નવી જનરેશનમાં થાઇ-સ્લિટ સાડીનો ક્રેઝ

03 April, 2025 02:02 PM IST  |  Mumbai | Kajal Rampariya

આજકાલ યુવતીઓ ફૅશનેબલ અને યુનિક દેખાવા માટે ટ્રેડિશનલની સાથે મૉડર્નનું ફ્યુઝન પોતાની કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને અપનાવે છે ત્યારે થાઇ-સ્લિટ સાડીનો કન્સેપ્ટ ફૅશનની દુનિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે

ખુશી કપૂર, તમન્ના ભાટિયા

દિવંગત લેડી સુપરસ્ટાર શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર તેની ફૅશન-સેન્સને કારણે છાશવારે અખબારોમાં ચમકતી હોય છે. તે જે પહેરે છે એ સ્ટાઇલ-સ્ટેટમેન્ટની સાથે ટ્રેન્ડ બની જાય છે. તાજેતરમાં તે પ્રખ્યાત ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલી થાઇ-સ્લિટ સાડીમાં જોવા મળી હતી અને આ જ કારણ છે કે ફૅશનની દુનિયામાં આ પ્રકારની ફ્યુઝન સાડી ચર્ચાનો વિષય બની છે. આ ખાસ પ્રકારની સાડીના ટ્રેન્ડ વિશે નિષ્ણાતો પાસેથી વધુ જાણીએ.

ગાઉનમાંથી થયો ઉદ્ગમ

થાઇ-સ્લિટ સાડી અત્યારે નવી જનરેશનમાં બહુ જ પૉપ્યુલર થઈ રહી છે એમ જણાવતાં મુલુંડમાં રહેતી ફૅશન-ડિઝાઇનર સ્નેહા જેઠવા કહે છે, ‘થાઇ-સ્લિટ સાડીનો ઉદ્ગમ થાઇ-સ્લિટ ગાઉનમાંથી થયો છે. પહેલાં ગાઉનનો ટ્રેન્ડ હતો ત્યારે સાઇડથી ઘૂંટણથી થોડે ઉપર સુધી કટ હોય એવાં ગાઉન પહેરવા લોકોને ગમતાં હતાં અને હવે આ કન્સેપ્ટ સાડીમાં ડેવલપ થઈ રહ્યો છે. ખાસ કરીને અત્યારની નવી જનરેશનને ટ્રેડિશનલ સાડી પહેરવી છે, પણ મૉડર્ન ટ્‌વિસ્ટ સાથે. થાઇ-સ્લિટ સાડી પણ દેખાવમાં સાડી જેવી સાડી જ હોય છે પણ સાઇડથી સ્લિટ એટલે કે કટ રાખેલો હોય છે જે થોડો મૉડર્ન લુક આપે છે. માર્કેટમાં આ પ્રકારની સાડી રેડીમેડ અને પ્રી-ડ્રેપ્ડ કરેલી મળે છે. રેડીમેડ સાડીમાં પાલવની પ્લીટ્સ તૈયાર હોય છે અને કમરથી સ્કર્ટ જેવો લુક આપે છે ત્યારે પ્રી-ડ્રેપ્ડ સાડીમાં પાલવ ખુલ્લો હોય છે. એને આપણી રીતે સેટ કરી શકીએ છીએ અને પેટની જગ્યાએ રેડીમેડ પ્લીટ્સ આવે છે. બન્ને પ્રકારની સાડી
થાઇ-સ્લિટ જ હોય છે. રેડીમેડ અને પ્રી-ડ્રેપ્ડ સાડીમાં ફરક ખાલી આટલો જ છે, પણ બન્ને અલગ લુક આપે છે.’

