આજથી સર્વોત્તમ ટેસ્ટમાં ટક્કર : આક્રમક વિરાટની ધમાકેદાર ફોજ સામે ચપળ વિલિયમસનની કસોટી

18 June, 2021 02:38 PM IST  |  England | Gujarati Mid-day Correspondent

ટેસ્ટ-ક્રિકેટનાં ૧૪૪ વર્ષના ઇતિહાસમાં અત્યંત રોમાંચક, રસાકસીભરી, અણધાર્યાં પરિણામો આપનારી અને અપસેટ સર્જનારી ઘણી ટેસ્ટ-મૅચો રમાઈ ગઈ છે, પરંતુ આજે (ભારતીય સમય મુજબ બપોરે ૩.૦૦ વાગ્યાથી) ઇંગ્લૅન્ડના સધમ્પ્ટનમાં જે ટેસ્ટ-મૅચ શરૂ થવા જઈ રહી છે એ ઐતિહાસિક

સધમ્પ્ટન ગ્રાઉન્ડ પર ગઈ કાલે કોચ રવિ શાસ્ત્રી તેમ જ કોચિંગ અને અન્ય સ્ટાફ મેમ્બરો સાથે ભારતીય ટેસ્ટ-ટીમના ખેલાડીઓ. કેન વિલિયમસન (નીચે) કૅપ્ટન્સીના દાવપેચથી ભારતીય પ્લેયરોની બાજી ઊંધી વાળવા કોઈ કસર નહીં છોડે. વિલિયમસનને ફ્લેમિંગના ૭૧૨૨ રનના આંકને ઓળંગવા ૪૪ રનની જરૂર છે. પી.ટી.આઇ.

ટેસ્ટ-ક્રિકેટનાં ૧૪૪ વર્ષના ઇતિહાસમાં અત્યંત રોમાંચક, રસાકસીભરી, અણધાર્યાં પરિણામો આપનારી અને અપસેટ સર્જનારી ઘણી ટેસ્ટ-મૅચો રમાઈ ગઈ છે, પરંતુ આજે (ભારતીય સમય મુજબ બપોરે ૩.૦૦ વાગ્યાથી) ઇંગ્લૅન્ડના સધમ્પ્ટનમાં જે ટેસ્ટ-મૅચ શરૂ થવા જઈ રહી છે એ ઐતિહાસિક છે. પહેલી જ વાર યોજાયેલી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ફાઇનલ આજે શરૂ થઈ રહી છે અને એમાં રૅન્કિંગમાં સર્વોચ્ચ દેશ ભારત (૫૨૦ પૉઇન્ટ) અને ન્યુ ઝીલૅન્ડ (૪૨૦ પૉઇન્ટ) વચ્ચે ટક્કર થવાની છે.

વિરાટ કોહલી ૧૩૦ કરોડ ભારતીયોની અપેક્ષાના બોજ સાથે રમશે, જ્યારે વિશ્વભરના અનેક ખેલાડીઓ અને ક્રિકેટ-નિષ્ણાતો કિવી કૅપ્ટન કેન વિલિયમસનના હાથમાં ટ્રોફી જોવા માગતા હશે.

પ્રથમ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ ૧૯૭૫ની સાલમાં અને પ્રથમ ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલ ૨૦૦૭માં રમાઈ હતી. હવે ટેસ્ટના વર્લ્ડ કપની સૌપ્રથમ ફાઇનલ માટે ૨૦૨૧નું વર્ષ ક્રિકેટના ઇતિહાસમાં અંકિત થશે. વન-ડેનું પહેલું ચૅમ્પિયન ક્લાઇવ લૉઇડના સુકાનમાં વેસ્ટ ઇન્ડીઝ બનેલું અને ટી૨૦નું પહેલું વિશ્વવિજેતા મહેન્દ્ર સિંહ ધોનીની કૅપ્ટન્સીમાં ભારત બન્યું હતું. હવે ટેસ્ટમાં આ અનેરું ગૌરવ મેળવવાની ભારતને અને વિરાટ કોહલી ઍન્ડ ટીમને તક છે. કોહલી ભારતનો બેસ્ટ કૅપ્ટન છે એટલે તેના હાથમાં જો ટ્રોફી હશે તો એનાથી વધુ ગૌરવપૂર્ણ અને વધુ બંધબેસતું બીજું કંઈ નહીં કહેવાય. કિંગ કોહલી તેના ગુરુ ધોની પાસેથી ઘણું શીખીને આ સર્વોત્તમ સ્તર સુધી પહોંચ્યો છે એટલે ભારતની જીતમાં આડકતરી રીતે ધોનીનું પણ મોટું યોગદાન કહેવાશે. એટલું જ નહીં, ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી, લેજન્ડ્સ સુનીલ ગાવસકર, કપિલ દેવ, સચિન તેન્ડુલકર, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, વીરેન્દર સેહવાગ વગેરે ખ્યાતનામ ખેલાડીઓના પણ ટેસ્ટ-ક્રિકેટમાંના વિરલ પર્ફોર્મન્સને આ મહાન સિદ્ધિ સાથે જોડી શકાશે. કોહલી વિશ્વના સૌથી સફળ કૅપ્ટનોમાં ગણાય છે, પરંતુ તેને ડબ્લ્યુટીસી જેવી મોટી ટ્રોફીની ખાસ જરૂર છે. એમાં તે સફળ થઈ શકશે, કારણ કે ભારત પાસે ટોચના બૅટ્સમેનો, વિકેટ-ટેકિંગ ટોચના પેસ બોલરો અને બાજી પલટાવી શકે એવા સ્પિનરો છે.

