Entertainment Updates: ક્રિતી સૅનનનું લંડનમાં બૉયફ્રેન્ડ કબીર બહિયા સાથે આઉટિંગ

23 February, 2026 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Entertainment Updates: વરુણ ધવને આપ્યો પ્રાણીપ્રેમનો પુરાવો, રિષબ શેટ્ટીને હનુમાનજીના રોલમાં ચમકાવતી ફિલ્મનું થઈ ગયું મુહૂર્ત અને વધુ સમાચાર

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ક્રિતી સૅનન અને બ્રિટન બેઝ્ડ બિઝનેસમૅન કબીર બહિયા રિલેશનશિપમાં હોવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. જોકે બન્નેમાંથી કોઈએ આ સંબંધને સત્તાવાર રીતે સ્વીકાર્યો કે નકાર્યો નથી, પણ બન્ને નિયમિત રીતે એકબીજાની કંપનીમાં જોવા મળે છે. હાલમાં એક વિડિયોમાં ક્રિતી અને કબીર લંડનના રસ્તાઓ પર હાથમાં હાથ નાખીને ફરતાં જોવા મળ્યાં હતાં. વિડિયોમાં ક્રિતી અને કબીર બન્ને આરામથી ચાલતાં-ચાલતાં વાતચીત કરતાં જોવા મળે છે. એક સમયે કબીરની નજર કૅમેરા પર પડે છે છતાં તે રેકૉર્ડિંગ રોકવા માટે કહેતો નથી અને આગળ વધી જાય છે.

દીકરી જાહ‌્નવી મહેતાની પચીસમી વર્ષગાંઠે જુહી ચાવલાએ કર્યો ૧૦૦૦ વૃક્ષો લગાડવાનો નિર્ધાર

શનિવારે જુહી ચાવલાની દીકરી જાહ‌્નવી મહેતાની પચીસમી વર્ષગાંઠ હતી. આ દિવસે જુહીએ પોતાની દીકરી માટે સોશ્યલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. આ ખાસ અવસરે જુહીએ દીકરી અને પતિ જય મહેતા સાથેની અનેક તસવીરો શૅર કરી છે અને સાથે જ દીકરી માટે ઇમોશનલ નોંધ લખી છે અને તેના જન્મદિવસે ૧૦૦૦ વૃક્ષો લગાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. જુહીએ દીકરી જાહ‌્નવીને જન્મદિવસની શુભેચ્છા આપતાં લખ્યું હતું, ‘મારી પ્રિય જાહ‌્નવી માટે ૧૦૦૦ વૃક્ષો. હંમેશાં સ્મિત કરતી રહે, ચમકતી રહે. લવ યુ. ભગવાન તને આશીર્વાદ આપે. જન્મદિવસ મુબારક.’

વરુણ ધવને આપ્યો પ્રાણીપ્રેમનો પુરાવો

તસવીર : શાદાબ ખાન

ગઈ કાલે વરુણ ધવને બાંદરા ખાતે ‘યોડા હૉપ કાર્નિવલ’ નામના એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન યુથ ઑર્ગેનાઇઝેશન ઇન ડિફેન્સ ઑફ ઍનિમલ્સ (YODA) દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલનો મુખ્ય ઉદ્દેશ ફન્ડ ભેગું કરવાનો હતો અને એમાં દરેક સ્ટૉલ અને દરેક ખરીદીમાંથી મળનાર ૧૦૦ ટકા નફો પ્રાણીઓના કલ્યાણ માટે સમર્પિત કરવામાં આવ્યો છે. આ પહેલ YODA દ્વારા જરૂરિયાતમંદ પ્રાણીઓને સહાય પહોંચાડવા માટે આયોજિત કરવામાં આવી હતી. વરુણ ધવને એમાં હાજરી આપીને પોતાના પ્રાણીપ્રેમનો પુરાવો આપ્યો છે. 

