સિરીઝ પૂરી ન કરી શક્યા એ દુખદ : કોહલી

14 September, 2021 05:22 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પૂરી ન થતા ભારતીય કૅપ્ટન કહે છે, કોરોનાને લીધે અનિશ્ચિતતાઓ પ્રવર્તી રહી છે

વિરાટ કોહલી

ભારતીય કૅમ્પમાં કોરોનાના ડરને કારણે ઇંગ્લૅન્ડ સામેની પાંચમી ટેસ્ટ રદ થવાના મામલે કૅપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ વખત નિવેદન આપ્યું છે. ઇંગ્લૅન્ડ સામેની નિર્ણાયક ટેસ્ટ રદ થતાં ભારતીય ક્રિકેટરો વહેલા અબુધાબી તથા દુબઈ આવી પહોંચ્યા હતા. બૅન્ગલોરની ટીમના ડિજિટલ મીડિયા પ્લૅટફૉર્મ આરસીબી બોલ્ડ ડાયરીઝમાં કોહલીએ કહ્યું હતું કે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પૂર્ણ કર્યા વગર વહેલા યુએઈ આવવું પડ્યું એ એક દુખદ ઘટના છે, પરંતુ કોરોનાને કારણે ઘણીબધી અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ક્યારેય, કંઈ પણ થઈ શકે છે.

કોહલી અને બોલર મોહમ્મદ સિરાજ રવિવારે યુએઈ આવ્યા હતા. તેમને માટે મૅન્ચેસ્ટરથી દુબઈ સુધીની ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટીમ સાથે જોડાતાં પહેલાં તેમણે ૬ દિવસ માટે ક્વૉરન્ટીન રહેવું પડશે. કોહલીએ એવી આશા વ્યક્ત કરી હતી કે સુરક્ષિત બાયો-બબલ જાળવી રાખવું જોઈએ અને આરસીબી માટે આ એક મહત્ત્વનો તબક્કો છે તેમ જ ત્યાર બાદ ટી૨૦ વર્લ્ડ કપ પણ છે.

ભારતીય ખેલાડીઓએ અસિસ્ટન્ટ ફિઝિયો યોગેશ પરમાર કોવિડ-સંક્રમિત થતાં મૅચ રમવાની ના પાડી હતી. કોહલીએ બૅન્ગલોરની ટીમ સાથે જોડાયેલા નવા ખેલાડીઓ વિશે વાત કરતાં કહ્યું હતું કે હું તમામના સંપર્કમાં છું. ગયા મહિને જ રિપ્લેસમેન્ટને લઈને ચર્ચા થઈ હતી.

 ‘વિરાટ કૅપ્ટન્સી છોડશે’ એ વાત ખોટી

ટી૨૦ વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી વન-ડે અને ટી૨૦ ટીમની કૅપ્ટન્સી છોડવાનો છે એ દાવાને ભારતીય ક્રિકેટ બોર્ડે નકાર્યો છે. દાવા મુજબ વિરાટને બદલે રોહિત શર્માને વન-ડે અને ટી૨૦નો કૅપ્ટન બનાવવાના હતા. ક્રિકેટ બોર્ડના ટ્રેઝરર અરુણ ધુમલે ગઈ કાલે કહ્યું હતું કે ‘ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલી જ રહેશે .તેની કૅપ્ટન્સી છોડવાની વાત ખોટી છે. આવું કંઈ પણ ભારતીય ક્રિકેટમાં નથી થઈ રહ્યું. બોર્ડે સ્પ્લિટ કૅપ્ટન્સીને લઈને કોઈ ચર્ચા કરી નથી કે ક્યારેય આના વિશે વિચાર્યું નથી.’

બૅન્ગલોરની ટીમ મેનેજમેન્ટના હું સતત સંપર્કમાં છું. ગયા મહિને જ રિપ્લેસમેન્ટને લઈને ચર્ચા થઈ હતી. નવા ખેલાડીઓ નવી સ્કીલ ટીમમાં લઈને આવે છે.

- વિરાટ કોહલી, બૅન્ગલોરનો કૅપ્ટન

sports sports news india england virat kohli