કોહલીને ટેસ્ટ ચૅમ્પિયનશિપની ટ્રોફી સાથેની પ્રતીકરૂપી ગદા અને ભારતીય ટીમને ૧૧.૭૨ કરોડ રૂપિયાનું સર્વોચ્ચ ઇનામ મેળવતાં જો કેન વિલિયમસન રોકશે તો અનેક ક્રિકેટપ્રેમીઓને આશ્ચર્ય નહીં થાય, કારણ કે ૨૦૧૯માં ઇંગ્લૅન્ડ સામેની ડબલ-ટાઇવાળી વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં કિવીઓના અસાધારણ પર્ફોર્મન્સ છતાં ટ્રોફીથી વંચિત રહેલો વિલિયમસન ડબ્લ્યુટીસીના ચૅમ્પિયનપદ માટે પણ દાવેદાર તો છે જ. ૨૦૧૪ની સાલ પછી ન્યુ ઝીલૅન્ડની ટીમ વર્લ્ડ-બીટર્સ બની છે અને એમાં વિલિયમસનનું મોટું યોગદાન છે. જોકે, ૨૦૧૯ની વન-ડે વિશ્વ કપની સેમી ફાઇનલની હારનો બદલો પણ ભારતે આ ટેસ્ટ-ફાઇનલમાં લેવાનો છે.

‘જેન્ટલમેન્સ ગેમ’ તરીકે જાણીતી ક્રિકેટમાં ટેસ્ટ-મૅચ સર્વશ્રેષ્ઠ ફૉર્મેટ ગણાય છે અને એની ઘટી ગયેલી લોકપ્રિયતાને ફરી શિખર પર લાવવા દર બે વર્ષે ડબ્લ્યુટીસીનું આયોજન શરૂ કરાયું છે.

આજે જે ટીમ ટૉસ જીતશે એના પર એ ટીમના વિજયની ઘણી સંભાવના રહેશે. આ આઇસીસી ટુર્નામેન્ટ છે અને ભારત કિવીઓ સામેની આગલી પાંચ આઇસીસી ઇવેન્ટ્સમાં એક જ વાર જીત્યું હતું. એ જીત ૨૦૦૩ના વર્લ્ડ કપમાં હતી.

પિચ કેવી હશે ઃ અમ્પાયરો કોણ?
સૌપ્રથમ ડબ્લ્યુટીસી ફાઇનલ સધમ્પ્ટનના એજીસ બૉલના ગ્રાઉન્ડ પર રમાવાની છે. આ શહેરમાં અઠવાડિયાની શરૂઆતમાં ૩૦ ડિગ્રી તાપમાન હતું. પિચ ક્યુરેટર સાયમન લી જણાવે છે કે ફાઇનલના બન્ને હરીફો માટે આ ન્યુટ્રલ ગ્રાઉન્ડ છે અને એની પિચ પેસ તથા બાઉન્સવાળી રહેશે. ટૂંકમાં બૅટ્સમેનો અને બોલરો, બન્નેને સરખો ન્યાય મળી રહે એવી પિચ બનાવી છે.
રિચર્ડ ઇલિંગવર્થ (ઇંગલૅન્ડ) અને માઇકલ ગૉફ (ઇંગ્લૅન્ડ) આ ફાઇનલ-ટેસ્ટના ઑન-ફીલ્ડ અમ્પાયરો છે, જ્યારે રિચર્ડ કેટલબરો (ઇંગ્લૅન્ડ) ટીવી અમ્પાયર અને ક્રિસ બ્રૉડ (ઇંગ્લૅન્ડ) મૅચ રેફરી છે.

બન્ને દેશની ટીમ
ઇન્ડિયા (ઇલેવન): વિરાટ કોહલી (કૅપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કૅપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, રિષભ પંત (વિકેટકીપર), રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી. સ્ટૅન્ડ-બાય તરીકે હનુમા વિહારી છે.

ન્યુ ઝીલૅન્ડ (૧૫ પ્લેયરો): કેન વિલિયમસન (કૅપ્ટન), બી. જે. વૉટલિંગ (વિકેટકીપર), ટૉમ બ્લન્ડેલ (બૅક-અપ વિકેટકીપર), ટૉમ લૅથમ, ડેવોન કોન્વે, રૉસ ટેલર, હેન્રી નિકોલસ, વિલ યંગ, કૉલિન ડી’ગ્રેન્ડમ, કાઇલ જૅમિસન, ટિમ સાઉધી, નીલ વૅગ્નર, એજાઝ પટેલ, ટ્રેન્ટ બોલ્ટ અને મૅટ હેન્રી.

ટૉસ જીતીને બૅટિંગ લેજો : ગાંગુલી
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ગઈ કાલે એક ચૅનલને મુલાકાતમાં કહ્યું હતું કે ‘જો વાદળિયું હવામાન હોય અને ટૉસ જીતવા મળે તો ભારતે પહેલાં બૅટિંગ જ પસંદ કરવી જોઈએ. વિદેશી પ્રવાસોમાં ભારતીય ટીમ માટે આ જ અભિગમ કારગત નીવડતો હોય છે. મને આશા છે કે વિરાટ અને તેની ટીમ ટ્રોફી લઈને જ સ્વદેશ પાછી આવશે.’

cricket news sports sports news india new zealand southampton virat kohli kane williamson