આવી ગઈ છે ક્વિક મેકઅપ ગાઇડ

22 July, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચ મિનિટમાં ફટાફટ રેડી થવું હોય તો રકુલ પ્રીત સિંહે આપેલી મેકઅપ ફૉર્મ્યુલા બહુ કામમાં આવશે

રકુલ પ્રીત સિંહ

ફિટનેસની સાથે ગ્લૅમરને પણ હાઇલાઇટ કરતી બૉલીવુડની અભિનેત્રી રકુલ પ્રીત સિંહે તાજેતરમાં તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક શૉર્ટ મેકઅપ ટ્યુટોરિયલ શૅર કર્યું હતું. એમાં તે પાંચ મિનિટમાં બિગિનર્સ ફ્રેન્ડ્લી, ક્વિક અને પર્ફેક્ટ મેકઅપ કઈ રીતે કરવો એ દેખાડી રહી છે. તેણે વિડિયોની શરૂઆતમાં કહ્યું હતું, ‘મેકઅપ સારી રીતે કેમ કરવો જોઈએ એ તો બધા જ દેખાડશે, પણ પાંચ મિનિટમાં મેકઅપ કઈ રીતે થાય એ હું બતાવીશ.’ એ ટ્યુટોરિયલના આ વિડિયોને બહુ પસંદ કરવામાં આવી રહ્યો છે. મિનિમલ મેકઅપ પસંદ હોય એ લોકો માટે રકુલે આપેલી મેકઅપ ગાઇડ બહુ કામમાં આવશે અને જેની પાસે હંમેશાં સમયનો અભાવ હોય છે તેને રકુલે આપેલી મેકઅપ ફૉર્મ્યુલા ઉપયોગી બનશે.

મૉઇશ્ચરાઇઝર

પર્ફેક્ટ મેકઅપ માટે સ્કિન પ્રેપરેશન બહુ જરૂરી હોય છે. મેકઅપ શરૂ કરતાં પહેલાં ફેસવૉશથી ચહેરો ધોઈ લેવો. ક્લેન્ઝિંગના આ સ્ટેપ બાદ તમારી સ્કિન-ટાઇપ અનુસાર મૉઇશ્ચરાઇઝર લગાવવું. મૉઇશ્ચરાઇઝર ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને સાથે ચહેરા પર અપ્લાય થનારા મેકઅપને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમારી સ્કિન ઑઇલી હોય તો વૉટર-બેઝ્ડ મૉઇશ્ચરાઇઝર લગાવવું અને જો ડ્રાય હોય તો ઑઇલ-બેઝ્ડ મૉઇશ્ચરાઇઝર બેસ્ટ રહેશે.

ફાઉન્ડેશન

મૉઇશ્ચરાઇઝર પછી ફાઉન્ડેશન લગાવો. ફાઉન્ડેશન લાઇટવેઇટ હોવું જોઈએ. નિયમિત મેકઅપ કરતી યુવતીઓને લિક્વિડ-બેઝ્ડ ફાઉન્ડેશન કરતાં ક્રીમ-બેઝ્ડ ફાઉન્ડેશન વાપરવું હિતાવહ છે. ફાઉન્ડેશન ત્વચાને ઈવન કરવાનું કામ કરતું હોવાથી અન્ડર-આઇઝના એરિયામાં પણ લગાવવું અને બ્રશથી બ્લેન્ડ કરવું.

કન્સીલર

જો ડાર્ક સર્કલ્સ હોય તો ફાઉન્ડેશન લગાવ્યા બાદ અન્ડર-આઇઝ અને આંખો પર કન્સીલર લગાવવું. બ્રશ અથવા બ્લેન્ડરને બદલે હાથથી ડૅબ-ડૅબ કરીને સરખું બ્લેન્ડ કરી શકાય.

કૉન્ટોર

ચહેરાની ત્વચાને ઈવન કર્યા બાદ એનાં ગાલ અને નાકનાં ફીચર્સને હાઇલાઇટ કરવાં હોય તો કૉન્ટોર સ્ટિકનો ઉપયોગ કરવો. એ ચહેરાને શાર્પ લુક આપે છે. પછી એને ટ્રાન્સ્લુશન પાઉડર અથવા સેટિંગ પાઉડરથી સેટ કરવું જેથી એ આખો દિવસ ટકી રહે.

આઇશૅડો

કૉન્ટોર બાદ આંખો પર આઇશૅડો અપ્લાય કરવો. ઑફિસ કે કૉલેજ જવા માટે રેગ્યુલર મેકઅપ કરતી યુવતીઓએ ન્યુડ શેડનો આઇશૅડો પસંદ કરવો જોઈએ. એમાં બ્રાઉન અને પીચ શેડ સૌથી કૉમન અને રનિંગ છે. આ એવા શેડ છે જે બધા જ આઉટફિટ્સ સાથે સૂટ થશે.

બ્લશ-હાઇલાઇટર

મેકઅપનાં આટલાં સ્ટેપ્સ ફૉલો કર્યા બાદ ફેસને ફાઇનલ ટચ આપવા માટે ગુલાબી અથવા પીચ કલરનું બ્લશ ગાલ પર અપ્લાય કરવું અને થોડું શિમરી અને સ્કિનને સૂટ થાય એ પ્રમાણેનું હાઇલાઇટર લગાવશો તો ફેસમાં ગાલ વધુ હાઇલાઇટ થશે.

લિપસ્ટિક

નૅચરલ લુક સાથે મેળ ખાય એવી લિપસ્ટિક પસંદ કરવી. મોટા ભાગે પિન્ક કલરના શેડ્સવાળી લિપસ્ટિક વધુ બંધબેસતો વિકલ્પ છે. વિડિયોમાં રકુલે પણ લાઇટ પિન્ક કલરની લિપસ્ટિક લગાવી છે. જો બ્લશ ન હોય તો લિપસ્ટિકનો ઉપયોગ પણ બ્લશ તરીકે થઈ શકે.

મસ્કરા

આંખોમાં લાઇનર લગાવવું બહુ જ ટિપિકલ થઈ ગયું છે. જો નૅચરલ અને મિનિમલ મેકઅપ લુક જોઈતો હોય તો લાઇનરને સ્કિપ કરીને ફક્ત મસ્કરા લગાવશો તો પણ આંખો હાઇલાઇટ થશે અને તમારા લુકને કમ્પ્લીટ બનાવશે.

બિગિનર્સ માટે ટિપ્સ

ડે-ટુ-ડે લાઇફમાં મેકઅપ લગાવતી વખતે લિક્વિડ-બેઝ્ડ પ્રોડક્ટ્સને બદલે ક્રીમ-બેઝ્ડ મેકઅપ પ્રોડક્ટ્સ વાપરવી.

એક પ્રોડક્ટનો ઉપયોગ બીજા કામ માટે કરી શકાય એવી પ્રોડક્ટ્સની ખરીદી કરવી જેથી પૈસાની બચત થાય. જેમ કે કૉન્ટોર સ્ટિકને આઇશૅડો તરીકે વાપરી શકાય. લિપસ્ટિકને બ્લશ તરીકે વાપરી શકાય.

મેકઅપને લૉન્ગ-લાસ્ટિંગ રાખવા માટે અંતે મિસ્ટ અથવા સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરી શકાય.

બ્રશ કે સ્પન્જમાં ખર્ચ કરવાને બદલે હાથની આંગળીથી પણ મેકઅપને સારી રીતે બ્લેન્ડ કરી શકાય.

beauty tips skin care fashion fashion news life and style rakul preet singh bollywood bollywood news columnists gujarati mid day mumbai