06 November, 2025 09:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ જીતેલી ભારતીય ક્રિકેટ ટીમ ગઈ કાલે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળી હતી. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ વર્લ્ડ કપ અને વિજેતા ટીમ સાથે ફોટો પડાવ્યો હતો. ભારતીય મહિલા ટીમે વડા પ્રધાનને તમામ પ્લેયર્સના ઑટોગ્રાફવાળું ટી-શર્ટ ભેટ આપ્યું હતું. આ ટી-શર્ટ પર NAMO લખીને એના પર નંબર 1 લખવામાં આવ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દિલ્હીના તેમના નિવાસસ્થાને વિમેન્સ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમને સન્માનિત કરી હતી. ચૅમ્પિયન ટીમે દરેક ખેલાડીનાં નામ સાથેના ઑટોગ્રાફવાળું ટીમનું ટી-શર્ટ વડા પ્રધાનને યાદગીરીરૂપે ભેટ આપ્યુ હતું. આ ટી-શર્ટની પાછળ 1નો આંકડો લખ્યો હતો અને ઉપર ‘NAMO’ લખ્યું હતું.
આ મુલાકાત દરમ્યાન ટીમનો કોચ અમોલ મુઝુમદાર અને ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ મિથુન મન્હાસ પણ હાજર હતા.
ભારતીય મહિલા ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌરે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્લેયરોનાં નામ અને ઑટોગ્રાફ સાથેનું સ્પેશ્યલ ટી-શર્ટ ભેટ આપ્યું હતું
વડા પ્રધાન મોદીએ દરેક ખેલાડીઓ સાથે ખુલ્લા મને ચર્ચા કરી હતી અને લગભગ દરેક ખેલાડીના વર્લ્ડ કપ દરમ્યાનના કારનામાને યાદ કરીને તેમનાં વખાણ કર્યાં હતાં. ખેલાડીઓએ વડા પ્રધાન સાથે અગાઉની મુલાકાતને પણ યાદ કરી હતી અને તેમણે વધુ મહેનત કરવા કઈ રીતે પ્રેરિત કર્યા હતા એ જણાવ્યું હતું. વડા પ્રધાને અમનજોતના એ યાદગાર કૅચને ખાસ યાદ કર્યો હતો અને મજાકમાં કહ્યું હતું, ‘કૅચ પકડતી વખતે તારી નજર બૉલ પર હશે, પણ કૅચ પકડ્યા પછી તેને ટ્રોફી દેખાઈ હશે.’ હરમનપ્રીત કૌરે મૅચ વિનિંગ કૅચ પકડ્યા બાદ કઈ રીત બૉલને ખિસ્સામાં નાખી દીધો હતો એ પણ મોદીએ યાદ કરાવ્યું હતું.
ટીમે જ્યારે ટ્રોફી સાથે વડા પ્રધાન સાથે ફોટો પડાવ્યો હતો ત્યારે તેમણે ખેલાડીઓના સન્માન માટે ટ્રોફીને હાથ નહોતો લગાડ્યો
હરમનપ્રીતે ૨૦૧૭માં ફાઇનલમાં હાર્યા બાદની મોદી સાથેની મુલાકાતને યાદ કરી હતી અને કહ્યું હતું કે ‘ત્યારે હું ટ્રોફી વગર આવી હતી, પણ આજે ટ્રોફી સાથે આવી છું એથી વિશેષ ખુશી છે અને વારંવાર આમ ટ્રોફી જીતવા માગું છું.’
મોદીએ ખેલાડીઓને તેમની સ્કૂલની મુલાકાત લેવાની અને બાળકોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવાની વિનંતી કરી હતી.