બે દિવસમાં સેન્ચુરી મારી ‘પઠાન’એ

28 January, 2023 02:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુધવારે રિલીઝ થયેલી શાહરુખ ખાનની ‘પઠાન’એ બે દિવસમાં સો કરોડનો મેજિકલ આંકડો પાર કરી લીધો છે.

બે દિવસમાં સેન્ચુરી મારી ‘પઠાન’એ

બુધવારે રિલીઝ થયેલી શાહરુખ ખાનની ‘પઠાન’એ બે દિવસમાં સો કરોડનો મેજિકલ આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમ લીડ રોલમાં છે. ફિલ્મને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ અને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. શાહરુખ ચાર વર્ષ બાદ ફિલ્મોમાં પાછો ફર્યો છે. એથી એને ઍક્શનનાં અવતારમાં જોવા તેનાં ફૅન્સની ભીડ થિયેટર્સમાં ઉમડી પડી છે. હિન્દીમાં રિલીઝ થયેલી આ ફિલ્મનાં કલેક્શન પર નજર નાખીએ તો બુધવારે ફિલ્મે ૫૫ કરોડ અને ગુરુવારે ૬૮ કરોડની સાથે કુલ મળીને ૧૨૩ કરોડનો વકરો કરી લીધો છે. તામિલ અને તેલુગુમાં આ ફિલ્મે બુધવારે ૨ કરોડ અને ગુરુવારે ૨.૫૦ કરોડની સાથે ૪.૫૦ કરોડનો બિઝનેસ કર્યો છે. આવી રીતે ‘પઠાન’એ બે દિવસમાં ત્રણેય ભાષાઓમાં મળીને ૧૨૭.૫૦ કરોડનું કલેક્શન મેળવી લીધુ છે. 
ટૂંક સમયમાં ‘જવાન’નું શૂટિંગ શરૂ કરશે શાહરુખ ખાન
શાહરુખ ખાન હવે આવતા મહિનાથી ‘જવાન’નું શૂટિંગ શરૂ કરવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથની ઍક્ટ્રેસ નયનતારા જોવા મળવાની છે. તો સાથે જ સાન્યા મલ્હોત્રા પણ એનું શૂટિંગ થોડા સમય માટે શરૂ કરવાની છે. છ દિવસના શેડ્યુલ માટે શાહરુખ ૧ ફેબ્રુઆરીથી ઍક્શન સીક્વન્સનું શૂટિંગ કરશે. તો થોડા સમય બાદ વિજય સેતુપતિ અને પ્રિયમણિ પણ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. ડિરેક્ટર એટલી અને તેની ટીમ આ ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શન પર પણ કામ કરી રહી છે. ​ફિલ્મમાં રિદ્ધિ ડોગરા અને સુનીલ ગ્રોવર પણ જોવા મળશે. બીજી જૂને આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. શાહરુખના રેડ ​​​​ચિલીઝ ​​એન્ટરટેઇનમેન્ટે અન્ય પ્રોડ્યુસર સાથે મળીને ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. 

ફિલ્મનો વિરોધ કરવાનો હવે કોઈ અર્થ નથી : હોમ મિનિસ્ટર નરોત્તમ મિશ્રા

મધ્ય પ્રદેશના હોમ મિનિસ્ટર નરોત્તમ મિશ્રાએ જણાવ્યું છે કે ફિલ્મનો વિરોધ કરવાનો હવે કોઈ અર્થ નથી. ‘પઠાન’નું ‘બેશરમ રંગ’ ગીતને જોઈને તેમણે સૌથી પહેલાં નારાજગી વ્યક્ત કરી હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે પહેરેલી કેસરી રંગની બિકિની પર 
તેમને વાંધો હતો. તેમના મુજબ એનાથી હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચે છે. ત્યાર બાદ અનેક સંગઠનોએ એના પર વાંધો ઉઠાવીને ફિલ્મની રિલીઝને અટકાવવાની માગણી કરી હતી. સાથે જ એમાં કેટલાક સુધારા કરવાની માગણી કરવામાં આવી હતી. ફિલ્મ રિલીઝ 
થયા બાદ હવે નરોત્તમ મિશ્રાએ કહ્યું કે ‘મને વિશ્વાસ છે કે ફિલ્મમાં જરૂરી 
એવા સુધારા કરવામાં આવ્યા છે. સેન્સર બોર્ડે એમાં સુધારા કર્યા છે. વિવાદિત શબ્દો હટાવવામાં આવ્યા છે. એથી હવે ફિલ્મને લઈને વિરોધ કરવાનો કોઈ અર્થ નથી.’

કદી ન જોયાં હોય એવાં અદ્ભુત વિઝ્યુઅલ છે : હૃતિક રોશન
‘પઠાન’ની પ્રશંસા કરતાં હૃતિક રોશને જણાવ્યું કે કદી ન જોયાં હોય એવાં અદ્ભુત વિઝ્યુઅલ આ ફિલ્મમાં જોવા મળ્યાં છે. સાથે જ તેણે ફિલ્મની આખી ટીમને શુભકામનાઓ આપી છે. યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપડાએ એને પ્રોડ્યુસ અને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. ફિલ્મ જોયા બાદ ટ્વિટર પર હૃતિક રોશને ટ્વીટ કર્યું કે ‘અદ્ભુત ટ્રિપ, અસાધારણ વિઝન, કદી ન જોયાં હોય એવાં વિઝયુઅલ્સ છે, ટાઇટ સ્ક્રીનપ્લે, શાનદાર મ્યુઝિક, સરપ્રાઇઝિસ અને ટ્વિસ્ટ્સ જોવા મળે છે. સિદ્ધાર્થ, તેં ફરીથી સારું કામ કર્યું છે. આદિત્ય, તારી હિંમત મને ચોંકાવી દે છે. શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમની સાથે ‘પઠાન’ની આખી ટીમને શુભેચ્છા.’

bollywood news entertainment news Shah Rukh Khan pathaan