શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૨૭ : મૌની અમાવાસ્યાનું અમૃત સ્નાન : પાણી ને વાણીની પવિત્રતાનો સંગમ

28 January, 2025 12:02 PM IST  |  Mumbai | Mukesh Pandya

મન સાથેનો સંવાદ એટલે મૌન. મૌન દરમ્યાન આવતા વિચારો એટલે વાણીનું સૂક્ષ્મ અને શુદ્ધ સ્વરૂપ. શુદ્ધ થયેલ પાણી તનને તો શુદ્ધ થયેલ વાણી મનને શુદ્ધ કરે છે.

કુંભ મેળો

૨૭ તારીખનો અંક બંધ રહ્યો, જેમાં લલાટ પર લગાડવામાં આવતાં અન્ય તિલક દ્રવ્યો વિશે વાત કરવાની હતી, પરંતુ એ વિષય વિશે વધુમાં આપણે પછીના દિવસોમાં જાણીશું.

આજે આપણે આવતી કાલે ૨૯ જાન્યુઆરીએ જે મૌની અમાવસ્યા છે એના વિશે જાણીએ. આ અમાવાસ્યાએ માત્ર સ્નાન નહીં મૌનવ્રત પાળવાનો પણ એક અનેરો મહિમા છે.

 આપણે બધાએ પેલી કહેવત તો સાંભળી જ છે કે પાણી અને વાણી ગાળીને વાપરો.

ખરેખર આ બે તત્ત્વો જેટલી વાર ફિલ્ટર કરીએ એટલી વાર એની શુદ્ધતા વધતી જાય છે. પાણીને તો કાપડના ગળણાથી ગાળી શકાય, પણ વાણીને કેવી રીતે ગાળવી? આ વાણીનું ગળણું ઉર્ફે ફિલ્ટર એટલે મૌન. વધુ પડતું અને સતત બોલ-બોલ કરવાથી પાણીની શુદ્ધતા જળવાતી નથી, પરંતુ આપણે બોલેલા શબ્દોની આસપાસના લોકો અને વાતાવરણ પર અસર શું થશે એ સમજી-વિચારીને બોલનારની વાણી અનુક્રમે ગળાતી જાય છે. એક વખત એવો પણ આવે છે જ્યારે વિચારવાનું વધતું જાય અને બોલવાનું ઘટતું જાય. વિચારીને બોલેલા શબ્દોમાં અવિચારીપણે બોલાયેલા શબ્દો કરતાં શુદ્ધતાનું પ્રમાણ વધુ હોય છે. છેલ્લે વિચાર અને માત્ર વિચાર આપણા મન પર હાવી થઈ જાય. શબ્દો મૌન બની જાય ત્યારે મનશુદ્ધિની ચરમ સીમાએ પહોંચે છે. મન સાથેનો સંવાદ એટલે મૌન. મૌન દરમ્યાન આવતા વિચારો એટલે વાણીનું સૂક્ષ્મ અને શુદ્ધ સ્વરૂપ. શુદ્ધ થયેલ પાણી તનને તો શુદ્ધ થયેલ વાણી મનને શુદ્ધ કરે છે.

આપણે ઘણાં પ્રકરણોમાં બાહ્ય જગતની યાત્રા અને આંતરજગતની યાત્રાની વાતો કરી. આપણી અંદર બેઠેલા ઈશ્વર સાથે વાત કરવી હોય તો બાહ્ય વાતાવરણમાં વેડફાઈ જતા શબ્દોનો સાથ છોડવો જોઈએ. મન સાથે સંવાદ રચવો જોઈએ. મૌન ધારણ કરવું જોઈએ.

સામાન્ય રીતે આપણે વાણીનાં ત્રણ રૂપનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. એના વિશે થોડું જાણીએ.

બીજાને સંભળાય એવી રીતે બોલીએ એને વૈખરી વાણી કહેવાય તો હોઠ અને જીભ હલાવી માત્ર આપણે સાંભળી શકીએ એવી વાણીને ઉપાંશુ વાણી કહેવાય અને હોઠ કે જીભ હલાવ્યા સિવાય બોલીએ એને માનસિક વાણી કહેવાય એટલે કે વિચારો કરીએ કે પછી પોતાની સાથે સંવાદ કરીએ એ.

 આમ મોટેથી બોલીએ એ સ્થૂળ વાણી ગણાય અને વિચાર એ વાણીનું સૂક્ષ્મ રૂપ ગણાય.

બાહ્ય જગતમાં વાણીને બીજી વ્યક્તિ સુધી પહોંચાડવા વૈખટી વાણી બોલીએ છીએ. થોડે દૂરની વ્યક્તિ સુધી પહોંચાડવા વધુ જોરથી બોલીએ છીએ અને એથી પણ દૂરની વ્યક્તિને માઇક દ્વારા વાણી પહોંચાડીએ છીએ. વળી એનાથી પણ દૂર-દૂરના સ્થળે વાણી પહોંચાડવા રેડિયો, ટેલિફોન, ટીવી, મોબાઇલ જેવાં યંત્રોનો ઉપયોગ કરીએ છીએ.

આ જ રીતે આંતર જગતમાં ઈશ્વર સાથે સંબંધ બાંધવા સૂક્ષ્મવાણીનો ઉપયોગ કરવો પડે છે.

જેમ મોક્ષ-પ્રાપ્તિ કે ઈશ્વર-સાધના માટે દરેક ઇન્દ્રિયોને બાહ્ય જગતથી વિમુક્ત કરી આંતર જગત તરફ વાળવામાં આવે છે એ જ રીતે આપણી અંદર બેઠેલા ઈશ્વર સાથે સંવાદ સાધવા વાણીને પણ આંતર જગત તરફ વાળવી જરૂરી છે. મૌનનો અભ્યાસ આ વખતે મહત્ત્વનો ભાગ ભજવે છે. મૌન દ્વારા જ વૈખરી વાણીને માનસિક વાણીમાં પરિવર્તન કરી શકાય જેથી વાણીનો પ્રવાહ આંતર જગત તરફ વહેવા લાગે છે. વાણીનું આ સૂક્ષ્મ સ્વરૂપ આંતર જગત સાથે સંબંધ બાંધી આપે છે

જે રીતે ગળામાંથી બોલાતી વૈખરી, ઉપાંશુ અને માનસિક વાણીનું ઉદ્ભવસ્થાન આ ભાગમાં આવેલું વિશુદ્ધ ચક્ર છે એ જ રીતે એક મધ્યમા વાણીનો પણ પ્રકાર છે જેનું ઉદ્ભવસ્થાન હૃદયના ભાગમાં આવેલું અનાહત ચક્ર છે. ઘણા સંતો કહેતા હોય છે કે ખરા હૃદયથી કરેલી પ્રાર્થનામાં શબ્દો ન હોવા છતાંય એ જરૂર ફળે છે, એ કદી નિષ્ફળ જતી નથી, અંદર બિરાજેલા ઈશ્વર સુધી પહોંચે છે.

(ક્રમશ:)

kumbh mela religion religious places prayagraj uttar pradesh life and style culture news columnists gujarati mid-day