26 November, 2026 01:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર
ચોથી ડિસેમ્બરે રિલીઝ થનારી શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ મહારાષ્ટ્રનાં દિગ્ગજ તમાશા અને લાવણી કલાકાર વિઠાબાઈ ભાઉમાંગ નારાયણગાવકરના સંઘર્ષ તથા કલા પ્રત્યેના સમર્પણથી પ્રેરિત ફિલ્મ છે. આ ફિલ્મે થિયેટરમાં રિલીઝ થાય એ પહેલાં જ મોટો રેકૉર્ડ બનાવ્યો છે. ફિલ્મના પહેલા ગીત ‘જી જી રે જી’ પર એક મિનિટના દમદાર લાવણી પર્ફોર્મન્સ દ્વારા ‘ઈઠા’એ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સ અને એશિયા બુક ઑફ રેકૉર્ડ્સ બન્નેમાં પોતાનું નામ નોંધાવ્યું છે. એક મિનિટમાં સૌથી વધુ મહિલાઓ દ્વારા એકસાથે લાવણીના હુક-સ્ટેપ્સ કરવા બદલ આ ખાસ રેકૉર્ડ બનાવવામાં આવ્યો છે.
આ રેકૉર્ડ-બ્રેકિંગ ઇવેન્ટનું આયોજન પુણેની ઝીલ એજ્યુકેશન સોસાયટીમાં કરવામાં આવ્યું હતું, જ્યાં પરંપરાગત મરાઠી વેશભૂષામાં સજ્જ સેંકડો મહિલાઓ અને યુવતીઓએ એકસાથે ‘જી જી રે જી’ની ધૂન પર તાલ મિલાવીને લાવણીનાં હુક-સ્ટેપ્સ કર્યાં હતાં. આ ખાસ પ્રસંગે શ્રદ્ધા, ફિલ્મના ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકર અને પ્રોડ્યુસર કરિશ્મા શર્મા પણ હાજર રહ્યાં હતાં.
કાર્યક્રમ દરમ્યાન રેકૉર્ડ બુકના અધિકારીઓએ સ્ટેજ પરથી સત્તાવાર જાહેરાત કરી હતી અને મૅડૉક ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ તથા કઠપૂતલી ક્રીએશન્સ મહારાષ્ટ્રને આ સન્માન એનાયત કર્યું હતું. સ્ટેજ પર શ્રદ્ધા અને ટીમને રેકૉર્ડનું સર્ટિફિકેટ તથા મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં, ત્યાર બાદ શ્રદ્ધાએ ત્યાં હાજર નાની બાળકીઓ અને યુવતીઓ સાથે તસવીરો પણ પડાવી હતી.
કાર્યક્રમમાં શ્રદ્ધા જોવા મળી ખાસ લુકમાં
આ ઐતિહાસિક ઉજવણી માટે શ્રદ્ધા કપૂર સંપૂર્ણપણે પરંપરાગત મરાઠી રંગમાં રંગાયેલી જોવા મળી હતી. તેણે એમરલ્ડ ગ્રીન રંગની નવવારી સાડી પહેરી હતી, જેમાં સોનેરી વર્ક સાથે કૉપર-પીચ રંગનો પલ્લુ અને પહોળી બૉર્ડર હતી. આ લુકને કમ્પ્લીટ કરવા માટે શ્રદ્ધાએ પરંપરાગત મરાઠી જ્વેલરી, સિલ્વર ચોકર, ઝુમકા, મરાઠી નથ, બંગડીઓ, કમરબંધ, પગમાં ઘૂંઘરુ-પાયલ અને કોલ્હાપુરી ચંપલ પહેર્યાં હતાં. વાળમાં લાલ ફૂલોનો ગજરો અને કપાળ પર બિંદી લગાવીને શ્રદ્ધાએ સ્ટેજ પર લાવણીની ઝલક પણ બતાવી હતી.