અમે સિરીઝ હાર્યાં, પણ રિચા-પૂજાના પર્ફોર્મન્સ ટીમના ફાયદામાં : હરમનપ્રીત

11 October, 2021 05:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાની ટીમે તમામ ફૉર્મેટને ગણતરીમાં લેતાં ભારત સામેની સિરીઝ ૫-૧૧થી જીતી લીધી છે

હરમનપ્રીત કૌર

ગોલ્ડ કોસ્ટ ખાતે ગઈ કાલે ભારતીય મહિલા ટીમ ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને આખરી ટી૨૦ હારી ગઈ હતી, પરંતુ પરાજયની નિરાશા વચ્ચે કૅપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે ‘અમે સિરીઝ હાર્યાં એનો રંજ રહેશે, પરંતુ રિચા ઘોષ અને પૂજા વસ્ત્રાકરે જે પર્ફોર્મ કર્યું એ ટીમના ભાવિ માટે ઘણું ફાયદાકારક છે.

ઑસ્ટ્રેલિયાની ટીમે તમામ ફૉર્મેટને ગણતરીમાં લેતાં ભારત સામેની સિરીઝ ૫-૧૧થી જીતી લીધી છે. ભારત વન-ડે શ્રેણીમાં ૧-૨થી પરાજિત થયું હતું, જ્યારે ૦-૨થી ગુમાવેલી ટી૨૦ સિરીઝમાં એક મૅચ અનિર્ણીત રહી હતી. ડે/નાઇટ ટેસ્ટ ડ્રૉમાં ગઈ હતી.

મંધાનાની હાફ સેન્ચુરી છતાં હાર

ગઈ કાલની અંતિમ મૅચમાં ભારતે ૧૫૦ રનના લક્ષ્યાંક સામે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૩૫ રન બનાવ્યા હતા, જેમાં સ્મૃતિ મંધાના (બાવન રન, ૪૯ બૉલ, ૮ ફોર), જેમાઇમા રૉડ્રિગ્સ (૨૩ રન, ૨૬ બૉલ, ૧ ફોર) અને રિચા ઘોષ (૨૩ અણનમ, ૧૧ બૉલ, બે સિક્સર, બે ફોર)નાં સૌથી મોટાં યોગદાન હતાં. યજમાન ટીમ વતી નિકોલા કૅરેએ બે વિકેટ લીધી હતી. એ પહેલાં ઑસ્ટ્રેલિયાના સ્કોર (૧૪૯/૫)માં બેથ મૂનીના ૬૧ રન અને તાહિલા મૅક્ગ્રાના અણનમ ૪૪ રન હતા.

sports sports news cricket news india australia indian womens cricket team