09 March, 2026 09:39 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
T20 વર્લ્ડ કપ 2026 સાથે ટીમ ઇન્ડિયા
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની દસમી સીઝનની ફાઇનલ મૅચમાં ભારતે ન્યુ ઝીલૅન્ડ સામે ૯૬ રનથી ભવ્ય વિજય મેળવીને ઇતિહાસ રચ્યો છે. ભારત મેન્સ T20 વર્લ્ડ કપનાં સૌથી વધુ ૩ ટાઇટલ જીતનાર, પહેલી વખત ટાઇટલ ડિફેન્ડ કરનાર અને ઘરઆંગણે T20 વર્લ્ડ કપ જીતનાર પહેલવહેલી ટીમ બની છે. આ તમામ જૂની ઐતિહાસિક માન્યતાઓ તોડીને ટીમ ઇન્ડિયા મેન્સ T20 વર્લ્ડ કપનો બાદશાહ એટલે કે સૌથી સફળ ટીમ બની છે.
ભારતે ટૉપ-ઑર્ડર બૅટર્સની ફિફ્ટીના આધારે T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચનો હાઇએસ્ટ ૨૫૫/૫નો સ્કોર કર્યો હતો. જવાબમાં ૨૦૨૧ની રનર-અપ ટીમ ન્યુ ઝીલૅન્ડ ૧૯ ઓવરમાં ૧૦ વિકેટે ૧૫૯ રન જ કરી શકી હતી.
ભારતીય ઓપનર સંજુ સૅમસને ૪૬ બૉલમાં પાંચ ફોર અને ૮ સિક્સના આધારે ૮૯ રન ફટકાર્યા હતા. તેના સાથી-ઓપનર અભિષેક શર્માએ પણ ૬ ફોર અને ૩ સિક્સના આધારે ૨૧ બૉલમાં બાવન રન ફટકારીને T20 વર્લ્ડ કપની મૅચનો પાવરપ્લેનો હાઇએસ્ટ વિનાવિકેટે ૯૨ રનનો સ્કોર ઊભો કર્યો હતો. T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલ કે ફાઇનલ મૅચની ફાસ્ટેસ્ટ ૪ ઓવરની ટીમ-ફિફટી પણ ભારતે નોંધાવી હતી.
ઈશાન કિશને ત્રીજા ક્રમે રમીને ૨૫ બૉલમાં ૪ ફોર અને ૪ સિક્સના આધારે ૫૪ રન કર્યા હતા. T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલ કે ફાઇનલ મૅચની ફાસ્ટેસ્ટ સેન્ચુરી ૭.૨ ઓવરમાં ભારતના ટૉપ-ઑર્ડરે નોંધાવી હતી. પહેલી જ વખત T20 વર્લ્ડ કપની એક ઇનિંગ્સમાં ત્રણેય ટૉપ-ઑર્ડર બૅટરે ફિફ્ટી ફટકારી હતી.
હાર્દિક પંડ્યાએ ૧૩ બૉલમાં ૧ ફોર અને ૧ સિક્સના આધારે ૧૮ રન, શિવમ દુબેએ ૮ બૉલમાં ૩ ફોર અને બે સિક્સના આધારે અણનમ ૨૬ રન કર્યા હતા. તિલક વર્માએ ૬ બૉલમાં ૮ રનનું (નૉટઆઉટ) યોગદાન આપ્યું હતું. ન્યુ ઝીલૅન્ડના ૭ બોલિંગ-વિકલ્પોમાંથી ફાસ્ટ બોલર જેમ્સ નીશામે ૪૬ રન આપીને ૩ વિકેટ લીધી હતી.
રન-ચેઝ કરવા ઊતરેલી ન્યુ ઝીલૅન્ડની ટીમ માટે ઓપનર ટિમ સાઇફર્ટે મુશ્કેલ પરિસ્થિતિમાં ૨૦૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૨૬ બૉલમાં બે ફોર અને પાંચ સિક્સરની મદદથી બાવન રન કર્યા હતા. કૅપ્ટન મિચલ સૅન્ટનરે ૩૫ બૉલમાં ૩ ફોર અને બે સિક્સના આધારે ૩૫ બૉલમાં ૪૩ રન કર્યા હતા.
ભારત તરફથી જસપ્રીત બુમરાહે ૪ ઓવરમાં ૧૫ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. સ્પિનર અક્ષર પટેલે ૩ ઓવરમાં ૨૭ રન આપીને ૩ વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા, વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્માએ ૧-૧ સફળતા મેળવી હતી. ફાઇનલ મૅચમાં ભારતની ફીલ્ડિંગમાં પણ શાનદાર નઝારા જોવા મળ્યા હતા.
ઓપનર સંજુ સૅમસન ગઈ કાલે T20 વર્લ્ડ કપ ફાઇનલ મૅચની સૌથી મોટી ૮૯ રનની વ્યક્તિગત ઇનિંગ્સ રમ્યો હતો. અગાઉ ૨૦૧૬ અને ૨૦૨૧માં વેસ્ટ ઇન્ડીઝના માર્લન સૅમ્યુઅલ્સ અને ન્યુ ઝીલૅન્ડના કેન વિલિયમસને અનુક્રમે ૮૫ (અણનમ) અને ૮૫ રન કર્યા હતા.
