12 August, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી અને રોહિત શર્મા
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ ભારતીય ટીમના સ્ટાર પ્લેયર્સ વિરાટ કોહલી અને રોહિત શર્મા નૅશનલ ટીમ માટે રમ્યા નથી. T20 અને ટેસ્ટ-મૅચમાંથી નિવૃત્તિ લેનાર આ બન્ને પ્લેયર્સ હવે ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયા ટૂર પર વન-ડે સિરીઝ દરમ્યાન ટીમ ઇન્ડિયા માટે રમતા જોવા મળશે, પણ એ તેમની કરીઅરની છેલ્લી ઇન્ટરનૅશનલ સિરીઝ પણ બની શકે છે.
અહેવાલ અનુસાર ૩૮ વર્ષનો રોહિત શર્મા અને ૩૬ વર્ષનો વિરાટ કોહલી વર્ષ ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ માટે બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના પ્લાનિંગમાં ફિટ નથી થતા. મોટી ટુર્નામેન્ટ માટે હમણાંથી જ યંગ ક્રિકેટર્સ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. આ કિસ્સામાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વન-ડે વર્લ્ડ કપ ટીમમાં એન્ટ્રી માટે ક્રિકેટ બોર્ડની એક શરત માનવી પડશે. જો તેઓ એનો ઇનકાર કરે તો તેમની કરીઅરનો અંત પણ આવી શકે છે.
મળતા અહેવાલ અનુસાર બન્નેએ ડિસેમ્બરમાં શરૂ થતી વન-ડે ફૉર્મેટની ડોમેસ્ટિક સિરીઝ વિજય હજારે ટ્રોફી રમીને પોતાની જાતને સંપૂર્ણ ફિટ સાબિત કરવી પડશે. ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ- ટૂર બાદ બોર્ડની નવી નીતિ અનુસાર તેમણે રણજી ટ્રોફી પણ રમવી પડી હતી જેમાં તેમણે વર્ષો બાદ હાજરી પણ આપી હતી, પણ IPL દરમ્યાન બન્નેએ ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
મુંબઈ માટે રોહિત શર્મા છેલ્લે ઑક્ટોબર ૨૦૧૮માં વિજય હજારે ટ્રોફી રમ્યો હતો, જ્યારે દિલ્હીના વિરાટ કોહલીએ છેલ્લે છેક ફ્રેબુઆરી ૨૦૧૦માં વિજય હજારે ટ્રોફીમાં હાજરી આપી હતી.