શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૩૩ : પવિત્ર યાત્રા માટે માત્ર મન નહીં ધન પણ પવિત્ર હોવું જરૂરી

04 February, 2025 10:47 AM IST  |  Mumbai | Mukesh Pandya

આ કૉલમમાં અગાઉ ઘણી વાર કહ્યું એમ આજે પણ કહું છું કે બાહ્ય યાત્રા કરતાં પણ આંતર યાત્રા વધુ મહત્ત્વની હોય છે. જો આ યાત્રા સફળતાપૂર્વક કરી શકો

કુંભ મેળો

આ કૉલમમાં અગાઉ ઘણી વાર કહ્યું એમ આજે પણ કહું છું કે બાહ્ય યાત્રા કરતાં પણ આંતર યાત્રા વધુ મહત્ત્વની હોય છે. જો આ યાત્રા સફળતાપૂર્વક કરી શકો. તમારી અંદર બેઠેલા ઈશ્વરને મળી શકો તો પણ પાપ ધોવાઈ જશે. મોક્ષ તરફની ગતિ બની રહેશે.

મુસ્લિમો હજ કરે છે તેમને એ સૂચના આપેલી હોય છે કે દેવું કરીને હજયાત્રા ન કરી શકાય.

ઘણી વાર લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય એવો ઘાટ ઘડાતો હોય છે. મધ્યમ વર્ગ માટે તો ખાસ આ વાત લાગુ પડતી હોય છે. આાસપાસના પામતા-પહોંચતા લોકો મોંઘી થઈ ગયેલી ટિકિટ લઈને પણ પ્રયાગરાજ જાય એટલે મધ્યમ વર્ગે પણ ખોટું ખેંચાવાની જરૂર નથી. આ આધ્યાત્મિક યાત્રા છે. અહમને ઓગાળવાની યાત્રા છે. તમારા સ્ટેટસને વધારવાની નહીં, પણ ભૂંસી નાખવાની યાત્રા છે. 

‘અમે પણ કુંભમેળામાં જઈ આવ્યા’ એવું જરા પણ અભિમાનના ભાવ સાથે બોલશો તો તમારા કર્યાકારવ્યા પર સંગમની નદીઓનાં પાણી ફરી વળશે.

મૌની અમાવસ્યાએ દુખદ ઘટના બની એના બે દિવસ પહેલાં પણ અહીં જણાવવામાં આવ્યું હતું કે જો પ્રયાગરાજ ન જઈ શકાય તો અફ્સોસ કરવાની જરૂર નથી. તમારું મન પવિત્ર હોય તો ઘેર બેઠાં પણ ગંગા નદીને આમંત્રિત કરીને સ્નાન કરી શકાય છે.

મહારાષ્ટ્રના પૈઠણમાં જન્મેલા પ્રસિદ્ધ સંત શ્રી એકનાથજી આ જ પ્રયાગનું જળ કાવડમાં ભરીને રામેશ્વરમ લઈ જતા હતા જેથી ત્યાંના જ્યોતિર્લિંગ પર અભિષેક કરી શકાય, પરંતુ રસ્તામાં બળબળતા રણમાં તેમણે તરસથી તરફડતા ગધેડાને જોયો. તેમનું મન દ્રવી ઊઠ્યું. તેમણે પ્રયાગનું  પવિત્ર પાણી પેલા ગઘેડાને પિવડાવી દીધું. તેમના સાથીઓએ પૂછ્યું કે આમ કેમ કર્યું? શિવલિંગ પર અભિષેક કરવાનું જળ તમે ગધેડાને પાઈ દીધું? તેમણે જવાબ આપતાં કહ્યું કે કોઈ તરસ્યાને   મરવા દઈને શિવલિંગને સ્નાન કરાવવાનો શો અર્થ? આ જ વાત આપણને પણ લાગુ પડે છે. જો આપણા માથે દેવું હોય કે લોન લીધેલી હોય તો એ ન ચૂકવીને યાત્રા પાછળ નાણાં ખર્ચવાનો શો અર્થ?

