17 February, 2025 06:56 AM IST | Mumbai | Mukesh Pandya
કુંભ મેળો
મહાશિવરાત્રિના દિવસે આખરી કુંભસ્નાન તો થશે જ, પરંતુ ત્યાર બાદ ગરમીની શરૂઆત થઈ જશે એટલે સ્વસ્થ જીવન જીવવું હોય તો નહાવું વધારે અને ખાવું ઓછું એવો નિયમ રાખવો.
જે રીતે ચોમાસાના આગમન સમયે આવનારી અષાઢી એકાદશીના દિવસે ઉપવાસ કરીએ છીએ એ જ રીતે આવી રહેલા ઉનાળામાં તન, મન અને આત્માને સ્વસ્થ રાખવા શિવરાત્રિનો ઉપવાસ અને જાગરણ જરૂરી છે. દિવાળી પછી શિયાળાના ચાર મહિનામાં આપણે ખૂબ મજા કરી, લગ્નો ઊજવ્યાં, મીઠાઈ-ફરસાણ ખાધાં, NRI મિત્રો અને સગાંસંબંધીઓ સાથે પાર્ટીઓ યોજી, ખાધું-પીધું અને મોજમજા કરી, પણ હવે ૨૬ ફેબ્રુઆરીને મહા વદ તેરસના દિવસે આવનારી મહાશિવરાત્રિને વૈજ્ઞાનિક રીતે ઊજવી ખરેખર તો આપણે આવનાર સમયમાં સ્વસ્થ રહેવાની શક્તિ જ મેળવીશું.
આ દિવસે કુંભસ્નાન કરવા પ્રયાગરાજ ન પહોંચી શકો તો ઘરની અંદર પણ ખાનપાનમાં ઓછું ધ્યાન આપી સ્નાન અને શિવનું ધ્યાન ધરવા માટે શ્રદ્ધાપૂર્વક સમય ફાળવશો તો શરીરમનની સ્વસ્થતા અને શુભત્વ પ્રાપ્ત થશે થશે અને થશે જ.
મહાશિવરાત્રિના દિવસે શિવજીને જળ અને દૂધનો અભિષેક કરીએ છીએ એ પણ સૂચક છે. આપણે ગઈ કાલે જોયું કે શિવજી મૃત્યુના દાતા છે. કોઈને જીવનદાન દેવું એ તો ખુશીની વાત છે, પરંતુ કોઈના પ્રાણ હરી લેવા હોય ત્યારે ઘણા કપરા નિર્ણય લેવા પડે છે. શિવજીને આવા નિર્ણયો લેવા પડે એ ખરેખર મન-મગજને ઉગ્ર બનાવી દે એવું કાર્ય છે. સમુદ્રમંથન વખતે અમૃત નીકળ્યું અને એનાં ટીપાં નદીઓમાં પડ્યાં એટલે આપણે આ અમૃત કુંભમાં સ્નાન કરવા પડાપડી કરીએ છીએ. દેવ અને દાનવોએ પણ અમૃત મેળવવા પડાપડી કરી હતી, પરંતુ જ્યારે આ જ સમુદ્રમંથનમાંથી હળાહળ વિષ નીકળ્યું ત્યારે એને ગ્રહણ કરવા કોઈ આગળ ન આવ્યું. કપરા નિર્ણય લેવા ટેવાયેલા શિવજીએ આ ઝેર ગટગટાવ્યું અને ગળામાં રોકી રાખ્યું એટલે તેમનો કંઠ ઝેરથી કાળો પડી ગયો. તેઓ નીલકંઠ કહેવાયા. તેમને શાતા આપવા ખુદ શીતળ ચંદ્ર મસ્તક પર બિરાજમાન થયા. ઝેરને કંઠમાં રોકી રાખવા સર્પો ગળે વીંટળાઈ ગયા. તેમને ચોવીસ કલાક જળ મળી રહે એ માટે જળનું પાત્ર ભરી સતત જળધારા કરવામાં આવે છે. જળાભિષેક અને દુગ્ધાભિષેક કરવામાં આવે છે.
આ બધી ઘટના અને કથા સિમ્બૉલિક પણ હોઈ શકે, પરંતુ જીવનમાં ઘણું શીખવી જાય છે. હવે પછી આવનારા ઉનાળાના દિવસોમાં શરીર અને મન કાળઝાળ ગરમીથી ત્રસ્ત થશે ત્યારે શીતળતા પામવા સ્નાન વધુ કરવું. પાણીનો અને દૂધનો ઉપયોગ વધારવો.
મહાશિવરાત્રિના દિવસે શિવાલયોમાં ભીડ થાય છે. પાણી અને દૂધના રેલા નીકળે છે. વ્યય થાય છે એવું કહેનારા પણ છે. તેમની વાત અડધી સાચી પણ છે. શિવલિંગ પર થોડું પાણી અને દૂધ ચડાવી આપણે પોતે પણ પાણી અને બની શકે તો દુગ્ધ સ્નાન કરવું જોઈએ. આપણી અંદર પણ શિવ વિરાજમાન છે, તેમને પણ પ્રસન્ન રાખવા જોઈએ. જળ સ્નાનના કેટલા બધા ફાયદા છે એ તો આપણે અગાઉનાં પ્રકરણોમાં જોયું, પરંતુ શિવને પ્રિય એવા દૂધથી તમે પણ ગરમીના દિવસોમાં ક્યારેક-ક્યારેક સ્નાન કરી લેશો તો ફાયદામાં રહેશો.
દૂધ એ ઉત્તમ અને સંપૂર્ણ આહાર છે એટલે જ કુદરત શિશુના જન્મ વખતે મનુષ્ય કે પ્રાણીજગતની તમામ માતાઓ અને માદાઓની છાતીમાં દૂધ ઊભરાય એની વ્યવસ્થા કરે છે. શરીર અને અશાંત જીવને પોષણ અને ઠંડક આપવા માટે દૂધ સક્ષમ છે.
તમે સ્નાન કરો ત્યારે ક્યારેક પાણીની બાલદીમાં બજેટ અને અનુફૂળતા મુજબ દૂધ નાખીને સ્નાન કરી અંદર બેઠેલા શિવને રીઝવી જોજો.
ઉનાળામાં સતાવતી ઘણી બીમારીથી બચી જશો. દૂધની શીતળતા શરીર સાથે મન-મગજને પણ ઠંડું રાખશે. આ સમયે પિત્તનો પ્રકોપ વધે છે ત્યારે એસિડિટી કે ગરમ લૂ લાગવાથી થતા રોગોથી બચી જશો. આપણે ત્યાં તો ‘દૂધો નહાઓ પૂતો ફલો’ જેવી કહેવત પણ લોકપ્રિય બની ગઈ છે. દૂધના અસંખ્ય ફાયદા છે.
(ક્રમશ:)