ઈઝી ટુ કૅરી

ફૅશન ક્ષેત્રે દાયકાનો અનુભવ ધરાવતી સ્નેહા થાઇ-સ્લિટ સાડીના ફાયદાઓ વિશે કહે છે, ‘થાઇ-સ્લિટ સાડી ઈઝી ટુ વેઅર અને ઈઝી ટુ કૅરી છે એમ કહી શકાય. પહેરવામાં સહેલી અને સંભાળવામાં પણ સરળ હોવાથી યુવતીઓને એ પહેરવી ગમે છે, કારણ કે આજકાલની યુવતીઓ ફૅશનને બદલે કમ્ફર્ટને પ્રાથમિકતા આપતી થઈ ગઈ છે. એવું નથી કે આ કન્સેપ્ટ હમણાં જ ડેવલપ થયો છે. પહેલાં કાજોલ, શિલ્પા શેટ્ટી અને તમન્ના ભાટિયા આ પ્રકારની સાડીમાં જોવા મળી હતી પણ જ્યારથી ખુશી કપૂર અને અનન્યા પાંડે ફૅશનની દુનિયામાં એન્ટર થઈ છે ત્યારથી યંગ યુવતીઓ તેમના ટ્રેન્ડને ફૉલો કરતી થઈ છે. થાઇ-સ્લિટ સાડી બોલ્ડ લુક આપવાની સાથે તમારી સ્ટાઇલને પણ એન્હૅન્સ કરે છે. થાઇ-સ્લિટ સાડી ઘેરવાળી પણ આવે છે અને શરીરને ફિટ થાય એ પ્રકારની પણ આવે છે. તમારે તમારી બૉડીટાઇપના હિસાબે એની પસંદગી કરવાની હોય છે. ખુશી કપૂરે પહેરી છે એમાં થોડો ઘેર છે અને એ સાડી જો થોડી હેલ્ધી યુવતીઓ પહેરશે તો પણ સારી લાગશે. જોકે વધુ બોલ્ડ દેખાવાની ઇચ્છા હોય તો પાતળી યુવતીઓ બૉડી-ફિટ થાય એવી રેડીમેડ થાઇ-સ્લિટ સાડી પહેરી શકે છે.’

કેવા ફૅબ્રિકની સાડી સારી?

સાડીના ફૅબ્રિકની પસંદગી કરતાં પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એમ જણાવતાં સ્નેહા કહે છે, ‘જે યુવતીઓ સ્થૂળ હોય તેમણે ટ્રાન્સપરન્ટ કાપડની સાડી પહેરવાનું ટાળવું જોઈએ. કપડું થોડો ઘેર આપે એવી સાડી પહેરશે તો એ વધુ સારી લાગશે. બાકી જે યુવતીઓનું ફિગર શેપમાં છે એ ક્રેપ મટીરિયલ, શિમરી, ઑર્ગેન્ઝા, શિફૉન, રેડીમેડ એમ્બ્રૉઇડર્ડ ફૅબ્રિક અને લાઇટ વેઇટ તથા સ્કિનને ઇરિટેટ ન થાય એવા ફૅબ્રિકની સાડી પહેરી શકે છે. થાઇ-સ્લિટ સાડી થોડો બોલ્ડ લુક આપતી હોવાથી એને રેગ્યુલર યુઝમાં લઈ શકાય નહીં. નવી જનરેશનની યુવતીઓ આજકાલ એને વેડિંગ ફંક્શનમાં, સંગીત, કૉકટેલ પાર્ટી અને રિસેપ્શન જેવા પ્રસંગોમાં પહેરી રહી છે અને લોકો આ થાઇ-સ્લિટ સાડીના કન્સેપ્ટને પસંદ કરી રહ્યા છે.’

કેવી રીતે સ્ટાઇલ કરી શકાય?

સાડીને યુનિક રીતે સ્ટાઇલ કરવાની ટિપ્સ આપતાં સ્નેહા જણાવે છે, ‘જો કોઈ પ્રસંગમાં એક વાર સાડી પહેરી લીધી છે અને એને પાછી બીજા પ્રસંગમાં પહેરવાની હોય અને કંઈક અલગ દેખાવું હોય તો બ્લાઉઝ ચેન્જ કરો. થાઇ-સ્લિટ સાડીમાં સાદાં બ્લાઉઝ કોઈ કામમાં નહીં આવે. ટ્યુબ બ્લાઉઝ, હૉલ્ટરનેક બ્લાઉઝ, આગળ પૅટર્ન હોય એવું બ્લાઉઝ અને કૉર્સેટ જેવાં ડિઝાઇનર બ્લાઉઝ સૂટ થશે. તેથી લુક ચેન્જ કરવો હોય તો આ પ્રકારનાં બ્લાઉઝ તમારા લુકને બૉલીવુડ હિરોઇન જેવી ફીલિંગ અપાવશે. જો તમે ફૅશન-ડિઝાઇનર પાસેથી સાડી ડિઝાઇન કરાવશો તો પલ્લુ ડિટૅચ થઈ શકે એ રીતે બનાવી આપશે તો એને વેસ્ટર્ન ચોલીની જેમ પણ પહેરી શકશો. પાલવ અલગ થઈ જશે તો એનો ઉપયોગ દુપટ્ટા તરીકે પણ કરી શકાય. એની સાથેની જ્વેલરીની વાત કરીએ તો જેટલી મિનિમલ જ્વેલરી પહેરશો એટલો સાડીનો લુક એન્હૅન્સ થશે.’

fashion news fashion khushi kapoor tamanna bhatia shilpa shetty bollywood bollywood news life and style columnists gujarati mid-day mumbai