 આજે બજેટના દિવસે પવિત્ર મન સાથે ધનની પણ વાત કરીએ. મન સાથે તમારું ધન-તમારી આવક પણ પવિત્ર હોવી જોઈએ. કોઈ અન્યના હકનું છીનવી લઈને ભેગું કરેલું ધન ન હોવું જોઈએ. ચોરીનું, કરચોરીનું કે દાણચોરીનું ન હોવું જોઈએ.

સરકાર પોતાની આવક વધારવા માટે ટૂરિઝમને પ્રોત્સાહન આપે તો એ એની રીતે સાચી છે, પણ આવી યાત્રા કરવાથી તમારું બજેટ ખોરવાતું હોય તો બળજબરીથી જવાની જરૂર નથી. ઘરે માબાપ હોય તો તેમની સ્વસ્થતા-સુવિધા માટે જે નાણાં, શક્તિ અને સમય ખર્ચ કરો છો એ પણ  તીર્થયાત્રા છે. આ સંદર્ભમાં મહારાષ્ટ્રના જ બીજા એક સંત ભક્ત પુંડરિકની વાત કરીએ. પંઢરપુર ગામમાં તેમનો જન્મ થયો હતો. ઉંમરલાયક થતાં તેમનાં લગ્ન થયાં. પુંડરિક અને તેમની પત્ની વૃદ્ધ માતા-પિતાની સેવા સરખી રીતે કરતાં નહોતાં. એ સમયમાં એક નગરશેઠ ગંગાજીની યાત્રા કરવા જતા હતા. શેઠે જાહેર કર્યું કે જે લોકો જાત્રામાં જોડાશે તેમનો ખર્ચ એ ભોગવશે. આવું સાંભળી પુંડરિક અને તેમની પત્ની યાત્રામાં જોડાયાં. તેમના પિતાએ ના પડી. તેમનું ધ્યાન રાખવાનું કહ્યું. પુંડરિક કહે, ‘અમે તમારી સેવા કરવા જન્મ નથી લીધો. માતા-પિતાને કોચવીને યાત્રામાં જોડાણાં. બીજા દિવસે રાતે નગરશેઠને ગંગાજીએ દર્શન દેતાં કહ્યું, ‘શેઠ, તમારા સંઘમાં પંઢરપુરનો એક યુવાન તેનાં મા-બાપને દુખી કરીને આવ્યો છે. તેને ઘરે પાછો મોકલો, અન્યથા તમને યાત્રાનું ફળ નહીં મળે.’ આમ કહી ગંગાજી અદૃશ્ય થયાં. શેઠે પુંડરિકને બોલાવી આ વાત કરી. પુંડરિકને ખૂબ પસ્તાવો થયો. તે ઘરે પાછો ફર્યો. મા-બાપની માફી માગી અને ખૂબ સેવા કરવા લાગ્યો. આવી સેવાભક્તિ જોઈને ભગવાન તેને ઘરે દર્શન દેવા આવ્યા. તે સમયે પુંડરિક માતા-પિતાની સેવામાં હતો. પ્રભુને આસન આપવા માટે નજીકમાં રહેલી ઈંટ ફેંકીને કહ્યું, ‘હે ભગવાન! આપ ઈંટ ઉપર ઊભા રહો. હું માતા-પિતાની ચાકરી કરીને આપનાં દર્શને આવું છું.’ ભક્તવત્સલ ભગવાન ઈંટ ઉપર ઊભા રહ્યા. માતા-પિતાની સેવામાં ઘણો સમય લાગ્યો.

પ્રભુએ થાક ઉતારવા પોતાના બન્ને હાથ કમર ઉપર રાખ્યા. પુંડરિક સેવામાંથી પરવારીને દર્શન કરવા આવ્યો. ભગવાને કહ્યું, ‘હું તારી માતૃ-પિતૃભક્તિથી રાજી થયો છું. આ ભક્તિને કાયમી યાદ રાખવા માટે હું હંમેશાં અહીં બન્ને હાથ કેડ ઉપર રાખીને ઊભો રહીશ.’

ટૂંકમાં, માબાપને ભગવાન ભરોસે મૂકી કુંભ કે તીરથ યાત્રાએ નીકળવાનો કોઈ અર્થ નથી.

(ક્રમશઃ)

culture news life and style religion religious places kumbh mela prayagraj columnists gujarati mid-day