લે ગઈ દિલ ગુડિયા જપાન કી

માધુરી દીક્ષિત તાજેતરમાં પતિ શ્રીરામ નેને સાથે જપાનમાં વેકેશન માણવા ગઈ હતી. હાલમાં માધુરીએ પોતાના સોશ્યલ મીડિયામાં આ ટ્રિપની તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં માધુરી અને શ્રીરામ અલગ-અલગ ટૂરિસ્ટ-લોકેશન પર જોવા મળે છે. એક તસવીરમાં તો માધુરીએ જપાનના કિમોનો ડ્રેસ પહેર્યો છે અને શ્રીરામ પણ પરંપરાગત જપાની પહેરવેશમાં જોવા મળે છે.

કાંતારા સ્ટાર રિષબ શેટ્ટીને હનુમાનજીના રોલમાં ચમકાવતી ફિલ્મનું થઈ ગયું મુહૂર્ત

ગઈ કાલે ‘કાંતારા’સ્ટાર રિષબ શેટ્ટીને હનુમાનજીના રોલમાં ચમકાવતી ફિલ્મ ‘જય હનુમાન’નું મુહૂર્ત કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં આવેલા અને ભગવાન હનુમાનના જન્મસ્થાન ગણાતા અંજનાદ્રિ બેટ્ટામાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ૨૦૨૪ની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘હનુમાન’ની સીક્વલ છે અને એને પ્રશાંત વર્મા ડિરેક્ટ કરી રહ્યો છે. મેકર્સે આપેલી માહિતી પ્રમાણે શાનદાર પ્રોડક્શન વૅલ્યુ અને આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરીને ફિલ્મને મોટા સ્તર પર બનાવવામાં આવશે જેથી વાર્તાને સારી રીતે અને આસ્થાના ભાવને અસરકારક રીતે રજૂ કરી શકાય.

રવીના ટંડને હોંશે-હોંશે બતાવ્યો નવો હેર કલર

રવીના ટંડન સોશ્યલ મીડિયા પર સારી એવી ઍક્ટિવ રહે છે. હાલમાં રવીનાએ હેર કલર કરીને પોતાના લુકમાં ફેરફાર કર્યો છે. રવીનાએ સોશ્યલ મીડિયામાં પોતાના હેર કલરની પ્રક્રિયા બતાવીને પછી પોતાના મહોગની કલરના નવા હેરની લેયર-કટ હેરસ્ટાઇલની તસવીરો પોસ્ટ કરી છે. રવીનાનો આ નવો યુથફુલ લુક ફૅન્સને બહુ પસંદ પડી રહ્યો છે.

રાશા થડાણીએ નંદીના કાનમાં જણાવી પોતાના મનની ઇચ્છા

રવીના ટંડનની દીકરી રાશા થડાની ભગવાન શિવની પરમ ભક્ત છે. તે ઘણી વખત પોતાની મમ્મી સાથે આધ્યાત્મિક યાત્રાઓ પર જતી રહે છે. હાલમાં રાશાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરેલી એક તસવીરમાં તે કોઈ શિવમંદિરમાં દર્શન કરતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં એક તસવીરમાં રાશા શિવમંદિરમાં નંદીના કાનમાં પોતાની મનની ઇચ્છા વ્યક્ત કરતી જોવા મળી રહી છે. રાશાની આ તસવીર જોઈને તેના ફૅન્સ તેની મનોકામના પૂર્ણ થાય એવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

ગુરમીત ચૌધરીએ ઊજવી ૪૨મી વર્ષગાંઠ

તસવીર : શાદાબ ખાન

ગઈ કાલે ટીવી-ઍક્ટર ગુરમીત ચૌધરીની ૪૨મી વર્ષગાંઠ હતી. ગુરમીતે પોતાના જન્મદિવસનું સેલિબ્રેશન પત્ની દેબિના બૉનરજી અને દીકરીઓ લિઆના અને દેવિશા સાથે કર્યું હતું. આ સમયે ગુરમીતે ફોટોગ્રાફર્સ સાથે પણ કેક કટ કરીને તેમને સેલિબ્રેશનમાં સામેલ કર્યા હતા. 

entertainment news bollywood bollywood news varun dhawan juhi chawla environment raveena tandon fashion rasha thadani rishab shetty japan madhuri dixit kriti sanon london relationships gurmeet choudhary happy birthday