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયનના નવીનીકરણ બાદ આ સ્ટેડિયમમાં પાંચ વર્ષમાં પાંચ ફાઇનલ મૅચ રમાઈ છે. આ પાંચેય મૅચમાં પાંચ અલગ ટીમ ચૅમ્પિયન બની છે. IPL 2022ની ફાઇનલ મૅચ ગુજરાત ટાઇટન્સ, IPL 2023ની ફાઇનલ મૅચ ચેન્નઈ સુપર કિંગ્સ, IPL 2025ની ફાઇનલ મૅચ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ જીત્યું હતું. ૨૦૨૩ની વન-ડે વર્લ્ડ કપ ફાઇનલ ઑસ્ટ્રેલિયા જીત્યું હતું. એ સમયે અજેય રહેલી ભારતીય ટીમ ફાઇનલમાં હારતાં ભારતના ૧૪૦ કરોડ લોકોનાં દિલ અને સપનાં તૂટ્યાં હતાં, પરંતુ ગઈ કાલે ત્યાં જ સૂર્યા ઍન્ડ કંપનીએ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી.
વર્તમાન વર્લ્ડ કપમાં સંજુ સૅમસન પાંચ મૅચમાં ૩૨૧ રન કરીને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. તેણે ભારતની ત્રણેય મહત્ત્વપૂર્ણ મૅચમાં એટલે કે ક્વૉર્ટર-ફાઇનલ જેવી વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં અણનમ ૯૭ રન, સેમી-ફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડ સામે ૮૯ રન અને ફાઇનલ મૅચમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૮૯ રન કર્યા હતા. તેણે અવૉર્ડ સ્વીકારતી વખતે ખુલાસો કર્યો હતો કે વર્લ્ડ કપ પહેલાં તેના ખરાબ ફૉર્મ સમયે સચિન તેન્ડુલકર જેવા ભૂતપૂર્વ પ્લેયર્સે તેની સાથે ફોન પર વાત કરીને ટિપ્સ અને સલાહ-સૂચન આપ્યાં હતાં.
ICC મેન્સ T20 વર્લ્ડ કપ ટ્રોફી ૨૦૦૭માં ભારતના જયપુરમાં ડિઝાઇનર અમિત પબુવાલ દ્વારા બનાવવામાં આવી હતી. પ્રારંભિક ડિઝાઇન ઑસ્ટ્રેલિયાના મિનેલ બ્રાયસે તૈયાર કરી હતી. આ ટ્રોફી લગભગ ૨૧ ઇંચ ઊંચી અને છ કિલોગ્રામ વજન ધરાવે છે. પ્લેટિનમ પ્લેટિંગ સાથે ચાંદીથી બનેલી આ ટ્રોફીમાં ત્રણે ઇન્ટરસેક્ટિંગ ટ્યુબની ડિઝાઇન છે જે બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગનું પ્રતિનિધિત્વ કરે છે.
ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ પહેલાં રાષ્ટ્રગીત સમયે ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ભારતીય કૅપ્ટન એમ. એસ. ધોની (૨૦૦૭) અને રોહિત શર્મા (૨૦૨૪) એકસાથે વર્લ્ડ કપ ટ્રોફી લઈને મેદાન પર આવ્યા હતા. તેમની સાથે ICC ચૅરમૅન જય શાહ અને જિયોસ્ટારના વાઇસ ચૅરમૅન ઉદય શંકરે પણ હાજરી આપી હતી.
૧૯૮૩ના ભારતના પહેલા વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવ સાથે બેસીને ધોની અને રોહિત શર્માએ ફાઇનલ મૅચનો આનંદ માણ્યો હતો. ભારતના ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ પોતાના ફૅમિલીના સભ્યો સાથે ફાઇનલ મૅચના રોમાંચનો અનુભવ કરવા આવ્યા હતા.
આ પહેલાં ટીમ ઇન્ડિયા ક્યારેય રવિવારે મેન્સ વર્લ્ડ કપ જીતી નહોતી. મેન્સ વર્લ્ડ કપમાં ભારતની ચારેય જીત શનિવારે (વન-ડે વર્લ્ડ કપ ૧૯૮૩, વન-ડે વર્લ્ડ કપ ૨૦૧૧, T20 વર્લ્ડ કપ ૨૦૨૪) અને સોમવારે (T20 વર્લ્ડ કપ ૨૦૦૭) આવી હતી. ભારત રવિવારે વન-ડે વર્લ્ડ કપ ૨૦૦૩, T20 વર્લ્ડ કપ ૨૦૧૪ અને વન ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલ હારી ગયું હતું.
પાંચ ઇનિંગ્સમાં ૧૯૯.૩૭ના સ્ટ્રાઇક-રેટ અને ૮૦.૨૫ની અૅવરેજ સાથે કર્યા ૩૨૧ રન
40- આટલી વિકેટ સાથે T20 વર્લ્ડ કપનો હાઇએસ્ટ વિકેટટેકર પેસ બોલર બન્યો જસપ્રીત બુમરાહ.
24 - T20 વર્લ્ડ કપની એક સીઝનમાં હાઇએસ્ટ આટલી સિક્સ ફટકારનાર બૅટર બન્યો સંજુ સૅમસન.