શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૪૭ : ઉપવાસ અને જાગરણ અનેક રોગોનું મારણ

18 February, 2025 12:35 PM IST  |  Mumbai | Mukesh Pandya

આવનારી ગરમ ઋતુનું ચેકનાકું એટલે મહાશિવરાત્રિ

કુંભ મેળો

મહાશિવરાત્રિના દિવસે શિવને જળાભિષેક, દૂધનો અભિષેક કે પંચામૃત સ્નાન કરાવો અને પોતે પણ કરો તો તનમનથી શુદ્ધ રહેશો. શિવે આપણને ત્રણ વાર નહાવું અને એક વાર ખાવું એવો ઉપદેશ આપ્યો જ છે. સ્નાનના અનેકો અનેક ફાયદા વિશે આપણે અગાઉનાં ઘણાં પ્રકરણોમાં ચર્ચા કરી. હવે તેમના ઉપદેશ ‘એક વાર ખાવું’ એ વિશે વાત કરીએ.

એ એક વાર ખાવું એટલે બને ત્યાં સુધી ઓછું ખાવું. મિતાહારી રહેવું અને શિવરાત્રિ જેવા ધાર્મિક તહેવારોએ ઉપવાસ કરવા. ઘણા એવા લોકો હોય છે કે જે ભૂખ્યા ન રહી શકે, પરંતુ શિવરાત્રિનો ઉપવાસ અચૂક કરે. શિવરાત્રિ મહા મહિનાના અંતમાં આવે છે. ફાગણ મહિનાથી ઉનાળો શરૂ થાય છે. શિયાળાના ચાર મહિના મોજમજા કરી. ખૂબ ખાધુંપીધું, પરંતુ ઉનાળામાં સ્વસ્થ રહેવા ખાણીપીણી પર સંયમ રાખવો જરૂરી છે. મહાશિવરાત્રિનો ઉપવાસ આપણને ખાણીપીણી પર નિયંત્રણ રાખવાનું શીખવે છે.

જોકે આજકાલના આપણા ઉપવાસ ઉપહાસ બની ગયા છે. ઉપવાસનો અર્થ છે ઈશ્વરની સમીપ જવું. શિવની નજીક જવું. આવા મોટા પરમાત્માની નજીક જવા ઇન્દ્રિયો પર સંયમ રાખી ખાવા-પીવા ૫૨ નિયંત્રણ રાખી શિવપૂજા કે શિવના ધ્યાનમાં તલ્લીન થવું પડે જે રીતે પાર્વતી થયાં હતાં. ઉપવાસના દિવસે ભોજનની નહીં ભજનની વ્યવસ્થા કરવાની હોય, પરંતુ આપણે તો વૈકલ્પિક ભોજનમાં સમય ગુમાવીએ છીએ. રોજેરોજ જે અન્ન ખાતા હોઈએ એના કરતાં પણ વધુ ફરાળના સ્વરૂપમાં ખાઈએ છીએે. ઉપવાસના દિવસે ફળાહાર કરવો ઉત્તમ છે. ફળો ખાઈએ એને ફળાહારી ભોજન કહેવાય, પરંતુ આપણે ફળાહારીને બદલે ફરાળી કરી નાખ્યું. ઘઉં-બાજરાના રોટલાને બદલે રાજગરાના તેલમાં બનેલાં થેપલાં કે પૂરી, બટાટાને ફળ ગણી એનું શાક બનાવ્યું. દાળ-ભાતને બદલે ફરાળી કઢી-ભાત બનાવ્યાં. ઉપરથી ફરાળી મિષ્ટાન્ન અને ફરસાણ તો ખરાં જ. ઘણી વાર ઉપવાસના દિવસે સામાન્ય દિવસ કરતાં પણ વધુ ખવાઈ જાય છે, છતાંય કહેવાય ઉપવાસ.

શિવ તરફ ધ્યાન રહે એ માટે ભોજનની માથાકૂટ છોડવાની હતી, પણ ખાવાપીવામાં જ વધુ ધ્યાન જાય છે. પાર્વતીજીએ જે રીતે ઉપવાસ કર્યા હતા કે જૈન મુનિઓ કરે છે એવો ઉપવાસ આપણે કરી શકતા નથી, પછી ભગવાનની નજીક કેવી રીતે પહોંચાય?

સાચા ઉપવાસ-નકોરડા ઉપવાસ ફક્ત આધ્યત્મિક કે ધાર્મિક દૃષ્ટિએ જ લાભદાયક નથી. એ શારીરિક અને માનસિક રીતે પણ અતિ ફાયદાકારક છે.

જપાનના બે વૈજ્ઞાનિકોએ ઉપવાસને ઑટોફાગી સિદ્ધાંત નામ આપ્યું અને એનાથી કૅન્સરના કોષોને પણ નાથી શકાય છે એવું સંશોધન કર્યું. તેમને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું. આપણા ઋષિઓએ તો ઉપવાસના મહત્ત્વ વિશે વૈદિક કાળથી જ સમજણ આપી હતી, પરંતુ તેમની ઉપેક્ષા થઈ. હિન્દુઓ ઉપવાસ કરતા ત્યારે પશ્ચિમના લોકો મજાક ઉડાવતા હતા કે ભારતના લોકો ઉપવાસ કરીને આત્માને કષ્ટ આપે છે, પણ આજે પશ્ચિમના દેશોમાંય ઉપવાસને મહત્ત્વ અપાઈ રહ્યું છે. તેમણે ઉપવાસને ‘ઇન્ટરમિટન્ટ ડાયટિંગ’ જેવું રૂપકડું નામ આપ્યું છે જે અંતર્ગત તેઓ છ કલાક, બાર કલાક કે સોળ કલાક ભૂખ્યા રહેવાની કે મર્યાદિત ખોરાકની સલાહ આપે છે.

મુસ્લિમો પણ રમઝાનમાં ઉપવાસ કરે છે જે રોજા નામે ઓળખાય છે. ખ્રિસ્તીઓ પણ હવે ફાસ્ટિંગ કરે છે. આયુર્વેદ તો કહે છે ‘લંઘણં પરમ ઓષધં’ ઉપવાસ પરમ ઔષધ છે.

ઉપવાસથી ફાયદા તો થાય જ છે, પરંતુ કેવી રીતે આ સિસ્ટમ શરીરમાં કામ કરે છે, મન પર અસર કરે છે એ પણ સમજવા જેવું છે.

મહાશિવરાત્રિના દિવસે કરેલા ઉપવાસ અને જાગરણ પછીના ઉનાળા અને ચોમાસાના સમયમાં કેવી રીતે કામ કરે છે. કેવી રીતે વિવિધ બીમારીથી બચાવે છે. એ હવે જાણીશું

(ક્રમશ:)

culture news life and style religion religious places prayagraj kumbh mela mahashivratri mumbai gujarati mid-day columnists