્સ્ટન્ટ સ્મૂધનેસ આપે છે, પણ જેવી ક્રીમ જતી રહે એટલે થોડી જ વારમાં ફરી ડ્રાયનેસ ફીલ થવા લાગે છે. જ્યારે પેટ્રોલિયમ જેલી લગાવવાથી ઇન્સ્ટન્ટ અસર નથી મળતી, આંખોની આજુબાજુ જ્યાંની ત્વચા ખૂબ પાતળી અને પ્રોટેક્ટ કરી રાખવી પડે એમ હોય ત્યાં પેટ્રોલિયમ જેલી બેસ્ટ કામ આપે છે.

સ્લગિંગ શામાં મદદરૂપ?
હાથ-પગમાં જ્યાં સૌથી વધુ ડ્રાયનેસ મહસૂસ થતી હોય છે એમાં પણ ઑક્લુઝિવ મૉઇશ્ચરાઇઝર બેસ્ટ છે. 
સૉરાયસિસને કારણે ડ્રાય અને ઇચી પૅચ ત્વચા પર થયા હોય તો ત્યાં પણ પેટ્રોલિયમ જેલી લગાવવાથી ત્વચા સૉફ્ટ અને સ્મૂધ બને છે. 
ક્યાંક પણ તમને માર વાગ્યો છે, કાપો પડ્યો છે, બહુ ઊંડો નહીં એવો ઘા થયો છે તો એની પર પણ ઑક્યુલન્ટ જેલી લગાવી શકાય. એનાથી ઘા પર એક લેયર લાગી જાય છે અને ત્વચાની અંદરના લેયર્સની હીલિંગ પ્રોસેસ ઝડપી બને છે. 
મેનોપૉઝ પછી સ્ત્રીઓને વજાઇનલ ડ્રાયનેસ અને ઇચિંગની તકલીફ થતી હોય છે એમાં પણ પેટ્રોલિયમ જેલી વાપરી શકાય. બને ત્યાં સુધી આઉટર એરિયામાં જ એનો ઉપયોગ કરવો જોઈએ.
આંખોની નીચે પફીનેસ અને કાળાં કૂંડાળાં થવાની શરૂઆત થઈ ગઈ હોય તો રાતે સૂતાં પહેલાં આંખની આસપાસ ઑક્યુલન્ટ લગાવી શકાય.

columnists life and style fashion news fashion Jigisha Jain tiktok skin care